તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધર્સ ડેની અનોખી ઉજવણી:વડોદરાની સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં માતાઓ સાથે તબીબો સહિતના સ્ટાફે મહિલા દિવસની ઉજવણી કરી, મહિલાઓને ગુલાબ આપી અભિવાદન કર્યું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોવિડ વોર્ડમાં માતાઓ સાથે તબીબો સહિતના સ્ટાફે ઉજવણી કરી હતી - Divya Bhaskar
કોવિડ વોર્ડમાં માતાઓ સાથે તબીબો સહિતના સ્ટાફે ઉજવણી કરી હતી

વિશ્વભરમાં મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે એટલે કે માતૃ દિવસ તરીકે જગત આખાની માતાઓને સમર્પિત છે. એવા માતૃ દિવસની આજે સયાજી હોસ્પિટલના ચોથા માળે આવેલા કોવિડ વોર્ડમાં ખૂબ જ ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. વહીવટી નોડલ અધિકારી ડો.ઓ.બી. બેલીમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા આ લાગણીસભર આયોજન હેઠળ કોરોનાના એકલવાયા દર્દીઓ જેમની પાસેથી તબીબી સારવાર અને સારસંભાળની સાથે માતા કે બહેનનો સ્નેહ પામી રહ્યા છે તેવા મહિલા તબીબો, સિસ્ટર્સ અને અન્ય મહિલા આરોગ્ય સુરક્ષા અને સફાઈ સેવિકાઓનું ગુલાબના પુષ્પો આપીને ભાવસભર અભિવાદન કરીને, ઈશ્વર આ સહુ માતાઓને સુરક્ષિત અને સલામત રાખે એવી દિલથી દુવાઓ કરી હતી.

કવિ બોટાદકરે લખ્યું છે કે, જનની ની જોડ સખી નહિ જડે રે લોલ, પરંતુ, કોરોના વિભાગ કે જ્યાં દર્દી પુરુષ હોય કે સ્ત્રી, યુવાન હોય કે વૃદ્ધ બધાએ સ્વજનોથી દૂર રહીને એકલવાયી સારવાર લેવી પડે એ ખૂબ કરુણ વિટંબણા છે. ચેપ અટકાવવાની તકેદારીરૂપે સ્વજનોના સાથ વગર, અરે દિવસોના દિવસો સુધી એમનો રૂબરૂ ચહેરો જોયા વગર સારવાર લેતા દર્દીઓને માતૃ શક્તિ સ્વરૂપા મહિલાઓ જ સારવારની સાથે સ્નેહ આપે છે. પ્રેમથી સમજાવે છે, જમવાની આનાકાની કરનારને જમાડે છે અને સાજા સ્વસ્થ થઈને ઘેર જવાનો વિશ્વાસ બંધાવે છે.

ડો. બેલીમે જણાવ્યું કે, 14-14 મહિનાથી અહીં સેંકડો મહિલા તબીબો, નર્સ બહેનો, નર્સિંગ સહાયકો, સફાઈ અને સુરક્ષા સેવિકાઓ એકલવાયા દર્દીઓની કાળજી લઈ રહી છે. પોતાના સગાવહાલા અને સંતાનોને ઘરે મૂકીને આ લોકો દર્દીઓની સ્નેહસભર જે સેવા કરી રહ્યાં છે. તેનો ઋણ સ્વીકાર દર્દીઓએ તેમને ગુલાબના ફૂલ આપીને આજે કર્યો છે અને અનોખી રીતે મધર્સ ડે ઉજવ્યો છે. દર્દીઓએ ઈશ્વર આપને સ્વસ્થ અને સલામત રાખે એવી હાર્દિક પ્રાર્થના કરી છે.

મહિલા આરોગ્ય સુરક્ષા અને સફાઈ સેવિકાઓનું ગુલાબના પુષ્પો આપીને ભાવસભર અભિવાદન કરીને, ઈશ્વર આ સહુ માતાઓને સુરક્ષિત અને સલામત રાખે એવી દિલથી દુવાઓ કરી
મહિલા આરોગ્ય સુરક્ષા અને સફાઈ સેવિકાઓનું ગુલાબના પુષ્પો આપીને ભાવસભર અભિવાદન કરીને, ઈશ્વર આ સહુ માતાઓને સુરક્ષિત અને સલામત રાખે એવી દિલથી દુવાઓ કરી

અમે દર્દીઓને તમને કશું જ નહીં થાય, ઝટ સાજા થઈને ઘેર જશો એવો પોઝિટિવ મેસેજ અહી સતત આપીએ છે, એવા શબ્દો સાથે ડો.નેહા શાહે જણાવ્યું કે, આ સ્થળે અમે જ તેમની સારવાર કરનાર અને અમે જ તેમના સ્વજન છીએ. તેમણે આ વિકટ પરિસ્થિતિથી બચવા સહુ રસી અવશ્ય મૂકાવે એવો અનુરોધ કર્યો હતો.

નર્સ કોમલ વસાવાને જેમણે નાનેથી ઉછેરીને મોટી કરી છે, ભણાવી ગણાવીને લાયક બનાવી છે, એવા માતા રામીબહેન આજે એની પાસેથી જ કોરોનાની સાર સંભાળ પામી રહ્યાં છે. દીકરી જાણે કે આજે માતા બનીને જન્મદાત્રીની સંભાળ લઈ રહી છે. એ માતાએ જ્યારે નર્સ દીકરીને ગુલાબ આપ્યું અને શુભકામનાઓ વ્યક્ત કરી ત્યારે સહુની આંખો લાગણીના પ્રવાહીથી ભીની થઈ ગઈ.મધર્સ ડેની ઉજવણીની આ સહુથી સાર્થક પળ હતી.

અન્ય સમાચારો પણ છે...