SRP જવાનનો લવ-જેહાદ:વડોદરાના એજાઝે અનિલ નામથી હિન્દુ મહિલાને ફસાવી દુષ્કર્મ ગુજાર્યું, પૂછપરછમાં 6 હિન્દુ યુવતીને ફસાવીને શરીર સંબંધ બાંધ્યાનું કબૂલ્યું

વડોદરા3 મહિનો પહેલા
ફાઇલ તસવીર
  • સોશિયલ મીડિયા પર ખોટી ઓળખથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી પ્રેમજાળમાં ફસાવી
  • સયાજીગંજની હોટલ, સુરતના ઘરમાં દુષ્કર્મ કરી વીડિયો વાઇરલ કરવા ધમકી આપી
  • માતા, બહેન સામે પણ ગુનો નોંધાયો
  • સુરતમાં રહેતા અને જામનગર SRPમાં ફરજ બજાવતા એજાઝ સામે ફરિયાદ
  • યુવતીને કહ્યુ - તારે માતાજીનું નામ નહીં લેવાનું, બુરખો પહેરવો પડશે

શહેરની હિન્દુ મહિલાને સુરતમાં રહેતા અને જામનગરમાં ફરજ બજાવતા એસઆરપી જવાન એજાઝ શેખે સોશિયલ મીડિયામાં અનિલ પરમાર તરીકે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવ્યા બાદ તેને પ્રેમ જાળમાં ફસાવી હતી. તેણે વડોદરાના સયાજીગંજમાં આવેલી હોટલ તથા સુરતમાં તેના ઘેર લઇ જઇ તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ તેની સાથે મારઝૂડ કરી વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, એજાઝની માતા અને બહેને પણ એજાઝને સાથ આપ્યો હતો. પોલીસે એજાઝ, તેની માતા તથા બહેન સામે દુષ્કર્મ અને ધમકીનો ગુનો નોંધ્યો છે.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

સોશિયલ મીડિયાથી પ્રેમજાળમાં ફસાવી
પૂર્વ વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસમાં સુરત સલાબતપુરાના અલકબીર કોમ્પ્લેક્સમાં રહેતા અને જામનગરમાં ફરજ બજાવતા એસઆરપી જવાન મોહમંદ એજાઝ ઇકબાલ શેખ, તેની માતા અને બહેન સુમૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું હતું કે, તેનો પતિ દુબઇ રહે છે. 2020માં જૂનમાં એજાઝે સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. મહિલાએ રિક્વેસ્ટ સ્વીકારતાં બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી. તે વખતે તેણે હિન્દુ તરીકે ઓળખાણ આપી જણાવ્યું કે, તે હિન્દુ છે અને તેનું નામ અનિલ પરમાર છે.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

વારંવાર ઘરે આવી દુષ્કર્મ આચર્યું
એજાઝે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરીશ તેવો વાયદો કર્યો હતો. તે પછી એજાઝે વડોદરા આવવાનું શરૂ કર્યું હતું અને લગ્નની પ્રપોઝલ મૂકતાં મહિલાએ જણાવ્યું કે, હું પરિણીત છું અને મારે બાળકો છે. હું લગ્ન કરી શકીશ નહીં, આપણે મિત્ર બની શકીએ. જેથી એજાઝે કહ્યું કે, હું પતિથી છુટાછેડા અપાવી દઇશ અને તારાં બાળકોનો સ્વીકાર કરીશ. એજાઝે વારંવાર મહિલાના ઘેર આવી દુષ્કર્મ કર્યું હતું. તેને સયાજીગંજની ચંદન હોટલમાં લઇ જઈ વારંવાર દુષ્કર્મ કર્યું હતું. એજાઝ તેના સુરતના ઘેર લઇ ગયો હતો, જ્યાં પણ મહિલા પર એજાઝે દુષ્કર્મ કર્યું હતું.

