અટલાદરામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ રોકવાનો પ્રયાસ કરનાર ભાજપના વોર્ડ-12ના પ્રમુખના ઘરે શુક્રવારે મોડી રાત્રે નેતા બનવાનો બહુ શોખ છે? કહીને અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ મામલે માંજલપુર પોલીસે ત્રણ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદમાં રાજેશ ઠક્કરે જણાવ્યું કે, 3 જુને તેઓ રાત્રે 11 વાગ્યે પાદરા રોડ પર હોટલમાં જમવા બેઠા હતાં. દરમિયાન ઘર પાસે રહેતા રીક્ષા ડ્રાઈવર દેવાભાઈ મંડલનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, માધવનગર પાછળ સુનિલ શિંદે તેમજ તરૂણ યાદવ (બંને રહે-માધવનગર, અટલાદરા) આમલેટની લારી ચલાવે છે. અને તેઓ આવતા જતા લોકોને હેરાન કરે છે. લારી ઉપર ગેરકાયદે પ્રવૃત્તિઓ કરે છે. આ સાંભળી રાજેશ ઠક્કર રાત્રે 11.30 વાગ્યે માધવનગર પહોચ્યાં હતાં. સુનિલ શિંદે અને તરૂણ યાદવને સમજાવ્યાં હતાં. જેથી બંને ત્યાંથી જતા રહ્યાં હતાં. દરમિયાન તેનો મિત્ર સુજલ કનુભાઈ પટેલ ત્યાં હાજર હતો જેણે પણ સુનિલ અને તરૂણ લારી પર ગેરકાયદે પ્રવૃત્તિઓ ન કરે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ હું ઘરે જતો રહ્યો હતો.
રાજેશ ઠક્કરે જણાવ્યું કે, શનિવારે રાત્રે 2:30 વાગે સુનિલ શિંદે અને તરૂણ યાદવ તેના મિત્ર સાથે મારા ઘરે આવ્યો હતો અને ઘરની બહાર જોર જોરથી અપશબ્દો બોલી ‘નેતા બનવાનો બહુ શોખ છે’ કહી ઘર પર પથ્થરો ફેંક્યાં હતાં. જેમાં મારી ગાડીનો કાચ તોડી નાંખ્યો હતો અને ભાગી ગયા હતાં. જ્યારે સુનિલ અને તરૂણ યાદવ રાજેશભાઈની કાર સળગાવવા માટે આવ્યાં હોવાની જાણ થઈ હતી. માંજલપુર પોલીસે સુનિલ શિંદે, તરૂણ યાદવ અને સુજલ કનુભાઈ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.