નિર્ણય:વડોદરા આસપાસનાં 14 ગામમાં 5 મે સુધી સ્વયંભૂ લોકડાઉન લાગુ

વડોદરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામોમાં માત્ર જીવન જરૂરી ચીજ-વસ્તુઓની દુકાનો ખુલ્લી રખાશે
  • ગ્રામજનો બપોરે 1 થી 2 વાગ્યા દરમિયાન દુકાનો બંધ કરી કોરોનાની ચેઈન તોડવા પ્રયત્ન કરશે

વડોદરા તાલુકાના 14 ગામોએ કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે 27 એપ્રિલથી 5 મે સુધી સ્વયંભુ લોકડાઉન જાહેર કર્યું છે. તમામ ગામોમાં બપોરે 1 થી 2 વાગ્યા વચ્ચે દુકાનો, લારી-ગલ્લા બંધ કરવા અપીલ કરાઈ છે. જ્યારે ગ્રામજનોને ઘરોમાંથી બહાર ન નીકળવા ગ્રામપંચાયતો અને સરપંચો દ્વારા અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, શહેર બાદ ગામડાઓમાં પણ કોરોનાએ પગપેસરો કરતા સંક્રમણ વધ્યું છે. તેવામાં તાલુકાના આરોગ્ય કેન્દ્રોમાં પણ કોરોના સંક્રમીત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે ગ્રામજનોએ સ્વયંભુ લોકડાઉન જાહેર કરીને કોરોના સંક્રમણની ચેઈન તોડવા પ્રયાસ કર્યો છે.

નંદેસરી ગામના સરપંચ દિલીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સોમવારના રોજ નંદેસરી, રૂપાપુરા, દામાપુરા, રઢીયાપુરા, રામગઢ, અનગઢ અને કોટના ગામના સરપંચો ભેગા થઈને 27 એપ્રિલથી 5 મે સુધી સ્વયંભુ લોકડાઉન કરવા નિર્ણય કર્યો હતો. આ નિર્મણયમાં ગ્રામજનો અને વેપારીઓનો પણ સહકાર મળ્યો છે. ઉપરોક્ત ગામમાં સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. જ્યારે બપોરે 2 વાગ્યા બાદ દુકાનો, લારી-ગલ્લા બંધ થઈ જશે. માત્ર દવાની દુકાનો, ડેરી જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાન નિયમોનુસાર ખુલ્લી રહેશે.

બીજી તરફ ઉંડેરાના સરપંચ જયેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે, ઉંડેરા, કરોડિયા, કોયલી, કરચીયા, બાજવા, રણોલી અને ધનોરા ગામોમાં સરપંચોએ ભેગા મળીને 27 એપ્રિલથી 5 મે સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. અમારા ગામોમાં પણ કોરોના સંક્રમણ વધી જતા સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. ત્યારે ઉપરોક્ત ગામોમાં બપોરે 12 થી 1 વાગ્યા વચ્ચે દુકાનો બંધ કરી દેવામાં આવશે. અને ગ્રામજનોને સ્વયંભુ લોકડાઉનમાં સાથ-સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

9 એસોસિયેશનની 3 હજારથી વધુ દુકાન સ્વૈચ્છિક બંધ રખાશે
કોરોનાને રોકવા શહેરનાં 9 એસોસિયેશને 5 મે સુધી બપોરે 3 વાગ્યા બાદ દુકાનો સ્વૈચ્છિક બંધ કરી દેવાનું નક્કી કર્યું છે. જેને પગલે 3 હજાર જેટલી દુકાનો બપોરે 3 વાગ્યા બાદ બંધ કરશે. વેપાર વિકાસ એસો.ના સભ્ય પરેશ પરીખે જણાવ્યું કે, વિવિધ એસોસિયેશન અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખવા આગળ આવ્યાં છે. મશીનરી મીલ જીન મર્ચન્ટ એસો.ના પ્રમુખ વ્રજેશ પટેલે જણાવ્યું કે, લહેરીપુરા ન્યૂ રોડ, સંતકબીર રોડ અને બરાનપુરા સ્થિત 250 વેપારી 28મીથી 5 મે સુધી બપોરે 3 બાદ દુકાનો બંધ કરશે.

સંતકબીર રોડ ટાઈલ્સ માર્કેટ અને સોમા તળાવ ટિમ્બર માર્કેટના વેપારી 26મીથી 2 મે સુધી બપોરે 1 વાગ્યે દુકાનો બંધ કરી દેશે. વેલ્ડિંગ મર્ચન્ટ એસો. 28મીથી 5 મે સુધી બપોરે 3 પછી દુકાનો બંધ કરશે. ઈલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર એન્ડ મર્ચન્ટ એસો., બરોડા ઓપ્ટિકલ એસો., બરોડા સેનેટરી એસો. 28મીથી 5 મે સુધી 3 વાગ્યે દુકાન બંધ કરશે. બરોડા ટાઈલ્સ એન્ડ માર્બલ એસો. 26મીથી 2 મે સુધી બપોરે 3 વાગ્યે, જ્યારે મંગળ બજાર ઈલેક્ટ્રિક એસો. 27મીથી 3 મે સુધી બપોરે 3 વાગ્યા બાદ દુકાન બંધ કરશે.

અન્ય સમાચારો પણ છે...