વડોદરા જિલ્લાની 5 બેઠક પૈકી વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવતા મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપી દેતા વાઘોડિયા સહિત જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નોંધનીય છે કે, તેઓ રાજકારણની શરૂઆતથી જ વ્યવસાય અને નિવેદનોને લઈને વિવાદમાં રહ્યા છે. જે વિવાદ તેમનો હજુ પીછો છોડતો નથી. 1995માં વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ કબજો જમાવી બેઠેલા મધુ શ્રીવાસ્તવ પર ભાજપે 2022ની વર્તમાન વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ કાપીને બ્રેક મારી છે, ત્યારે મધુ શ્રીવાસ્તવે પોતાનું આર્થિક અને રાજકિય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભાજપમાંથી રાજીનામું આપીને અપક્ષ અથવા તો અન્ય પક્ષના બેનર હેઠળ વાઘોડિયા બેઠક ઉપર વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી છે.
પિતા ભારતીય સેનામાં હતા
મધુ શ્રીવાસ્તવ મૂછ, દાઢી, ગળામાં સોનાની વજનદાર ચેઇન, વીંટીઓ અને માથા પર હેટને કારણે મધુ શ્રીવાસ્તવ બધા નેતાઓથી અલગ તરી આવે છે. તેઓ એસયુવી કારના પણ ભારે શોખીન છે. આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવની છાપ 'દબંગ' અને 'બાહુબલી' નેતાની છે. મધુ શ્રીવાસ્તવના પિતા બાબુભાઈ શ્રીવાસ્તવ ભારતીય સેનામાં હતા. મધુ શ્રીવાસ્તવના લગ્ન સવિતાબેન સાથે થયા હતા અને તેમને 2 સંતાન દીપક અને વિજયાલક્ષ્મી છે. તેમના પત્ની સવિતાબહેન શ્રીવાસ્તવ તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી લડી ચુક્યા છે અને તેમની દીકરી પણ રાજકારણમાં સક્રિય છે.
બે વખત કાઉન્સિલર બન્યા
વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા કોકણ ફળિયાના તેઓ મૂળ રહેવાસી છે. હાલ ત્યાં પણ તેમનું મકાન છે. તેઓએ 1975માં ધોરણ-10 પાસ કર્યું છે. 1979માં રેલવેમાં ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી શરૂ કરી હતી. ત્યારબાદ 1982માં રાજકારણમાં પગરણ માંડ્યા હતા. 1982માં વડોદરા કોર્પોરેશનમાં વાડી બેઠક ઉપરથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીતી આવ્યા હતા. 1985માં તેઓએ અને તેમના પિતરાઈ ભાઈ અને કોંગ્રેસ સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ(ભથ્થુ) સાથે મળી "લોકશાહી મોરચો" નામનો પક્ષ બનાવ્યો હતો અને કોર્પોરેશનની ચૂંટણીમાં 10 ઉમેદવાર ઉભા રાખ્યા હતા.
મધુ શ્રીવાસ્તવ 1993 સુધી વડોદરાના રાજકારણમાં સક્રિય રહ્યા
"લોકશાહી મોરચો" પક્ષમાં મધુ શ્રીવાસ્તવ, ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થું), દિલીપ મસ્કે અને સવિતાબહેન સહિત 5 ઉમેદવારો ચૂંટાઇ આવ્યા હતા. તે સમયે સ્વ. જશપાલસિંઘનો સાવધાન પક્ષ રચાયો હતો. પરંતુ, તેઓની બહુમતી આવી ન હતી. જેથી તેમણે ભાજપને ટેકો આપ્યો હતો અને ભાજપના નેતા સ્વ. નલિન ભટ્ટ ડેપ્યુટી મેયર બન્યા હતા. તે બાદ એક વર્ષ પછી તુરંત જ કોર્પોરેશનની ચૂંટણી આવી હતી અને તે સમયે ડો. રાજેન્દ્રસિંહ રાઠોડને મેયર બનાવ્યા હતા. આમ મધુ શ્રીવાસ્તવ 1993 સુધી વડોદરાના રાજકારણમાં સક્રિય રહ્યા હતા.
પૂર સમયે મસિહા બન્યા
દરમિયાન 1994-1995માં ભારે વરસાદ થયો હતો. વાઘોડિયા તાલુકામાં વિનાશક પૂર આવ્યું હતું. આખો વાઘોડિયા તાલુકો પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. તે સમયે મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા લોકોની મદદે પહોંચી ગયા હતા. ગામે ગામ અને ઘર-ઘર સુધી તેમને મદદ પહોંચાડી હતી. તે સમયે મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા તાલુકાના મસીહા તરીકે ઉભરી આવ્યા હતા. મધુ શ્રીવાસ્તવે તે તકનો લાભ લઈને 1995માં આવેલી વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી અને વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી વાઘોડિયા બેઠક કબજે કરી હતી. તેઓ કોંગ્રેસના ઉમેદવાર મનુભાઇ સામે 22 હજાર મતોથી જીત્યા હતા.
ભાજપે ટિકીટ ન આપી
1995માં અપક્ષ ચૂંટણી જીત્યા બાદ 1997માં કેશુભાઈ અને શંકરસિંહ વાઘેલા વચ્ચેના ગજગ્રાહના કારણે રાજ્ય સરકારમાં ઉથલપાથલ થઇ હતી, ત્યારે તેઓએ શંકરસિંહ વાઘેલાને ટેકો આપ્યો હતો. એક વર્ષ બાદ ચૂંટણી આવતા તેઓ 1998માં વિધિવત ભાજપમાં જોડાયા હતા. આમ તેઓ 1995થી 2017 સુધી સતત 6 ટર્મ સુધી વાઘોડિયા બેઠક ઉપર ધારાસભ્ય તરીકે જીતતા આવ્યા અને વાઘોડિયા બેઠક ઉપર કબજો જમાવી રાખ્યો છે. પરંતુ, આ વખતે સ્થાનિક અને તાલુકાની પ્રજામાં મધુ શ્રીવાસ્તવ સામે ભારે રોષ હોવાના કારણે ભાજપાએ તેઓની ટિકિટ કાપીને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપતા તેઓએ ભાજપમાંથી રાજીનામું આપી દીધુ.