વીડિયો વાઇરલ કરવા ધમકી આપી
ત્યારબાદ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરી હિન્દુ ધર્મ વિરુદ્ધ ટીપ્પણી કરી માર માર્યો હતો તથા બ્લેકમેઇલ કરી ફોટા-વીડિયો વાઇરલ કરવા ધમકી આપી હતી. સિટી પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, એજાઝ શેખ જામનગર એસઆરપીમાં ફરજ બજાવે છે. તે સ્થળે તપાસ કરાતાં તે રજા પર ઊતરી ગયો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ આરોપીઓને શોધવા સુરત ગઇ હતી, પણ ખાલી હાથે પરત ફરી હતી.

એજાઝે મહિલાને કહ્યું, ફક્ત અલ્લાહનું નામ લેવાનું
મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, 11 મહિના સુધી એજાઝ તેને સયાજીગંજની ચંદન હોટલમાં લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. તેણે હોટલમાં ઓળખપત્ર રજૂ કર્યું ત્યારે તેને જાણ થઇ હતી કે, એજાઝ મુસ્લિમ છે. તેણે જણાવ્યું હતું કે, હું ભલે મુસ્લિમ છું પણ હિન્દુ ધર્મ અપનાવીશ. હું અનીલ પરમાર તરીકે જ બધે ઓળખાઉં છું તેવો મહિલાને ભરોસો આપ્યો હતો.

કુરાનના કલમા પઢવા કહ્યું
મહિલાએ પોલીસ સમક્ષ આરોપ લગાવ્યો હતો કે, તે જ્યારે સુરત એજાઝના ઘેર ગઇ ત્યારે તેને એજાઝ અને તેના પરિવારે જણાવ્યું હતું કે, તારે હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે અને બુરખો પહેરી કુરાનના કલમા પઢવા પડશે. તારે ઘરમાં રહેવું હોય તો માતાજી કે ભગવાનનું નામ લેવાનું નહીં, ફક્ત અલ્લાહનું નામ લેવાનું. એજાઝ અને તેના પરિવારે તેને પોલીસની ઓળખ આપી માર માર્યો હતો.

મહિલા પાસેથી આર્થિક મદદ મેળવતો હતો
એજાઝે મહિલાને જણાવ્યું હતું કે, તારા જેવી તો 6 હિન્દુ છોકરીને ફસાવીને સંબંધ બાંધ્યા છે અને તમામ લગ્ન કરવા તૈયાર છે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તે હિન્દુ છોકરીઓને બ્લેકમેઇલ કરી ફોટા વાઇરલ કરવાની ધમકી આપી પૈસા પડાવે છે. એજાઝે મહિલા પાસેથી 20 હજારના 2 ફોન પણ ગિફ્ટ તરીકે મેળવ્યા હતા અને આર્થિક મદદ પણ મેળવી હતી.

મહિલાનો ઘર સંસાર તોડી પોતે એસઆરપીમાં હોવાનું જણાવ્યું
મહિલાએ પોલીસને માહિતી આપી કે, એજાઝે તેના પતિને પણ સંબંધની જાણ કરી દેતાં તેનો ઘર સંસાર તૂટી ગયો હતો. મહિલાએ પતિને જાણ કરવા બાબતે ના પાડતાં તેણે જણાવ્યું કે, આપણે લગ્ન કરવાના છીએ, જેથી તારો સંસાર તોડવો જરૂરી છે. મહિલાનું ઘર તૂટતાં તેણે તેના પરિવાર પાસે લઇ જવાનું કહેતાં એજાઝે કહ્યું કે, હું એસઆરપીમાં નોકરી કરું છું, મારી ફરતી નોકરી છે. તેના ઘેર લઇ જતાં તેના પરિવારે કહ્યું કે, તમારે જે રીતે લગ્ન કરવા હોય તે રીતે કરી શકો છો.

કોઈ દબાણ થયું ન હોવાથી લવ જેહાદનો ગુનો ન નોંધાયો
આ બનાવ સંદર્ભે ડીસીપી લખધીરસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ફરિયાદ મુજબ મહિલાને ધર્મ માટે કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. તેથી લવ જેહાદ મુજબ ગુનો નોંધવામાં આવ્યો નથી. પરંતુ આ બનાવની તપાસ દરમિયાન આ પ્રકારની કોઈ હકીકત બહાર આવશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.