ઉત્તેજના:વડોદરાના સલાટવાડામાં મૃત પશુનું કાપેલું માથું અજાણી વ્યક્તિ ફેંકી ગયું, CCTV ફૂટેજના આધારે તપાસ

વડોદરા4 મહિનો પહેલા
સલાટવાડા રોડ ઉપર પશુનું કપાયેલું માથું મળી આવ્યુ
  • પશુ દવાખાનાની તપાસમાં કપાયેલું માથું ભેંસનું હોવાનું બહાર આવ્યુ
  • કારેલીબાગ પોલીસે કાપેલુ માથું કબજે કરી તપાસ શરૂ કરી

ચોવિસ કલાક વાહનોથી ધમધમતા શહેરના સલાટવાડા વિસ્તારમાં સવારના સમયે મુખ્ય માર્ગના ડીવાઇડર પાસેથી અજાણ્યા પશુના બચ્ચાનું કપાયેલું માથું મળી આવતાં ઉતેજના ફેલાઈ હતી. જોકે, પશુના કપાયેલા માથાના પગલે કોઇ અઘટીત ઘટના બને તે પહેલાં કારેલીબાગ પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. અને પશુના કપાયેલા માથાનો કબજો લઇ તપાસ શરૂ કરી હતી. પોલીસે આ કૃત્ય આચરનાર વ્યક્તિની શોધવા માટે સી.સી. ટી.વી. ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

પશુનું કપાયેલું માથું રોડ ઉપર પડેલું જોઇ લોકોના ટોળા એકઠા થયા
મળેલી માહિતી પ્રમાણે શહેરના સલાટવાડા વિસ્તારમાં સવારના 11 વાગ્યાની આસપાસ વડુવાડા હોસ્પિટલ ચાર રસ્તા પાસેના મેઈન રોડ એક પશુના બચ્ચાનું કપાયેલું માંથું પડેલું હતું. સ્થાનિક લોકો અને પસાર થતાં લોકોએ પશુના કપાયેલા માથાને જોતાજ એકપછી એક લોકો ભેગા થવાનું શરૂ થઇ ગયું હતું. પરિણામે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી. રોડ પાસે દુકાન ધરાવતાં લોકોને કેટલાકે કશું ગંધાતું હોવાની વાત કરી હતી જેથી કેટલાક તે હટાવવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ગૌ રક્ષા સમિતીના કાર્યકરો સ્થળ પર દોડી આવ્યા
દરમિયાન, કપાયેલું માથું રોડના ડિવાઈડર પાસે ખસેડવામાં આવ્યું હતું. આ અંગેની જાણ ગૌરક્ષા સમિતિના કાર્યકરોને થતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચતાં અફરાંતફરી મચી ગઇ હતી. બીજી બાજુ ઘટનાની જાણ કારેલીબાગ પોલીસને થતાં, જવાનો સલાટવાડા સ્થળ પર પહોંચ્યા હતા અને કપાયેલું માથું કબજે કર્યું હતું. કારેલીબાગ પોલીસ કપાયેલા માથાંને ભુંતડીઝાંપા પાસે આવેલા પશુ દવાખાને લઇ ગઇ હતી. જયાં તબીબે નીરીક્ષણ કરી માથું ભેંસના બચ્ચાનું હોવાનું જણાવ્યું હતું.

આ કૃત્ય આચરવાનો ઇરાદો શું હતો ?
કપાયેલું માંથુ સલાટવાડાના રોડ પર કોણે નાંખ્યું? નાંખવા પાછળ શું ઇરાદો હતો? કપાયેલા માંથાના પ્રકરણમાં એક કરતાં વધુ લોકો સંડોવાયેલા છે કે કેમ? તે જાણવા માટે પોલીસે રોડ ઉપર લગાવવામાં આવેલા સી.સી. ટી.વી. ફૂટેજ મેળવ્યા હતા. જોકે, પોલીસને સી.સી. ટી.વી. ફૂટેજમાંથી કોઇ ઠોસ માહિતી મળી ન હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ, પોલીસે આ કૃત્ય આચરનારને ઝડપી પાડવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...