શ્રીજી મહોત્સવ:4 ફૂટની શ્રીજી મૂર્તિનો નિર્ણય કરાતાં ઓર્ડર આપવાનું શરૂ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા મૂર્તિની ઊંચાઇ નક્કી કરાઇ
  • ઊંચાઇ નક્કી થતાં શહેરના 5 હજાર મંડળોની દ્વિધા દૂર થઇ

ગણેશ ઉત્સવને એક મહિના જેટલો સમય બાકી છે,ત્યારે સરકારની કોરકમિટીની બેઠકે કોરોના ગાઈડલાઈનનું પાલન કરી 4 ફુટની જ પ્રતિમાંનું સ્થાપન કરવા મંજુરી આપી છે. શહેરમાં 5 હજારથી વધુ મંડળો દ્વારા દરવર્ષે પોતાની સોસાયટીઓમાં ગણેશસ્થાપન કરતા હોય છે.ત્યારે મંડળો અને મૂર્તિકારોએ સરકારના નિર્ણયને વધાવી લીધો છે.

શહેરમાં 35 જેટલા મૂર્તિકારોને મંડળો દ્વારા મૂર્તિ બનાવવાનો ઓર્ડર આપવામાં આવે છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે મૂર્તિકારોને ગણેશપ્રતિમાનો ઓર્ડર મળ્યો જ ન હતો. મંડળો અને શહેરીજનોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરી પોતાના ઘરમાં જ 2 ફુટની મૂર્તિની સ્થાપના કરીને પરંપરા જાળવી રાખી હતી.

જોકે ચાલુ વર્ષે પણ 27 જુલાઈ સુધી મૂર્તિકારોને મંડળો તરફથી કોઈ ઓર્ડર મળ્યો ન હતો.પરંતું 28 જુલાઈના રોજ સરકાર દ્વારા 4 ફુટની મૂર્તિ સાથે ગણેશ સ્થાપનાની મંજુરી આપતા બુધવારે રાતથી મંડળો દ્વારા મૂર્તિકારોને ઓર્ડર મળવાનું શરૂ કર્યું છે. બીજી તરફ વડોદરામાં 3 ફુટ સુધીની મુર્તીઓનો જથ્થો મુંબઈ,પુણે થી આવે છે.

જેનું ત્યાર બાદ દુકાનોમાં વેચાણ થતું હોય છે. ત્યારે હાલથી જ દુકાનદારો દ્વારા પોતાના ગ્રાહકોને ફોન કરીને ગણેશજીની પ્રતિમાઓ આવી ગઈ હોવાના ફોન પણ કરવામાં આવી રહ્યાં છે.ગણેશોત્સવ નજીક છે ત્યારે મંડળો તેમજ સામાજિક સંસ્થા દ્વારા શહેરના નવલખી ઉપરાંત અન્ય વિસ્તારોમાં તૈયાર કરાતા કૃત્રિમ તળાવોને વિર્સજન માટે પાણી ભરીને તૈયાર કરવા માટે પણ રજૂઆત કરી છે.

ગણેશોત્સવ પહેલા દશામાંનો પણ તહેવાર આવી રહ્યો છે.ત્યારે તંત્ર જલદીથી કૃત્રિમ તળાવો તૈયાર કરે તેવી મંડળો તેમજ ભક્તો દ્વારા માંગ કરવામાં આવી છે.

સરકારનો નિર્ણય આવકારીએ છીએ
સરકારનો નિર્ણય અમે આવકારીએ છીએ. કોરોના સમયમાં લોકો આર્થિક રીતે હજુ પગભર થઈ શક્યાં નથી.ત્યારે મોટી મૂર્તિ બનાવડાવવા માટે પણ મોટાભાગના લોકો હજુ તૈયાર નથી. કોરોનામાં નાની મૂર્તિ સ્થાપી પરંપરા જાળવવાની ભક્તોની પણ ઈચ્છા છે. - અનિકેત મિસ્ત્રી,મૂર્તિકાર

10 ફૂટની મંજૂરી આપવી જોઈતી હતી
સરકારે ગણેશોત્સવના મહિના પહેલા ગણેશોત્સવ અંગે 4 ફુટની પ્રતિમા સ્થાપવાની જે મંજુરી આપી તે આવકારદાયક છે.હવે મંડળો પણ ગણેશોત્સવની તૈયારી કરી શકશે.મારા મતે સરકારે 10 ફુટની મંજુરી આપી હોત તો તહેવારની ઉજવણી સારી રીતે થઈ શકી હોત.- અશોક અજમેરી,મૂર્તિકાર

અન્ય સમાચારો પણ છે...