લાઇમ લાઇટમાં આવ્યા
મધુ શ્રીવાસ્તવ 2002માં સર્જાયેલા ગોધરા સાબરમતી કાંડ દરમિયાન વડોદરાના ડભોઇ રોડ ઉપર હનુમાન ટેકરી વિસ્તારમાં બેસ્ટ બેકરી કાંડ સર્જાયો હતો. આ કાંડમાં શેખ પરિવારના 12 વ્યક્તિઓ સહિત 14 લોકોના મોત નીપજ્યાં હતા. આ કેસમાં સંડોવાયેલા 17 આરોપીઓને વડોદરાની નીચલી કોર્ટમાં નિર્દોષ છોડાવ્યા હતા. તે સમયે મધુ શ્રીવાસ્તવ ઉપર બેસ્ટ બેકરી કાંડની તાજની સાક્ષી ઝહીરા શેખ તેમજ અન્યને નિવેદનો બદલવા માટે ધમકી આપવાના તેઓ ઉપર આક્ષેપો થયા હતા. જોકે, આ કેસ મહારાષ્ટ્રની કોર્ટમાં ટ્રાન્સફર થયા બાદ તમામ આરોપીઓને આજીવન કેદની સજા થઇ હતી. આમ તેઓ બેસ્ટ બેકરી કાંડને લઇ લાઇમ લાઇટમાં આવ્યા હતા.
પુત્રએ રાજકારણમાં કાઠું ન કાઢ્યું
મધુ શ્રીવાસ્તવ પોતાના પુત્ર દિપક શ્રીવાસ્તવને ધારાસભ્ય બનાવવા માંગતા હતા. આથી તેમણે વડોદરાના વોર્ડ નંબર-15માંથી પુત્ર દિપકને ટિકિટ અપાવવા માટે માંગણી કરી હતી. પરંતુ, ભાજપ દ્વારા વંશવાદનું બહાનું બતાવી ટિકિટ આપી ન હતી. અપક્ષ ફોમ ભરતા 3 સંતાનોનું કારણ ધારણ કરીને ફોર્મ રદ કરાયું હતું. દરમિયાન પુત્ર દિપકને શૈલેષ મહેતા (સોટ્ટા)ની પેનલમાં ઉભો કરાવી કાઉન્સિલર તરીકે જીતાડી કોર્પોરેશનમાં મોકલ્યો હતો. જોકે, તે બાદ તેઓ ભાજપમાં આવી ગયો હતો. એક વખત કાઉન્સિલર બન્યા બાદ તે માત્ર સક્રિય કાર્યકર તરીકે ભાજપ કામ કરે છે.
અધિકારીઓને ધમકીઓ આપીને વિવાદોમાં રહ્યા
મધુ શ્રીવાસ્તવે એકવાર ધમકીના સ્વરમાં કહ્યું હતું કે, જો અધિકારીઓ કામ ન કરે તો કહેજો, તેમને ચૌદમું રતન ન બતાડું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. અધિકારીઓને લઈને આ પ્રકારના નિવેદનને લઈને તેમની સામે વિરોધના સૂર પણ ઉઠ્યા હતા. અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન જનસભાને સંબોધવા દરમિયાન મધુ શ્રીવાસ્તવે એવો બફાટ કર્યો હતો કે, પોલીસ અને કલેક્ટરને તો હું મારા ખિસ્સામાં રાખુ છું.
અભિનય ક્ષેત્રે પણ ઝંપલાવ્યું
મધુ શ્રીવાસ્તવ રાજકારણ સાથે અભિનય ક્ષેત્રે પણ ઝંપલાવ્યું હતું. તેઓએ વર્ષ-2014માં "ઠાકોરના બોલ જગમાં અનમોલ" અને વર્ષ-2016માં "લાયન ઓફ ગુજરાત" નામની બે ફિલ્મો બનાવી હતી. જેમાં તેમને અભિનય કર્યો હતો. "લાયન ઓફ ગુજરાત" તેમના પુત્ર દીપક શ્રીવાસ્તવે પણ અભિનય કર્યો હતો. અને આ બંને ફિલ્મોનું શુટીંગ વડોદરામાં કર્યું હતું. જોકે, મધુ શ્રીવાસ્તવ અને દિપક શ્રીવાસ્તવે તે સમયે કહ્યું કે, અભિનય ક્ષેત્ર અમારો શોખ છે. લોકસેવા અમારું મુખ્ય કામ છે.
ચૂંટણી લડવાની તૈયારી
મધુ શ્રીવાસ્તવ રાજકારણનની સાથોસાથે રિયલ એસ્ટેટ, હોટેલ તેમજ પેટ્રોલ પંપ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે. ટ્રક ડ્રાઇવરથી લઇ ધારાસભ્ય અને અભિનેતા સુધીની સફર કરનાર મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા બેઠક ઉપર જમાવેલા કબજા ઉપર ભાજપે ટિકિટ કાપીને તેમની રાજકીય કારકીર્દી ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. જોકે, મધુ શ્રીવાસ્તવ પોતાનું આર્થિક રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે વાઘોડિયા બેઠક ઉપર ચૂંટણી લડવા માટે ભાજપામાંથી રાજીનામું આપીને ચૂંટણી લડવા માટે તૈયારી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.