સુવિધા:SSGમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ સહિત 9 તબીબની સેવા મળશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CM સેતુ હેઠળ વિશેષ તજ્જ્ઞ તબીબની નિમણૂક કરાઈ

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સીએમ સેતુની જોગવાઇઓ હેઠળ મધ્ય ગુજરાતની સહુથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલ માટે વિવિધ રોગોના 9 વિશેષ તજજ્ઞ તબીબોની નિયુક્તિ કરવામાં આવી છે.

આ નિયુક્તિના પગલે હોસ્પિટલના દર્દીઓને તજ્જ્ઞો દ્વારા તપાસ અને રોગ નિદાન અને સારવારનો લાભ મળશે. આ પૈકી ત્રણ તબીબોએ સેવા આપવાની શરૂઆત કરી દીધી છે.આ વિશેષ વ્યવસ્થા હેઠળ નિયુક્ત કરવામાં આવેલા 9 પૈકી ગેસ્ટ્રો એન્ટ્રોલોજિસ્ટ ડો.ધવલ દવે, કાર્ડિયોલોજિસ્ટ ડો.પવન દવે અને પીડિયાયાટ્રિક સર્જન ડો.કશ્યપ પંડ્યા ફરજ પર હાજર થઈ ગયા છે. આ ઉપરાંત ન્યુરોલોજિસ્ટ, હિમેટોઓન્કોલોજિસ્ટ, વિટ્રિઓરેટિનલ સર્જન, પીડિયાટ્રિક અને કાર્ડિયોલોજીના તજ્જ્ઞ તબીબોનો સમાવેશ થાય છે.

આ અંગે સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે આ વિશે જણાવ્યું કે, સયાજી હોસ્પિટલમાં આવતા જરૂરિયાતમંદ પરિવારોના દર્દીઓને આ સુપર સ્પેશિયાલિટી સેવાઓ ચોક્કસ દિવસો દરમિયાન મળશે અને તેમના જ્ઞાન અને અનુભવનો લાભ હોસ્પિટલના અનુસ્નાતક તબીબોને મળશે. આ દ્વારા એક નવી સેવા પણ ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે, આ વિશેષ તજ્જ્ઞ તબીબોની કરાર અને માનદ વેતન આધારિત નિયુક્તિ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...