આજે રામનવમી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચતાં એકાએક પથ્થરમારો શરૂ થયો હતો, લોકોની દોડધામ મચી ગઈ હતી. એ સાથે તોફાની ટોળા દ્વારા રોડ ઉપરની લારીઓની પણ તોડફોડ કરવામાં આવી હતી. પથ્થરમારાના કારણે રોડ ઉપરનાં બજારો ટપોટપ બંધ થઇ ગયાં હતાં. જોકે કોમી ભડકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તેમણે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
શહેરમાં એસઆરપીની વધુ બે કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ ઊપરાંત ચાર દરવાજા વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ફતેપુરા વિસ્તારમાં પોલીસ હાલ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 20 શકમંદની અટકાયત કરવામાં આવી છે. હાલ પણ પોલીસ દ્વારા સતત કોમ્બિન્ગ કરવામાં આવી રહ્યું છે. મોડી રાત સુધીમાં અટકાયતનો આંકડો વધી શકે છે.
ટોળાને કાબુમાં લેવા ટીયરગેસનો એક સેલ છોડાયો
સાંજના 5:40ની આસપાસ કુંભારવાડામાં નીકળેલી રામજીની બીજી શોભાયાત્રા પર ફરી પથ્થરમારો થયો હતો. આ સાથે લોકટોળાએ વાહનોમાં પણ તોડફોડ કરી હતી. આગળ જતાં યાકુતપુરા પાસે પણ કાંકરીચાળો થયો હતો. ભાજપા અગ્રણીઓએ પોલીસ કમિશનરને કડક હાથે તોફાનોને ડામી દેવા માટે તાકીદ કરી છે. આ સાથે શહેરમાં કોમી ભડકો થતાં પોલીસતંત્ર દ્વારા પ્રતાપનગર હેડ ક્વાર્ટર ખાતે તાલીમ લઇ રહેલા LRDના 500 જવાનો તેમજ SRPની વધુ બે કંપનીઓ બંદોબસ્તમાં ઉતારી દેવામાં આવી છે. તોફાની ટોળાને કાબુમાં લેવા ટીયરગેસનો એક સેલ પણ છોડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ ઘટનામાં બે વ્યક્તિને ઈજા પહોંચી છે.
કડક હાથે તોફાનોને ડામી દેવા તાકીદ
ફતેપુરા બપોરે પાંજરીગર મહોલ્લા પાસે પથ્થરમારો થયા બાદ સાંજના સમયે ફતેપુરા કુંભારવાડા પાસે શોભાયાત્રામાં પથ્થરમારો થયા બાદ મેયર નિલેશ રાઠોડ, શહેર ભાજપા મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ ફતેપુરા રોડ ઉપર પહોંચી ગયા હતા. ભાજપાના અગ્રણીઓની સાથે શહેર પોલીસ કમિશનર ડો. શમશેરસિંહ પણ જોડાયા હતા. ભાજપા અગ્રણીઓએ પોલીસ કમિશનરને કડક હાથે તોફાનોને ડામી દેવા માટે તાકીદ કરી હતી. ફતેપુરા ચાર રસ્તા વિસ્તારના તમામ બજારો બપોર બાદ બંધ થઇ ગયા હતા.
LRDના 500 જવાનો તેમજ SRPની વધુ બે કંપનીઓ બંદોબસ્તમાં
શહેરમાં કોમી ભડકો થતાં પોલીસતંત્ર દ્વારા પ્રતાપનગર હેડ ક્વાર્ટર ખાતે તાલીમ લઇ રહેલા LRDના 500 જવાનો તેમજ SRPની વધુ બે કંપનીઓ બંદોબસ્તમાં ઉતારી દેવામાં આવી છે. ફતેપુરા ચાર રસ્તા તેમજ કુંભારવાડા વિસ્તારમાં જડબેસલાખ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તે સાથે વડોદરાના શહેરના સંવેદનશિલ વિસ્તારો પાણીગેટ, જુનીગઢી, મચ્છીપીઠ, વાડી સહિતના વિસ્તારોમાં ઘનિષ્ઠ પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યો છે.
