તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:આજથી પર્યુષણ પર્વનો પ્રારંભ દેરાસરો રોશનીથી શણગારાયાં

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્યુષણમાં સૂર્ય અને ચંદ્ર સ્વગૃહી રહેતાં ધર્મની ભાવનામાં વૃદ્ધિ થશે

જૈનોના મહાપર્વ પર્યુષણ પર્વનો શુક્રવારના રોજ પ્રારંભ થઈ રહ્યો છે. પર્યુષણની પૂર્વ રાત્રીએ દેરાસરોને રોશનીથી શણગારી દેવાયા છે, આસોપાલવના તોરણો બાંધી દેવાયા છે. આ ઉપરાંત દેરાસરોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે માટેની પણ પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પર્યુષણના મહાપર્વના 8 દિવસમાં પ્રતિક્રમણ,ભગવાનની પૂજા,ઉપાશ્રયમાં ગુરૂ ભગવંતોના શ્રીમુખે વ્યાખ્યાન સહિતના કાર્યક્રમો યોજાશે.

ચાર દરવાજા સ્થિત શ્રી દાદા પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે પર્યુષણ નિમિત્તે 6 દિવસ ભક્તિ સંધ્યાના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે. જેમાં પહેલા થી ચોથા દિવસ અને છઠ્ઠા અને સાતમા દિવસે ભક્તિ સંધ્યા દેરાસરમાં કોરોના ગાઈડલાઈન મુજબ યોજવામાં આવશે. પર્યુષણના પહેલા દિવસે શહેરના 36 જૈન સંઘોમાં જૈન ભક્તો દ્વારા જૈનાચાર્યોના શ્રીમુખે પ્રવચન સાંભળવા પહોચશે. દેરાસરો અને ઉપાશ્રયોમાં ભીડ ન સર્જાય તે માટે પણ ટ્રસ્ટીઓ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

પર્યુષણનું પર્વ શરૂ થવાથી વડોદરા સહિત દેશ-વિદેશમાં વસતા જૈનોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. જે લોકો પર્યુષણના પર્વમાં ઉપવાસ કરવાના છે,તે લોકોએ પૂર્વ સંધ્યાએ છેલ્લી વખત ભોજન લીધું હતું. ગુરુવારના રોજ સંપૂર્ણ દિવસ વિવિધ દેરાસરોને શણગારવાની કામગીરી તેમજ ભગવાનને આંગી કરવાની વિશેષ તૈયારીઓ ચાલી હતી. પર્યુષણના આઠ દિવસ દરમિયાન પ્રભુની પ્રતિમાને વિશેષ આંગી કરવામાં આવશે. ઉપરાંત ભગવાનને વિવિધ ઔષધીઓ તેમજ દ્રવ્યોથી અભિષેક પણ કરવામાં આવશે.

યોગરક્ષીતાશ્રીજી મહારાજ સાહેબે પર્વનંુ મહત્ત્વ સમજાવ્યું
વડોદરા :
પર્યુષણ પર્વમાં ચંદ્ર પોતાની સ્વગૃહિ કર્ક રાશી અને સુર્ય પોતાની સ્વગૃહિ સિંહ રાશિમાં હોય છે. સુર્ય એ આત્માનો કારક ગ્રહ છે. ત્યારે પર્યુષણના 8 દિવસોમાં સુર્ય અને ચંદ્ર બંને પોતાની સ્વગૃહિ રાશિમાં રહેતા હોવાથી આ દિવસોમાં લોકોની અંદર ધર્મની ભાવનામાં વૃધ્ધી પામતી હોવાનું યોગરક્ષીતાશ્રીજી મહારાજ સાહેબે જણાવ્યું હતું.

દેરાપોળ સ્થિત બાબાજીપુરા જૈનસંઘમાં વલ્લભસૂરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધૂરંધરસૂરી સાહેબના આજ્ઞાનુવર્તી યોગરક્ષીતાશ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા-3 એ જણાવ્યું હતું કે, જે મંત્રોમાં નમસ્કાર મહામંત્રએ મંત્રાધિરાજ છે,પર્વતોમાં મેરૂપર્વત એ પર્વતાધીરાજ છે,પશુઓમાં જેમ કેસરીસિંહ એ રાજા છે.

તેવી જ રીતે દરેક પર્વોની અંદર પર્યુષણ પર્વ એ પર્વાધિરાજ છે. તેનું કારણ એ છે કે,આ મહાપર્વમાં ધર્મ કરનાર વ્યક્તિ વિશેષ ઉલ્લાસથી ધર્મ કરવા માટે તૈયાર થાય છે. અને ધર્મ નહી કરનાર વ્યક્તિને પણ ધર્મ કરવાની જાગૃકતા થાય છે. વર્ષની અંદર 365 દિવસ માં ચાતુર્માસ એ આરાધનાના દિવસો છે. જ્યારે ચાતુર્માસની અંદર પણ જો ચાતુર્માસનો પ્રાણ હોય તો તે પર્યુષણ મહાપર્વ છે.

અન્ય સમાચારો પણ છે...