"મેહંગાઇ મુક્ત ભારત અભિયાન" અંતર્ગત વડોદરા શહેર- કોંગ્રેસ દ્વારા માંડવી દરવાજા ખાતે વિરોધ કરાયો હતો. પ્રમુખ ઋત્વિજ જોશી અને વીપક્ષી નેતા અમિત રાવતની આગેવાનીમાં રાંધણ ગેસના ભાવ વધારા મુદ્દે ગેસના બોટલ અને પોસ્ટર બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગેસ સિલીન્ડર સાથે જોડાયેલી મહિલાઓએ આકર્ષણ જમાવ્યું હતું. જોકે, મંજૂરી વગર કાર્યક્રમ યોજાતા પોલીસે પ્રમુખ સહિત સાત લોકોની અટકાયત કરી હતી. એક તબક્કે કોંગી કાર્યકર્તાઓએ પોલીસ વાનનો ઘેરાવો કરતા ઘર્ષણ થયું હતું.
સૂત્રો લગાવાયા
શહેર કોગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, વર્ષ 2014માં "બહુત હુઈ મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકાર" સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી છે. પરંતુ ભાજપ શાસન આવ્યા બાદ દિન-પ્રતિદિન મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ બમણા થતાં સામાન્ય નાગરિકની કમર તૂટવાની સાથે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. જેથી હવે " બહુત હુઈ મહેંગાઈ કી બાત અબકી બાર લૂંટેરી સરકાર" સૂત્ર સાથે કોંગ્રેસ પક્ષે નારાજગી દર્શાવી છે. અને પ્રજાની વેદનાને વાચા આપવા કોંગ્રેસ પક્ષ હંમેશા અગ્રેસર રહેશે.
રેલીનું આયોજન
વિપક્ષી નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે, પ્રજાની વેદનાને વાચા આપવા બેફામ મોંઘવારી મુદ્દે અમે શાંતિથી ધરણાં અને રેલીનું આયોજન કર્યું હતું. પરંતુ તાનાશાહી ભાજપ સરકાર પોલીસને આગળ ધરી વિરોધ પક્ષને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સાથે નરેન્દ્રભાઈ રાવતે જણાવ્યું હતુંકે, ગેસ બોટલના 400 રૂપિયા ભાવ સાથે સ્મૃતિ ઈરાનીએ પ્રસિદ્ધિ મેળવી હતી. હવે ગેસના બોટલનો ભાવ 1 હજાર થયો છે તો જવાબ આપે. તો બીજી તરફ, પોલીસની પરવાનગી વગર ધરણા અને રેલી યોજાતાં પોલીસે કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષી નેતા સહિત 07 લોકોની અટકાયત કરી હોવાની માહિતી સાંપડી હતી.
ભારે સુત્રોચ્ચાર
વાહનોથી ધમધમતા માંડવી ખાતે યોજાયેલા આ કાર્યક્રમે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. કોગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. અને ભાજપા સરકાર વિરુદ્ધ ભારે સુત્રોચાર કર્યા હતા. પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે શહેર કોગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી સહિત સાત કાર્યકરોની અટકાયત કરી હતી. એક તબક્કે ટ્રાફિક વ્યવહાર અસ્તવ્યસ્ત થઇ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.