મધ્ય ગુજરાતના પૂર્વ લિકર કિંગ મુકેશ હરજાણીની વર્ષ 2016માં તેના જ કેટલાક નજીકના સાથીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેમાં સાત વર્ષથી વોન્ટેડ જોગીંદર શર્માની મધ્ય પ્રદેશથી સ્ટેટ મોનિટરીંગ સેલે ઘરપકડ કરી હતી અને હવે વડોદરા પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી તેનો કબજો મેળવી બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.
હજાણી દારૂનું નેટવર્ક ચલાવતો
રાજ્ય બહરાથી ગુજરાતમાં ઠાલવવામાં આવતો દારૂના જથ્થાનુ આખુ નેટવર્ક મુકેશ હરજાણી સંભાળતો હતો. આ ગુનાખોરીમાં તેના નિકટના લોકો જ તેનો સાથ આપતા હતા અને જોગીંદર શર્મા જેવા લોકો રાજ્ય બહારથી દારૂનો જથ્થો મુકેશ હરજાણી ગેંગને પુરૂ પાડતા હતા. આ દરમિયાન વર્ષ 2016માં મુકેશ હરજાણીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.
સ્ટેટ મોનિટરીંગ સેલે ઝડપી પાડ્યો
મુકેશ હરજાણીની હત્યામાં તેની નજીકના કેટલાક લોકોની સંડોવણી હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ. મુકેશ હરજાણી હત્યા મામલે વડોદરાના સીટી પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં 11 ગુનેગારો પૈકી જોગીંદર શર્માનુ પણ પોલીસ ચોપડે નોમ નોંધાયું હતુ. જોકે આ 11 પૈકી કેટલાકે કોર્ટમાં સરેન્ડર કર્યું અને કેટલાક પોલીસના હાથે ઝડપાયા હતા. પરંતુ જોગીંદર શર્માને વડોદરા પોલીસ પકડવામાં નિષ્ફળ સાબીત થઇ હતી. જેને સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પકડી લેવામાં આવ્યો છે.
જોગીંદર સામે 28 ગુના
જોગીંદર શર્મા સામે અમદાવાદ, આણંદ, ભાવનગર, રાજકોટ, તાપી, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા, જુનાગઢ, નર્મદા, નડીયાદ, અરવલ્લી તથા રાજપીપળા ખાતે પ્રોહિબીશનના ગુનાઓ નોંધાયેલા છે. આમ જોગીંદર શર્મા સામે ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 28 જેટલા ગુનાઓ નોંધાયેલા હતા, જેમાંથી 9 ગુનાઓમાં તે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મધ્યપ્રદેશથી ધરપકડ કરાઈ
આ દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલના વડા તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂંક થતાં વોન્ટેડ અને લીસ્ટેડ ગુનેગારોની કુંડળી ખોલવામાં આવી, જેમાં જોગીંદર શર્માનુ નામ પણ સામે આવ્યું હતુ. જેથી એસ.એમ.સીની ટીમ જોગીંદર શર્માની સતત શોધમાં હતી. તેવામાં ગત. તા. 17 નવેમ્બરના રોજ મધ્ય પ્રદેશથી જોગીંદર શર્માને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના રિમાન્ડ મેળવી કડકાઇથી પુછપરછ હાથ ધરવામાં આવી હતી.
હત્યા મામલે નવો ખુલાસો બહાર આવી શકે
હવે જોગીંદર શર્મા સામે વડોદરામાં મુકેશ હરજાણી હત્યા કેસનો ગુનો નોંધાયેલો છે, તથા પ્રોહિબીશનના ગુનામાં પણ તે વોન્ટેડ હોવાથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરન્ટના આધારે તેનો કબજો મેળવી બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. જોગીંદર શર્માની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડકાઇથી પૂછપરછ કરવામાં આવે તો મુકેશ હરજાણી કેસમાં નવો ખુલાસો થાય તેવી શક્યતાઓ સેવાઇ રહીં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.