• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • About 2500 Statues Will Be Dismantled In Artificial Lakes At Four Places In Vadodara, Find Out The Traffic Announcement, Diversion And No Parking Route

ગણેશ વિસર્જનની તૈયારી:વડોદરામાં ચાર સ્થળે કૃત્રિમ તળાવમાં 2500 જેટલી પ્રતિમાઓનું વિસર્જન થશે, જાણો ટ્રાફિકનું જાહેરનામુ, ડાઈવર્ઝન અને નો પાર્કિંગનો રૂટ

વડોદરાએક મહિનો પહેલા
વડોદરામાં ચાર સ્થળો પર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે.
  • કૃત્રિમ તળાવો ફરતે ફ્લડ લાઇટો તેમજ મોટા ગણપતિની મુર્તિઓ માટે ક્રેઇનની વ્યવસ્થા

શહેરમાં ગણેશ ચતુર્થીથી શહેરીજનોનું મોઘેરુ આતિથ્ય માણી શ્રીજીને આનંદ ચૌદશના દિવસે આનંદ અને ઉલ્લાસ સાથે ભાવભરી વિદાય આપવા નગરજનો સજ્જ થઇ ગયાં છે. તે સાથે તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રવિવારે ચાર સ્થળે કૃત્રિમ તળાવમાં 2500 જેટલી પ્રતિમાઓનું વિસર્જન થશે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પણ કૃત્રિમ તળાવો તરફના માર્ગો ઉપર ટ્રાફિક જામ ન થઇ જાય તે માટે ટ્રાફિક ડાયવર્જન કરી દેવામાં આવ્યું છે.

જાણો ટ્રાફિકનું જાહેરનામુ, ડાઈવર્ઝન અને નો પાર્કિંગનો રૂટ

8 હજાર જેટલા સુરક્ષા કર્મીઓ તૈનાત થઈ ગયા
રવિવારે આનંદ ચૌદશના દિવસે ગણેશ વિસર્જનને શાંતિપૂર્ણ વાતાવરણમાં પાર પાડવા માટે પોલીસ તંત્ર તરફથી વ્યુહાત્મક બંદોબસ્તની યોજના ઘડવામાં આવી છે. 8 હજાર જેટલા સુરક્ષા કર્મીઓ આજે બપોરથી તૈનાત થઈ ગયા છે. ગણેશોત્સવની શહેરમાં ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. પ્રથમ દિવસથી લઈને નવમા દિવસ સુધી શાંતિપૂર્ણ વાતાવરણમાં વિસર્જન થયું છે. સાતમા દિવસે કોમી એખલાસભર્યા વાતાવરણમાં થયેલા જુનીગઢીના શ્રીજીનું વિસર્જન સૌથી મોટુ ઉદાહરણ છે. આ વખતે ચાર ફૂટથી મોટી મુર્તિ ન હોવાથી તેમજ કોવિડ ગાઇડ લાઇનના કારણે મર્યાદિત સંખ્યામાં વિસર્જન યાત્રામાં લોકો જોડાનાર હોવાથી શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે ટ્રાફિકજામ, અવ્યવસ્થા જોવા નહીં મળે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વખતે પણ કૃત્રિમ તળાવો ફરતે ફ્લડ લાઇટો તેમજ મોટા ગણપતિની મુર્તિઓ માટે ક્રેઇનની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

તળાવ ફરતે ફ્લડ લાઈટો લગાવવામાં આવી છે.
તળાવ ફરતે ફ્લડ લાઈટો લગાવવામાં આવી છે.

પોલીસ કમિશનરે તળાવો અને બંદોબસ્ત અંગે સમિક્ષા કરી
વડોદરા શહેર જિલ્લામાં દર વર્ષે ધામધુમથી ઉજવાતો ગણેશ ઉત્સવ ચાલુ વર્ષે કોરોના મહામારીના લીધે સરકારની ગાઈડ લાઇન મુજબ ગણેશ મંડળોએ જાહેરમાં પંડાલ બનાવી માત્ર 4 ફૂટની શ્રીજી પ્રતિમાઓનું સ્થાપન કર્યું છે. જ્યારે ઘરમાં સ્થાપના કરેલા શ્રીજીનું આંગણે જ ટબમાં કે કોઈ મોટા વાસણમાં કરવામાં આવ્યું છે. જોકે તંત્રએ નદી કે જાહેર તળાવોમાં ગણેશ વિસર્જન ન થાય માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. વડોદરામાં વહીવટીતંત્રએ આયોજકોને ગણેશ ઉત્સવની સ્થાપના માટે મંજૂરી આપી હતી. પરંતુ વિસર્જન દરમિયાન સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેનો ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા પોલીસ કમિશનર ડો. શમશેરસિંઘએ વડોદરાના તમામ તળાવ અને નદી નહેર ખાતે પોલીસ બંદોબસ્ત ખડકી દીધો છે. આજે તેઓએ તળાવો અને બંદોબસ્ત અંગે સમિક્ષા કરી હતી. તળાવોની મુલાકાત લીધી હતી.

શહેર ટ્રાફિક પોલીસે જાહેરનામુ બહાર પાડ્યું.
શહેર ટ્રાફિક પોલીસે જાહેરનામુ બહાર પાડ્યું.

ફાયર સર્વિસીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર સ્થળે કૃત્રિમ તળાવ બનાવ્યાં છે. આ ચારેય સ્થળે સવારથી વિસર્જન પ્રક્રિયા શરૂ કરાશે. ગણેશ વિસર્જનના દિવસે લાખોની સંખ્યામાં લોકો માર્ગો ઉપર ઉમટી પડતા હોવાથી શહેરમાં ઈમર્જન્સી ર્સિવસ પુરી પાડવા માટે ફાયર સર્વિસીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. તમામ જળાશયો ખાતે તરવૈયાઓની વ્યવસ્થા રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે મહત્તમ માટીના બનાવાયેલા ગણેશની મુર્તિઓ દરેક ઘરમાં સ્થાપિત કરાઇ છે. તેથી મહા વિસર્જનના દિવસો લોકો ઘરમાં જ મુર્તિનું વિસર્જન કરીને તેની માટી તુલસીના ક્યારામાં મુકી દેશે. આ ઉપરાંતવડોદરા તાલુકા, પાદરા, ડભોઇ, સાવલી, શિનોર, કરજણ સહિત જિલ્લામાં નાની-મોટી પંદરસોથી વધુ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઇ છે.

ડાયવર્ઝન રૂટ મેપ.
ડાયવર્ઝન રૂટ મેપ.

ગણપતિ વિર્સજનને પગલે જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
આવતીકાલે રવિવારે ગણપતિ વિર્સજનને પગલે જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાશે. આવતીકાલે રવિવારે અનંત ચતુદર્શી હોવાથી વડોદરા શહેરમાં હજારોની સંખ્યામાં ગણેશ મુર્તિઓનું વિસર્જન થશે. શનિવારે બારસ અને તેરસ એક જ દિવસે છે તેથી રવિવારે શહેરમાં ગણેશ મુર્તિનું મોટાપાયે મહા વિસર્જન થશે. ભક્તો મોટી સંખ્યામાં રોડ પર ઉતરી આવશે, નાચતા-ગાતા, અબીલ ગુલાલની છોળો ઉડાડતા, 'ગણપતિ બાપ્પા મોરિયા', 'અગલે બરસ તું જલદી આના 'ના નાદ અને જયકારા સાથે ભગવાન ગણેશને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બનાવેલા કૃત્રિમ તળાવમાં તથા ઘરોમાં વિસર્જન કરશે.