માર્ગ અને મકાન અને વાહન વ્યવહાર વિભાગે ડેસર અને સાવલી, વાઘોડિયા તથા વડોદરા તાલુકાઓને અંદાજે રૂ.75 કરોડની કિંમતના વિકાસ કામોની ભેટ આપવાનું આયોજન કર્યું છે. તેના ભાગરૂપે માર્ગ મકાન અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ ડેસર તાલુકા મથકે અંદાજે રૂ.1.73 કરોડના ખર્ચે 2 હજાર ચોરસ મીટર જગ્યામાં બંધાનારા એસ.ટી.ડેપોના કામનું ભૂમિપૂજન કર્યું હતું. આ ઉપરાંત તેમણે રૂ.73.13 કરોડના ખર્ચે થનારા માર્ગ વિકાસના 13 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું જેનો લાભ સાવલી, ડેસર, વડોદરા અને વાઘોડિયા તાલુકાઓને મળશે.
સરકાર વાર્ષિક 1 હજાર કરોડનો બોજ ઉઠાવી ST સેવા આપે છે
મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, લોકોને વિવિધ પ્રકારની પરિવહન સુવિધાઓ દ્વારા મહત્તમ કનેક્ટીવિટી ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત દેશમાં મોખરે છે.રાજ્ય એસ.ટી.નિગમની પરિવહન સુવિધાઓનો દૈનિક 25 લાખથી વધુ લોકો લાભ લે છે અને વાર્ષિક રૂ.1 હજાર કરોડનો બોજ ઉઠાવી રાજ્ય સરકાર આ સેવા આપે છે. તેમણે એર,રેલ,માર્ગ અને જળ પરિવહનની સુવિધાઓ દ્વારા સરળ કનેક્ટિવિટીની રૂપરેખા આપી હતી.
414 ગામોને પહેલીવાર રસ્તાની સુવિધા આપવામાં આવશે
તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રૂ.2400 કરોડના ખર્ચે 1836 કિમી લાંબો કોસ્ટલ હાઈ વે બાંધીને દક્ષિણના ભીલાડને ઉત્તરમાં કચ્છના નારાયણ સરોવર સાથે જોડવાનું આયોજન કર્યું છે. તે જ રીતે આઝાદી ના અમૃત પર્વને યાદગાર બનાવવા રાજ્યના 414 ગામોને પહેલીવાર રસ્તાની સુવિધા આપવામાં આવશે. જ્યારે આદિવાસી વિસ્તારમાં વાહન વ્યવહારની બારમાસી સુવિધા ઉપલબ્ધ કરાવવા રૂ.500 કરોડના ખર્ચે 295 કોઝ વે કમ વિયર બનાવીને ચોમાસામાં પરિવહન બંધ થઈ જવાની વિપદાઓનું નિરાકરણ આણવામાં આવશે.
ધારાસભ્યો હાજર રહ્યા
વાહન વ્યવહાર અને માર્ગ વિકાસના આ કામોનો લાભ ડેસર અને અન્ય તાલુકાઓના ગામોને મળશે એનો આનંદ વ્યક્ત કરતાં ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, સૌથી નાના ડેસર તાલુકાને જરૂરી તમામ સગવડો આપીને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડ્યો છે. આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. વડોદરા જિલ્લા પંચાયતના ઊપ પ્રમુખ મોહનસિંહ,કમલેશ પટેલ, અશ્વિન પટેલ સહિતના અગ્રણીઓ, તાલુકા પંચાયત પ્રમુખ અને પદાધિકારીઓ, સરપંચો, વિવિધ વિભાગોના અધિકારીઓ અને ગ્રામજનો કાર્યક્રમમાં જોડાયાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.