વડોદરા શહેરના તરસાલીથી ચિખોદરા ગામ તરફ જવાના માર્ગ પર કેમિકલની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જ્યારે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને 48 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ચોરીનો કેમિકલનો જથ્થો ખરીદનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે, NH48 પરથી પસાર થતી કેમિકલ ટેન્કરોમાંથી કેટલીક ટેન્કરોને તરસાલી ચોકડીથી ધનિયાવી ગામ તરફ લઇ જઇને તેમાંથી કેમિકલ ચોરી કરવામાં આવે છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે વોચ ગોઠવી હતી. જ્યાં ગત રાત્રે ધનિયાવી તરફ જવાના માર્ગ પર ચિખોદરા ગામની સીમમાં દાઉદ ઉર્ફે મનુ ગુલશનભાઈ સિંધી ની ખુલ્લી જગ્યામાં એક ટેન્કર મળી આવ્યું હતું જે ટેન્કર માંથી કેમિકલ કાઢીને બેરલ ભરવામાં આવતા હતા.
પોલીસે કેમિકલ ચોરી કરનાર મુખ્ય આરોપી ભરત ભીખાભાઇ ચાવડા રહે.પંચામૃત એપાર્ટમેન્ટ ગોત્રી રોડ, ટેન્કર ડ્રાઇવર રામપ્રવેશ યાદવ રહે. મંઝરીયા ગામ,આઝમગઢ યુ.પી અને જમીન માલીક દાઉદ ઉર્ફે મનુભાઈ ગુલશનભાઈ સિંધી રહે.બેલીમ ફળિયું તરસાલી ગામ વડોદરાની ધરપકડ કરી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી 770 લીટર ચોરી કરેલા કેમિકલનો જથ્થો કિંમત 1,41,680/- ,ટેન્કરમાં ભરેલું 19720 લીટર કેમિકલ કુલ કિંમત 36,28,480/-, તેમજ 10 લાખનું ટેન્કર, ખાલી બેરલ, મોબાઈલ ફોન અને બે મોટરસાયકલ સહિત 48,42,300/- નો મુદ્દમાલ કબ્જે લીધો હતો.
ચોરી કરેલું કેમિકલ વાપી GIDCનો સંદીપ પટેલ નામનો શખ્સ ખરીદતો હોવાની માહિતી સામે આવતા પોલીસે સંદીપ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.