રાહુલ ગાંધીના PAના નામે નાણાં માંગનાર ઝડપાયો:ધો. 4 પાસ શખ્સે પંજાબથી વડોદરાના કોંગ્રેસના નેતાઓને ટિકિટ માટે ફોન કરી રૂપિયા માંગ્યા હતા, અમૃતસરથી ધરપકડ

વડોદરા17 દિવસ પહેલા

વડોદરામાં કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને સત્યજીસિંહ ગાયકવાડને રાહુલ ગાંધીના પીએના નામે ફોન કરી વિધાનસભાની ચૂંટણીની ટિકિટ માટે રૂપિયાની માંગણી કરનાર શખ્સને સાયબર ક્રાઇમની ટીમે પંજાબના અમૃતસરથી ઝડપી લીધો છે.

આરોપીની લોકેશન પંજાબમાં મળ્યું
વડોદરા સાયબર ક્રાઇમને ટેકનિકલ સોર્સથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કોંગ્રેસના નેતા સત્યજીસિંહ ગાયકવાડને ફોન કરી રૂપિયાની માંગણી કરનાર શખ્સનું લોકેશન પંજાબના અમૃતસરનું આવે છે. જેથી આરોપીને ઝડપી લેવા માટે પોલીસની એક ટીમ અમૃતસર પંજાબ પહોંચી હતી.

આરોપી રજતકુમાર પ્રવેશકુમાર મદાન.
આરોપી રજતકુમાર પ્રવેશકુમાર મદાન.

અમૃતસરથી ઝડપાયો
અમૃતસરમાં ટેક્નિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વોચ ગોઠવી આરોપી રજતકુમાર પ્રવેશકુમાર મદાન (રહે. પીપયાવાલી ગલી, ગુરૂનાનક નગર, પન્નુ ડેરી સામે, ચબાલ રોડ, અમૃતસર, પંજાબ)ને ઝડપી લીધો હતો. આરોપી રજતકુમાર મદાન મૂળ હરીયાણાના સીરસા જીલ્લાના ડબવાલીનો રહેવાસી છે.

આરોપી માત્ર 4 ધોરણ ભણેલો છે
સાયબર ક્રાઇમની ટીમને પ્રાથમિક પૂછપરછમાં જણાવા મળ્યું છે કે, આરોપી રજત મદાન માત્ર 4 ધોરણ સુધી અભ્યાસ કરેલો છે. તેમજ શાકભાજીનો હોલસેલનો ધંધો કરે છે. પોલીસે રજતની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો. તેમજ તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

બીજા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરતા
પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે, રજતે ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરાવવા માટે બીજા પણ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેના બદલામાં કમિશન પેટે પૈસા મળતા હતા. આ બેંક એકાઉન્ટ ખોલીને સહ આરોપી ગૌરવ શર્મા (રહે. અમૃતસર, પંજાબ)ને આપતો હતો. આ અંગે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે.

કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ.
કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ.

રજત રીઢો ગુનેગાર
રાહુલ ગાંધીના પીએના નામે રૂપિયાની માંગણી કરનાર રજત રીઢો ગુનેગાર છે. તે અગાઉ ઓગસ્ટ 2019માં અમૃતસરના રંજીત એવન્યુ પોલીસ સ્ટેશન અને વર્ષ 2021માં લુધિયાણાના દેહલોન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તેમજ NDPSના ગુનામાં પકડાયો હતો.

શું હતો મામલો
ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર વડોદરાના વોર્ડ નંબર 16ના કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવને એક અજાણ્યા નંબરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો કે, Good evening, this side Kanisha singh, PA to Sh. Rahul Gandhiji. please call me. મેસેજ વાંચી ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)એ તે નંબર પર વોટ્સએપ કોલ કર્યો હતો. જેમાં સામેવાળાએ કોલ રિસિવ કરતાં કહ્યું કે, વર્ષ 2017માં વિધાનસભામાં તમારુ પરફોર્મન્સ સારુ હતું. આ વખતે તમારે રાવપુરા વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડવાનું છે? જો કે તે સમયે ચંદ્રકાંત શ્રીવાસ્તવે વિચારીને બીજા દિવસે જવાબ આપીશું, તેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો.

કોંગ્રેસના નેતા સત્યજીસિંહ ગાયકવાડ.
કોંગ્રેસના નેતા સત્યજીસિંહ ગાયકવાડ.

પ્રિયંકા ગાંધીના મેઇલ પર બાયોડેટા સેન્ડ કરો
જ્યાર બાદ બપોરના સમયે તે જ નંબર પરથી મિસ કોલ આવ્યો હતો. જેથી ચંદ્રકાંત શ્રીવાસ્તવે સામે ફોન કરતા ઠગે તેમને બાયોડેટા સેન્ડ કરવા કહ્યું હતું. તેમજ પ્રિયંકા ગાંધીનો એક ઇ-મેઇલ આઇડી મેસેજ કરુ છું, તેના પર તે મોકલી આપજો તેમ કહ્યું હતું. જો કે ચંદ્રકાંત શ્રીવાસ્તવે આવો કોઇ વ્યવહાર કર્યો નહીં અને તેઓ સાવચેત થઇ ગયા હતા.

સત્યજિત ગાયકવાડને પણ ફોન આવ્યો
બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તેમજ ગુજરાત વિધાનસભાની વાઘોડિયાના કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ સત્યજિતસિંહ ગાયકવાડ સાથે પણ આ જ નંબર પરથી ફોન અને મેસેજ આવ્યા હતા. જેથી આ અંગે બંનેની સંયુક્ત ફરિયાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.