ધરપકડ:વૈભવી હોટેલોમાં પત્ની સાથે રોકાઇ ચૂનો ચોપડતો ઠગ સુરતથી ઝડપાયો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસમાં કામ કરતો હોવાનો રોફ માર્યો હતો
  • કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ભેજાબાજને સારવાર માટે ખસેડાયો

અલકાપુરીની સંપતરાવ કોલોનીમાં આવેલી ક્લાકર્સ કલેક્શન હોટલમાં 2 માસ જેટલું રોકાઇને 2.60 લાખનું ભાડું ચૂકવ્યા વગર મુંબઇના થાણેનો શખ્સ ફરાર થઇ જતાં હોટેલના જનરલ મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સે પોતે સ્ટેટ પોલીસ કમ્પ્લેન ઓથોરિટી મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસમાં કમિશન એપોઇન્ટમેન્ટ કો ઓર્ડિનેટર હોવાનું જણાવ્યું હતું.દરમિયાન પોલીસે મોબાઇલ કોલ સર્વેલન્સના આધારે તપાસ કરતાં જય મહેતા સુરતની હોટલમાં હોવાનું બહાર આવતાં પોલીસે સુરત પોલીસની મદદથી તેને પકડી લીધો હતો.

જોકે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં પોલીસની તપાસ હાલ પૂરતી અટકી ગઇ હતી.સંપતરાવ કોલોનીની ક્લાકર્સ કલેક્શન હોટલના જનરલ મેનેજર ત્રિકમ પંચાલે ગોત્રી પોલીસમાં મુંબઇના થાણેના જય વિનોદ મહેતા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું કે, 26 ઓક્ટોબરે તેમની હોટલમાં જય મહેતા અને તેની સાથે પ્રીતિ કરણ જોશી 6 વર્ષની બાળકી સાથે આવ્યાં હતાં. જય મહેતાએ પોતે સ્ટેટ કમ્પ્લેન ઓથોરિટી ડિપાર્ટમેન્ટ ઓફ મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસમાં કમિશન એપોઇન્ટમેન્ટ કો ઓર્ડિનેટર તરીકે કામ કરું છું અને 2 દિવસ રોકાવાનો છું તેમ કહી એડવાન્સ 4800 આપતાં રિસેપ્શનિસ્ટે તેમને રૂમ ફાળવી હતી. ત્યારબાદ હોટેલ તરફથી બાકી પૈસા મગાતાં જય મહેતાએ ઝઘડો કરી મેં બે વાર પૈસા જમા કરાવ્યા છે, પણ આવ્યા નથી તેમ કહી કેસ કરવાની ધમકી આપી હતી. હું તમારા પૈસાને લીધે રોકાયો છું, બાકી મારું કામ પતી ગયું છે. હું મંદિરે જઇને આવું છું, તેમ કહી તે જતો રહ્યો હતો.

તે 26 ઓક્ટોબરથી 13 ડિસેમ્બર સુધી હોટલમાં રોકાયો હતો, જેનું ભાડું રૂા.2,69,278 થયું હતું. જેમાંથી તેણે 9278 આપ્યા હતા, જેથી 2.60 લાખ ચૂકવ્યા વગર જ તે જતો રહ્યો હતો. જય મહેતાએ હોટલના મેનેજર જયદીપને વિશ્વાસમાં લઇને મારી પત્નીને બ્રેસ્ટ કેન્સર છે તેમ કહી મેડિકલ ઇમરજન્સી બતાવી તથા કેફે ખોલવા માટે લાઇસન્સ અપાવી દઇશ તેમ કહી તેમની પાસેથી પણ 25 હજાર લીધા હતા. હોટેલના કર્મચારીઓને ધાકધમકી આપી પોતે સરકારી નોકર હોવાનો રોફ માર્યો હતો. પોલીસે જય વિનોદ મહેતા સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી હતી.

વડોદરાની અન્ય એક હોટલ સહિત દેશની અનેક હોટેલોમાં પણ આ રીતે રોકાયો હતો
પોલીસની પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું હતું કે, જય મહેતા વડોદરાની અન્ય એક વૈભવી હોટલમાં પણ આ જ પ્રકારે રોકાયો હતો અને તેને પણ ચૂનો ચોપડી ફરાર થઇ ગયો હતો. આ ઉપરાંત તે હિંમતનગરની હોટલ અને ચેન્નઇની હોટલ હોલીડે ઇનમાં પણ તે આ રીતે રોકાઇને ચૂનો ચોપડી જતો રહ્યો હતો. તેની પત્નિના પણ રૂા.14 લાખ પડાવ્યાં હોવાની વિગતો સપાટી પર આવી છે.

અન્ય સમાચારો પણ છે...