કોરોનાના 11 દર્દી-સગાંનો વલોપાત:કહ્યું, ‘સ્ટર્લિંગે અમારી પાસેથી બિલપેટે 1.34 કરોડ ખંખેર્યા’; પલ્મોનોલોજિસ્ટને 20 કરોડ ન ચૂકવ્યાના આક્ષેપ વચ્ચે કમિશનરને વધુ એક અરજી

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્ટર્લિંગ હોસ્પિટલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
સ્ટર્લિંગ હોસ્પિટલ - ફાઇલ તસવીર

સ્ટર્લિંગ હોસ્પિટલે પલ્મોનોલોજિસ્ટને 20 કરોડની કન્સલ્ટન્સી ચૂકવી ન હોવાની અરજીમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલી રહી છે. ત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લેનારા 11 દર્દીઓ અને તેમના સગાઓએ પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેમાં આક્ષેપ કર્યો હતો કે સમગ્ર પ્રકરણમાં હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા દર્દી સાથે નિષ્ઠુરતાપુર્વક વ્યવહાર કરાયો છે અને ઉઘાડી લૂંટ ચલાવી હતી. અને 11 દર્દીઓ સાથે 1.34 કરોડની રકમની વસુલાત કરાઇ હતી. જેથી સમગ્ર મામલાની ઉંડી તપાસ થવી જોઇએ.

વડોદરાના પલ્મોનોલોજિસ્ટ ડો.સોનિયા દલાલે ક્રાઇમ બ્રાન્ચમાં અરજી આપી હતી જેમાં જણાવાયુ હતું કે 2018માં તેમની સાથે સ્ટર્લિંગ હોસ્પિટલે એમઓયુ કર્યું હતું અને એ પ્રમાણે હોસ્પિટલે ઇન્ડોર પેશન્ટનો જે ચાર્જ થાય એ તમામ તેમને આપવાનો હતો. પેશન્ટની સર્જરી થાય તો બિલના 80 ટકા તેમને આપવાના હતા અને આઉટડોર પેશન્ટ ચકાસવામાં આવે તો 80 ટકા રકમ તેમને આપવાની હતી. આ રકમ દર ત્રણ મહિને ચૂકવવામાં આવતી હતી. ત્યાર બાદ કોરોના મહામારી શરૂ થતાં કોર્પોરેશન દ્વારા હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી, જેમાં આઇસીયુ, વેન્ટિલેટર તેમજ વોર્ડમાં દાખલ થતાં દર્દીઓ માટેની ફી નક્કી કરવામાં આવી હતી, જેમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા વિઝિટ કરવામાં આવે તો તેની વિઝિટ ફી અલગ ગણાશે એમ સ્પષ્ટ જણાવાયું હતું.

ગાઇડલાઇન મુજબ નોકરી કરતા ડોક્ટરના નામે પેશન્ટ પાસેથી ચાર્જ વસૂલી શકાય નહીં એટલે તેમના નામથી ચાર્જ વસૂલવામાં આવતો હતો.તેમના નામે કરોડોની રકમ દર્દી પાસેથી વસૂલ કરાયા બાદ તેમને 20 કરોડની રકમ ચૂકવવામાં આવી ન હતી. દરમિયાન સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો હતો જેમાં હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓ અને તેમના સગા મળીને 11 લોકોએ પોલીસ કમિશનર સમક્ષ અરજી કરી હતી.

જેમાં જણાવાયું હતું કે ગુજરાત સરકાર અને કોર્પોરેશન દ્વારા માર્ગદર્શિકા અપાઇ હોવા છતાં સ્ટર્લીંગ હોસ્પિટલના વહીવટકર્તાએ મનસ્વીપણે મહામારીમાં લોકોનો જીવ જોખમમાં હતો તેનો ગેરલાભ લઇ લોકો પાસે ઉઘાડી લૂંટ કરી છે અને સામાન્ય માણસો હોવાથી જે તે સમયે કંઇ કરી શકયા ન હતા પણ હાલ ડો.સોનિયા દલાલે ગેરરિતી અંગે ફરિયાદ કરતા તેમણે આ અરજી કરી છે. જે ડોકટર્સના પૈસા લીધેલા છે તે માર્ગદર્શિકાની ઉપરના હોય ખુલ્લી લૂંટ કરેલી છે અને અધધ ડોકટર વિઝીટ ફી લીધેલી છે. 11 દર્દીઓ સાથે 1,34,96,719 રુપીયાની વસુલાત કરાઇ હોવાનો આરોપ દર્દીઓ અને તેમના સગાએ લગાવ્યો હતો.

