વડોદરા સ્થિત સ્ટર્લિંગ હૉસ્પિટલમાં જ્યાં યુવકને દાખલ છે એ ઍક્મો યુનિટની બહાર દિવસભર ભારેખમ વાતાવરણ રહ્યું હતું. યુવતીના પતિને છેલ્લા બે મહિનાથી અહીં સારવાર અપાઈ રહી છે. જો કે મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેની સ્થિતિ વધુ ગંભીર બની છે. તેની પત્ની મંગળવારે પણ આઇસીયુની બહાર જ બેસી રહી હતી અને ખસવા માગતી નહોતી.
હાઇકોર્ટે 15 મિનિટમાં જ ચુકાદો આપ્યો
હાઇકોર્ટે માત્ર 15 મિનિટમાં સુનાવણી પૂરી કરીને યુવકના વીર્યનાં સેમ્પલ લેવાની મંજૂરી આપતો ચુકાદો આપ્યો એટલું જ નહીં સ્થિતિની ગંભીરતા પારખીને ચુકાદાની ટેલિફોનિક જાણ હૉસ્પિટલને કરવામાં આવી જેથી હૉસ્પિટલની ટીમ ઝડપથી સેમ્પલ મેળવી શકે. જો કે હાઇકોર્ટે માત્ર 15 મિનિટમાં ચુકાદો આપ્યા બાદ 7 કલાક કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં હૉસ્પિટલ દ્વારા સેમ્પલ મેળવવા માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
મેડિકલ ટીમ કહેશે તેમ પ્રકિયા કરીશુંઃ સૂત્ર
આ અંગે હોસ્પિટલના સૂત્રોએ પહેલાં જણાવ્યું હતું કે અમારી લીગલ ટીમ ચુકાદાનો અભ્યાસ કરી રહી છે. એમના અભિપ્રાય બાદ નિર્ણય લેવામાં આવશે. એ પછી હૉસ્પિટલના પીઆરઓએ ભાસ્કરને જણાવ્યું કે યુવકના વીર્યના સેમ્પલ મેળવવા અંગે હૉસ્પિટલની મેડિકલ ટીમ જે અભિપ્રાય આપશે એ મુજબ હવે પછીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેમ્પલ લેવાની પ્રક્રિયાને લઈને પણ મેડિકલ ટીમ અવઢવમાં હોઈ શકે છે. આ અંગે હૉસ્પિટલના પીઆરઓ દ્વારા બુધવારે વિગતવાર જાણકારી આપવામાં આવશે એમ જણાવાયું હતું. સંજોગોના કારણે યુવકના પરિવારજનોએ બોલવાનું ટાળ્યું હતું.
યુવતી સેમ્પલ મેળવવા ત્રણ દિવસથી વિનંતી કરતી હતી
હૉસ્પિટલના અધિકારીઓએ એ સ્વીકાર્યું હતું કે આઇવીએફ દ્વારા માતા બની શકાય એ માટે યુવતી છેલ્લા ત્રણ દિવસથી પતિના સેમ્પલ મેળવવા વિનંતી કરતી હતી. જો કે કાયદાકીય અને તબીબી કારણોસર પ્રક્રિયા હાથ ધરાઈ નહોતી.
ગુજરાત હાઇકોર્ટમાં અનોખો કેસ સામે આવ્યો
ગુજરાત હાઇકોર્ટમાં અનોખો કેસ સામે આવ્યો છે. આ કેસ આજના સમયના દરેક યુગલો માટે પ્રેરણારૂપ છે. જેમાં પતિ પ્રત્યેનો પ્રેમ જીવંત રાખવા માટે એક પત્નીએ બહુ મોટું પગલું ભર્યું છે. જેમાં એક વિશેષ માંગણી સાથે પત્નીએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. જેમાં વાત એમ છે કે, અરજદારના પતિ કોરોના પોઝિટિવ આવતા તેમના બચવાની આશા ડોક્ટરે છોડી દીધી હતી. એવામાં અરજદારે IVF સિસ્ટમથી બેબી પ્લાન્ટ કરવા નામદાર હાઇકોર્ટમાં અરજી કરી હતી. ડોક્ટરે દર્દી પાસે 24 કલાક જ હોવાનું જણાવતા કોર્ટે દર્દીના સ્પર્મ લેવા પણ આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી તેને પ્લાન્ટ ન કરવા ઓર્ડર કર્યો હતો.
કોર્ટે આગામી સુનાવણી સુધી સ્પર્મ પ્લાન્ટ ન કરવા આદેશ કર્યો
IVF કરવા માટે બંને પક્ષની મંજૂરી અનિવાર્ય છે, પરંતુ રાહુલભાઈ છેલ્લા ઘણા સમયથી સભાન અવસ્થામાં ન હોવાને કારણે ડોનર તરીકે તેમની મંજૂરી મળી શકે તેમ ન હતું . આથી હોસ્પિટલના તબીબોએ તેમને કોર્ટમાંથી મંજૂરી લાવવા કહ્યું હતું. પરિણામે અંજલીબેને આજે કોર્ટમાં આ માટેની મંજૂરી માંગી હતી. નામદાર હાઈકોર્ટે આ અંગે સુનાવણી હાથ ધરતા 24 કલાકની અંદર દર્દીના સ્પર્મ લેવાનો આદેશ કર્યો હતો. વધુમાં કોર્ટે ઓર્ડર કર્યો હતો કે, આ સ્પામને જ્યાં સુધી કોર્ટ આગામી સમયમાં યોજાનારી સુનાવણીમાં આદેશ ન કરે ત્યાં સુધી પ્લાન્ટ ન કરવા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.