શ્રેષ્ઠ શિક્ષકનું દર્દ છલકાયું:'શાળાની તાળાબંધીઓ થાય, મારી નાખવાની ધમકીઓ મળે છતાં અડગ રહ્યા', રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું: 'સવારે બોલવાનું થયું, બગડવાનું થયું'

વડોદરાએક મહિનો પહેલા

આજે સવારે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકોના સમારંભમાં ગ્રેડ પે મામલે શિક્ષકોની નારાજગી જોવા મળી હતી, ત્યારે બપોરે વડોદરા જિલ્લાની શાળાઓના શિક્ષકના સન્માન સમારંભમાં શ્રેષ્ઠ એવોર્ડ વિજેતા શિક્ષકનું દર્દ છલકાયું અને શાળાની તાળાબંધીથી લઇને શિક્ષકોને પડતી મુશ્કલીએ વર્ણવી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પણ રાજ્યના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત હતા. ઉલ્લેખનીય છે કે, શિક્ષકને ભાષણ દરમિયાન ત્રણ વખત બોલતા અટકાવાયા હતા.

શિક્ષક દિનના બંને કાર્યક્રમોમાં વિવાદ
શિક્ષક દિવસ નિમિત્તે આજે વડોદરામાં સવારે આજવા રોડ ખાતે પંડિત દિનદયાળ ઉપાદ્યાય નગરગૃહ ખાતે વડોદરા શહેરની શાળાઓના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો હતો. ત્યાર બપોર બાદ અકોટા ખાતે સર સયાજીનગરગૃહ ખાતે વડોદરા જિલ્લાની શાળાઓના શિક્ષકોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ બંને કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના કાયદા અને ન્યાયમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી હતા. જોકે, આ બંને કાર્યક્રમ વિવાદાસ્પદ રહ્યા, કારણ કે, બંનેમાં શિક્ષકો અને તેમની સ્થિતિ સારી ન હોવાની શિક્ષકો દ્વારા મંચ પરથી જ વાત કરવામાં આવી.

આજે યોજાયેલા શિક્ષક દિનના બંને કાર્યક્રમોમાં વિવાદ થયો હતો.
આજે યોજાયેલા શિક્ષક દિનના બંને કાર્યક્રમોમાં વિવાદ થયો હતો.

શિક્ષકે મંત્રીની હાજરીમાં વ્યથા વ્યક્ત કરી
અકોટા ખાતે યોજાયેલ વડોદરા જિલ્લાની શાળાઓના સન્માન કાર્યક્રમમાં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અને પીપળીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા સુરેશ કુમાર દિપસીંગ વણઝારાએ મંચ પરથી મંત્રીની હાજરીમાં વ્યથા વ્યક્ત કરી હતી. સુરેશ કુમાર વણઝારાએ કહ્યું હતુ કે, શિક્ષક એવી જગ્યાએ ફરજ પર હાજર થાય છે, જેની બંને બાજુ નદીઓ વહેતી હોય અને વાહનવ્યવહાર પણ સિમિત હોય. ઘણીવાર તો નદીના વહેણમાં ચાલીને પણ શિક્ષણ આપવા જવું પડે છે. ક્યારેક તો સાહસ કરીને પણ પોતાની ફરજ નિભાવવી પડે છે ત્યારે જઇને શિક્ષકમાં શ્રેષ્ઠતા આવતી હોય છે.

સ્કૂલમાં સુવિધા વિના પણ ફરજ બજાવી
સુરેશ વાણઝારાએ કહ્યું કે, આટલું ઓછું હોય તેમ જે શાળામાં ફરજ બજાવતા હોઇએ તે શાળાનો વર્ષો જૂનો જમીનનો વિવાદ હોય. કેટલાક લોકોનું ધ્યાન દોર્યું હોય પણ છેલ્લે નિરાકરણ તો સમય લેતું હોય તેમ આવે. શાળામાં એક જ ઓરડો હોય અને તેમાં કોઇ પણ સુવિધા ન હોય એવી શાળામાં આપણે ફરજ બજાવી રહ્યા હોય ત્યારે ત્યાં વીજળી, પાણી, શૌચાલય, નવીન વર્ગ ખંડ, મધ્યાહન ભોજનનો શેડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરી દાતાઓ મારફત શિક્ષણની સામગ્રીઓ અપાવવી શિક્ષકની શ્રેષ્ઠતાની ઝાંખી કરાવે છે.

શિક્ષકનું નિવેદન વિવાદાસ્પદ બનતું જાણાતા તેમને બોલતા ત્રણ-ત્રણ વખત અટકાવાયા હતા.
શિક્ષકનું નિવેદન વિવાદાસ્પદ બનતું જાણાતા તેમને બોલતા ત્રણ-ત્રણ વખત અટકાવાયા હતા.