ગાઇડલાઇન મુજબ ભોજન ખર્ચ પેકેજમાં સામેલ છતાં અલગથી નાણાં વસૂલ્યાં
સરકારી ગાઇડ લાઇન મુજબ કોવિડ પેકેજની કિંમતમાં ભોજનનો સમાવેશ થયો હોવા છતાં બિલમાં વધુ ખોરાકના પૈસા લીધેલા છે. ગાઇડ લાઇન મુજબ આરએમઓના ચાર્જીસનો પણ પેકેજમાં સમાવેશ થાય છે જે દર્દીઓ પાસેથી પેકેજની બહાર લેવાયેલો છે. એકસરે અને ઇસીજી ચાર્જનો પણ પેકેજમાં સમાવેશ થાય છે જે પણ પેકેજની બહાર લેવાયો છે. જેથી દર્દીઓએ વિનંતી કરી હતી કે તેમના જેવા હજારો પેશન્ટ પાસથી ઉઘાડી લૂંટ ચલાવાઇ છે અને આ અંગે જો યોગ્ય અને ઝડપી તપાસ થાય તો મોટુ કૌંભાડ બહાર આવે તેમ છે. દર્દીઓએ દાગીના અને જમીન મકાન વેચીને સ્વજનને બચાવાનો પ્રયાસ કરેલો છે. એવો પણ આરોપ લગાવાયો હતો કે કેટલાક કિસ્સામાં નેબ્યુલાઇઝરના વધારાના પૈસા વસુલ કરાયા હતા.

સ્વર ગ્રીવન્સ સેલમાં 200 લોકો જોડાયા
સ્ટર્લિંગ હોસ્પિટલની ઉઘાડી લૂંટનો ભોગ બનેલા લોકો ને એક મંચ પર લાવવા ડો. સોનિયા દલાલ દ્વારા સ્વર ગ્રીવન્સ સેલની રચના કરાઇ છે જેમાં રાજય અને રાજયભરના લોકો એક મંચ પર આવે તે માટે ખાસ મોબાઇલ નંબર જાહેર કરાયો છે. આ ગ્રીવન્સ સેલમાં અત્યાર સુધી 200 લોકો જોડાયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

અમે આર્થિક-માનસિક રીતે પડી ભાંગ્યા
મારા પતિને કોરોના થતાં સ્ટર્લિંગમાં દાખલ કર્યાના 1 મહિના બાદ તેમનું અવસાન થયું હતું. મને પણ કોરોના થયો હતો. મારા પતિનું બિલ 27 લાખથી વધુ અને મારુ બિલ 2 લાખ થી વધુ હતું. અમે માનસિક અને આર્થિક રીતે અમે પડી ભાંગ્યા હતા છતાં હોસ્પિટલનું બિલ ભર્યું હતું. > માધવી હિતેન મહેતા, દર્દીના સ્વજન

અરજીમાં વસૂલેલા બિલની વિગતો દર્શાવી

સ્વ.ભરત નારીયેળવાળાના સગા25,19,730
પ્રિતી નારીયેળવાળા3,22,024
સ્વ.હિતેન મહેતાના સગા27,52,260
માધવી મહેતા2,17,679
અશ્વિન પટેલ14,92,724
સ્વ.કનુભાઇ મકવાણાના સગા7,90,655
સ્વ.શશીકાંત સેવાડેના સગા23,92,677
શિલ્પા સેવાડે2,25,297
સૌરભ પટેલ4,43,274
ઇન્દીરાબેન પટેલ14,15,966
રાજેન્દ્ર સંગાઠીયા9,24,433