લારીઓ-ટુ-વ્હિલરની તોડફોડ
જય શ્રી રામના ગગનભેદી જયઘોષ અને રામજીના ભજનો તેમજ હિંદી ગીતો સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રા સંગમ ચાર રસ્તા પાર કરી શાંતિપૂર્ણ સીટી પોલીસ મથકની હદમાં ફતેપુરા પાંજરીગર મહોલ્લાથી આગળ ધપી રહી હતી. પરંતુ, શોભાયાત્રા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચતાજ પથ્થરમારો શરૂ થતાં અફરા-તફરી મચી ગઇ હતી. શોભાયાત્રામાં જોડાયેલા લોકોએ દોડધામ કરી મૂકી હતી. પથ્થર મારો થતાંની સાથે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મામલો ઉગ્ર બને તે પહેલાં થાડે પાડી દીધો હતો. જોકે, તોફાની ટોળાએ રસ્તામાં ઉભી રહેલી લારીઓ અને ટુ-વ્હીલરોની તોડફોડ કરી હતી.
વીએચપી-બજરંગ દળ દ્વારા યાત્રાનું આયોજન
વડોદરામાં આજે રામનવમીની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી હતી. શહેરના સુપ્રસિદ્ધ રામજી મંદિરો સહિત નાનાં-મોટાં રામજી મંદિરોમાં વિવિધ કાર્યક્રમો સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી હતી, બીજી બાજુ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાંતિ સમિતિની બેઠળ મળી હતી
હાલમા મુસ્લિમ સમાજના રમઝાન માસની પણ ઉજવણી થઇ રહી છે અને રામનવમી નિમિત્તે વ્હિપ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતાં પોલીસતંત્ર દ્વારા બંને સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એ સાથે પૂર્વ રાત્રે પોલીસતંત્ર દ્વારા ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું.
લારીઓની તોડફોડ
પોલીસ-બંદોબસ્ત વચ્ચે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શોભાયાત્રા વાજતે-ગાજતે ફતેપુરા રોડ ઉપરથી પસાર થઇ રહી હતી. એ દરમિયાન પાંજરીગર મહોલ્લા પાસે શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઇ હતી. પથ્થરમારો થતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફેતપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ ઉપરની સંખ્યાબંધ લારીઓની તોડફોડ કરવામાં આવી હતી.
અટકાયત કરવાની કાર્યવાહી
ફેતપુરા પાંજરીગર મહોલ્લા પાસે રામજીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતાં પોલીસકાફલો ઊતરી આવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં તોફાની ટોળાઓને વિખેરી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસે રોડ પર ઊંધી પાડી દેવામાં આવેલી લારીઓ પણ સીધી કરી દીધી હતી. એ સાથે પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં તોફાનીઓની અટકાયત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
સમગ્ર શહેરમાં ચકચાર
વિશ્વ હિંદુ પરિષદના અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે શોભાયાત્રા શાંતિપૂર્ણ પસાર થઈ રહી હતી. એ સમયે પાંજરીગર મહોલ્લામાંથી પથ્થરમારો શરૂ થયો હતો. જો વીએચપીના કાર્યકરોની આ બનાવમાં ધરપકડ કરવામાં આવશે તો વડોદરા ભડકે બળશે એવી ચીમકી ઉચ્ચારી હતી. ફતેપુરામાં રામજીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો થયો હોવાની વાત વાયુવેગે શહેરમાં પ્રસરી જતાં ચકચાર મચી ગઇ હતી.
ફરીથી પથ્થર મારો થતા રહી ગયો
વડોદરાના ફતેપુરા વિસ્તારમાં જે સ્થળે રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો તે સ્થળેથી ફરીથી શોભાયાત્રા કાઢવા માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પહોંચ્યા હતા. આ સમયે ફરી બે ટોળા સામસામે આવી જતા પોલીસે ટોળાને રોક્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.