શાળાઓમાં કેટલીયવાર તાળાબંધીઓ થઈ
તેમણે કહ્યું કે, સાહેબ કાર્યો દરમિયાન શિક્ષક કેટલી તકલીફો અને મુશ્કેલીઓનો સામનો કરે છે તે જે તે પરિસ્થિતિમાં જે શિક્ષક હોય ને એ જ જાણી શકે, બીજું કોઇ ન જાણી શકે. સાહેબ, ઘર અને પરિવારથી દૂર રહીને જાતે જ પોતાના ઘર અને પરિવારનું કામ કરે છે ત્યારે એ શિક્ષકમાં શ્રેષ્ઠતા આવે છે. સમય જેમ જેમ વીતતો જાય તેમ તેમ શાળાઓમાં કેટલીયવાર તાળાબંધીઓ થઈ છે અને બાળકોના શિક્ષણ પર અસર પડે છે. એવા સમયે પણ શિક્ષક પોતાની સૂઝબૂઝથી વાટાઘાટો અને સમાધાનો કરી બાળકોને શિક્ષણ અવિરત મળી રહે તે રીતે એનું કાર્ય કરતો જાય છે.

મારી અને કાપી નાખવાની ધમકીઓ મળે
એવામાં જમીન વિવાદ ઉગ્ર બને તો ધમકી પણ મળે કે શાળામાં પ્રવેશ્યા તો મારી નાખીશું, કાપી નાખીશું. અને કાર્ટ કેસ પણ થાય. આવા આવા પરિસ્થિતિ અને પ્રસંગ ઉદ્ભવે ત્યારે પણ શિક્ષક ડગતો નથી. અને એ પરિસ્થિતિનો સામનો કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા હંમેશા અથાગ પ્રત્નશિલ રહે છે. આવી રીતે એક શિક્ષક શ્રેષ્ઠ બનતો હોય છે. શિક્ષકોને થતું હોય છે કે આટલા બધા ઝઘડાઓનું નિરાકરણ આવે તેના માટે કંઇક કરવું જોઇએ. સુરેશ વણઝારાએ કહ્યું, ખેતીની જમીન દાનમાં મળી હોય અને પ્રમિયમને પાત્ર હોય તો તેને NA કરાવવા આપડે પૈસા ભરવા પડે.

સર સયાજીનગરગૃહ ખાતે વડોદરા જિલ્લાની શાળાઓના શિક્ષકોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
સર સયાજીનગરગૃહ ખાતે વડોદરા જિલ્લાની શાળાઓના શિક્ષકોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

સુરેશ વણઝારાને બોલતા ત્રણ વખત અટકાવાયા
સુરેશ વણઝારા જ્યારે શિક્ષક તરીકેની વ્યથા ઠાલવી રહ્યા હતા ત્યારે મંચ પર વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, રાજ્યના કાયદા અને ન્યાયમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, જિલ્લા કલેક્ટર એ.બી.ગોર સહિતના પદાધિકારીઓ હાજર હતા. જેથી સવારે થયેલો વિવાદ સમ્યો ન હતો અને આ શિક્ષકનું નિવેદન વિવાદાસ્પદ બનતું જાણાતા તેમને બોલતા ત્રણ-ત્રણ વખત અટકાવાયા હતા.

સવારે ક્યાંક બોલવાનુ થયું છે, ક્યાંક બગડવાનું થયું છે: રાજેન્દ્ર ત્રિવેદી
રાજેન્દ્ર ત્રિવેદીએ સવારના વિવાદમાં શિક્ષકોએ યોગ્ય મંચ પર રજૂઆત નથી કરી તેમ કહ્યું હતું. ત્યારે બપોરના કાર્યક્રમમાં ઘટનાને યાદ કરતા કહ્યું હતું કે, આપણા દેશનું નામ ભારત કેમ, ભા એટલે પ્રકાશ રત...પ્રકાશમાં રત છે તે... પ્રકાશ એટલે જ્ઞાન.. આ દેશ જ્ઞાનની પૂજાની પૂજા કરનારો દેશ છે. એટલે જ દરેક બાળકને ઇચ્છા થાય છે કે, હું ગુરું બનું.. શિક્ષક બનું...ટીચર બનું... મનમાં જે ભાવ થાય છે ને. એ આ છે જ્ઞાનનો ભાવ. તો તમે જ્ઞાનની પૂંજી તમારી પાસે સાચવીને રાખો છો. હા કે ના.. હા કોણ બોલ્યું હા હાથ ઉંચા કરો... જ્ઞાનની પૂંજી સાચવવાની નથી. જ્ઞાનની પૂંજી આપવાની છે. જ્ઞાનને વહેંચો, વેચો નહીં અને એટલે હમણા અમારે સવારે ક્યાંક બોલવાનુ થયું છે, ક્યાંક બગડવાનું થયું છે, ત્યાં મારે કહેવુ પડ્યું, જેના માટે જે તારીખે આપણે ભેગા થઈએ છીએ ને.. એ 5 સપ્ટેમ્બર એ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનજી ક્યાં ભણતા હતા. ક્યાં ભણાવતા હતા, ઓક્સફર્ડમાં. ઓક્સફર્ડમાં એમને કહેણ આવ્યું કે, આપણા દેશની સેવા માટે ચાલો. એમણે સ્વીકારી લીધું.