પોલીસને પણ ચોરીનો ડર:SSGના પોલીસ રૂમને તાળું, પોલીસના રૂપિયા અને મુદ્દામાલ ચોરાય છે

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકર કે તિજોરીના તાળાની વ્યવસ્થા થશે : PI

સયાજી હોસ્પિટલ ખાતે આવેલા પોલીસ રૂમને તાળુ મારવાની ફરજ પડી રહી છે. એક પોલીસ કર્મચારીની ફરજ પૂરી થાય અને બીજા આવે ત્યાં સુધીના સમયને આ રૂમ તાળાબંધીમાં રાખવી પડે છે. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ રૂમમાં મૂકેલી વસ્તુઓ રોકડ અને બિન વારસી દર્દી પાસેથી મળેલી વસ્તુઓ પણ ગાયબ થતી હોવાને પગલે આ નિર્ણય લેવાની ફરજ પડી છે. સયાજી હોસ્પિટલમાં આવતા પોલીસ કેસની સ્થળ પર જ નોંધ થઈ શકે તે માટે રાવપુરા પોલીસ દ્વારા તાત્કાલિક સારવાર વિભાગમાં 24 કલાક માટે પોલીસ કર્મચારીની ડ્યુટી ગોઠવવામાં આવે છે.

તેઓ ત્યાં અકસ્માત સહિતના પોલીસ કેસના ગુનાની નોંધ કરે છે અને જે તે પોલીસ મથકને જાણ કરી તપાસ માટેની વિગતો મોકલે છે. આ પોલીસ કર્મચારીઓની રૂમમાં લોકર માટેની કોઈ વ્યવસ્થા નથી. રૂમમાં તેમને જે તિજોરી આપવામાં આવી છે તેને તાળું નથી. જેથી પોલીસ કર્મચારીઓની રોકડ તેમજ અન્ય વસ્તુઓ ગાયબ થતી હોવાની ઘટનાઓ અવારનવાર બને છે. જેને પગલે ત્રણ પોલીસ કર્મચારીઓએ તાળું લાવી ચાવી વહેંચી લીધી છે અને જે આવે તે પોતાની ડ્યુટી પુરી થયા બાદ તાળું મારીને જાય છે.

આ સમગ્ર વિષયમાં રાવપુરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે તાત્કાલિક આ વિષયનો ઉકેલ લાવીશું અને લોકર અથવા તિજોરીના તાળાની વ્યવસ્થા કરાવીશું. પોલીસ એસએસજીના તેમના રૂમને તાળુ મારીને જતા હોવાથી લોકોમાં પણ કુતુહલ સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...