તંત્રના ધજાગરા ઉડાવતો કિસ્સો:વડોદરામાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ પર બુટલેગરોના સાગરીતોનો હુમલો, બુટલેગર અને દારૂનો જથ્થો લઈ ફરાર થઈ ગયા

વડોદરા10 મહિનો પહેલા
સાગરીતોએ વાહનોના કાચ તોડી નાખ્યાં

શહેરના સમા વિસ્તારમાં નામચીન બુટલેગર દિલીપ ઉર્ફ લાલા ડામોરના દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો હતો. પોલીસે બુટલેગરની અટકાયત કરી દારૂનો જથ્થો કબજે કરવા માટે કડકાઇથી પૂછપરછ કરી રહી હતી. તે દરમિયાન બુટલેગરના સાગરીતો અને સ્થાનિક લોકોનું ટોળું આવી ગયું હતું. અને SMCના PSI સહિત પોલીસ જવાનો ઉપર હુમલો કરી પોલીસે પકડેલા બુટલેગર અને દારૂનો જથ્થો લઈ ફરાર થઇ ગયા હતા. પોલીસ તંત્રના ધજાગરા ઉડાવનાર આ બનાવ આ શહેરમાં ચકચાર જગાવી મુકી હતી.

બુટલેગરના સાગરીતોએ વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હતું
બુટલેગરના સાગરીતોએ વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હતું

નિર્લિપ્ત રાય આવતા જ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો
રાજ્યના પોલીસ બેડમાં ગત તારીખ 2 એપ્રિલના રોજ મોટા ભાગના આઇ.પી.એસ અધિકારીઓની બદલી થઇ હતી. જેમાં નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનિટરીંગ સેલ(SMC)ના સુપ્રિટેન્ડન્ટ તરીકે હવાલો સોંપાયો હતો. નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનિટરીંગ સેલનો હવાલો સોંપાતા દારૂનો ધંધો કરતા બુટલેગરોમાં ફફળાટ ફેલાયો હતો. પરંતુ વડોદરાના સમા વિસ્તારમાં બેફામ દારૂનો અડ્ડો ચલાવતો બુટલેગર દિલીપ ડામોર સ્થાનિક પોલીસને જે રીતે પોતાના ખીસ્સામાં રાખતો હતો, તે જ રીતે તેણે સ્ટેટ મોનિટરીંગ સેલના પી.એસ.આઇ સહિત કર્મીઓને તાબે કરવાના પ્રયાસો કર્યા હતા. જો કે તેઓ તાબે ન થતાં આખરે આ માથાભારે બુટલેગરે તેમની ઉપર હુમલો કર્યો હતો.

સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડ્યાં
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેરના સમા વિસ્તારમાં આવેલી ઉર્મી સ્કૂલ પાસેની નવી નગરીમાં દિલીપ ઉર્ફ લાલો ડામોર નામનો બુટલેગર મોટા પાયે દારૂનો ધંધો બે રોકટોક કરતો હોવાની બાતમી સ્ટેટ મોનિટરીંગ સેલને મળી હતી. જેના પરિણામે SMCના પી.એસ.આઇ અને તેમની ટીમ ખાનગી ગડી લઇ રેઇડ પાડવા માટે પહોંચી હતી. ત્યારે નવીનગરીમાં સ્ટેટ મોનિટરીંગ સેલના પી.એસ.આઇ રાઠવા અને તેમની ટીમે રેઇડ કરી બેફામ ચાલતા દારૂના અડ્ડોનો પર્દાફાશ કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સાગરીતોએ ઉગ્ર બોલાચાલી કરી
તે સમયે એક તરફ પોલીસની ટીમ મુદ્દામાલની ગણતરી કરી રહીં હતી, ત્યાં બુટલેગર દિલીપના સાગરીતો ત્યાં આવી પહોંચી પોલીસ કર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જોત જોતામાં વાતાવરણ તંગ બન્યું અને ટોળુ એકત્ર કરવામાં આવ્યું હતુ. એકત્ર થયેલા ટોળાએ પોલીસ કર્મીઓ ઉપર પથ્થર મારો કરતા પી.એસ.આઇ ઇજાગ્રસ્ત થયા હતા. છતાંય ટોળાએ પથ્થર મારો કરવાનુ ચાલુ રાખી ગાડીના કાંચ પણ તોડી નાખ્યાં હોવાનુ જાણવા મળી રહ્યું છે. બનાવને પગલે સમા પોલીસ સ્ટેશન ખાતે બુટલેગર અને તેના સાગરીતો સહીત ટોળા સામે ગુનો નોંધવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

મોનિટરિંગ સેલની બદનામી થઇ
સ્ટેટ મોનિટરિંગ સેલનો ખોફ બૂટલેગરોમાં અગાઉથી જ હતો.હાલમાં જ તેના વડા તરીકે કડક અધિકારીની છાપ ધરાવતાં નિર્લિપ્ત રાયની નિયુક્તિ થતાં બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. તેવા સમયે સેલના અધિકારીઓએ કોઈ પણ જાતની અગમચેતી કે પૂરતી સુરક્ષા વિના કરેલા દરોડા વેળા હુમલો થતાં ટીમને ભાગવું પડ્યું હતું, જેથી મોનિટરિંગ સેલની ભારે બદનામી થઇ હતી.

અગાઉ બૂટલેગરોએ મોરચો માંડ્યો હતો
શહેરના સમા વિસ્તારમાં એક વર્ષ પહેલાં બૂટલેગરોએ મોરચો માંડ્યો હતો, જેમાં રમેશ નામના બૂટલેગરે રેલી કાઢીને પોલીસ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. આ બનાવ નજર સામે હોવા છતાં સ્ટેટ મોનિટરિંગ સેલે પાંચ સભ્યો સાથે રેડ કરી હતી, જેમાં પાંચ પૈકી બે તો પંચ હતા.

અન્ય સમાચારો પણ છે...