તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરાના ગોત્રી વિસ્તારમાં મંગળવારે પુત્રએ માતાની ઘાતકી હત્યા કરીને લાશને સળગાવી નાખવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. હત્યા કર્યા બાદ પુત્ર દિવ્યેશે જણાવ્યું હતું કે 'મારામાં શંકર ભગવાન આવી ગયા છે, એટલે મારાથી તેને ઘરમાં ના રખાય, એટલે મેં મારી નાખી' અને 'સપનામાં પપ્પા આવ્યા હતા અને કહ્યું, મમ્મીને ઉપર મોકલ એટલે મેં તેને મારી નાખી'. માતાની હત્યા કરનાર દિવ્યેશના વર્તન પરથી તે સ્કિઝોફ્રેનિયાનો દર્દીને એવું લાગે છે. સ્કિઝોફ્રેનિયા એક સિરિયસ ડિસઓર્ડર છે, જે વ્યક્તિનાં વિચાર, લાગણી અને વર્તન પર અસર કરે છે. જે વ્યક્તિને આ રોગ હોય છે તે વાસ્તવિક દુનિયા અને કાલ્પનિક દુનિયા વચ્ચેનો ભેદ સમજતી નથી.
સ્કિઝોફ્રેનિયાના દર્દીને એવું લાગે છે કે તેમને કોઈ હુકમ કરે છેઃ મનોચિકિત્સક
વડોદરા શહેરના મનોચિકિત્સક ડો.યોગેશ પટેલે જણાવ્યું હતું કે સ્કિઝોફ્રેનિયાના લક્ષણવાળા દર્દીઓને લાગે છે કે કોઇ તેની સાથે વાત કરી રહ્યું છે અને કામ કરવાનો હુકમ કરી રહ્યું છે. આવા દર્દીઓને આ પ્રકારના ગેબી અવાજ સંભળાય છે.
સ્કિઝોફ્રેનિયાના દર્દીનાં લક્ષણો
-હેલુસિનેશન એટલે કે આવી વ્યક્તિને ભ્રમ પેદા થાય છે. જે અવાજ હોય જ નહીં એ અવાજો તેને સંભળાયા કરે છે. ખાસ કરીને માણસોના અવાજો જ તેને સંભળાય છે. આવા લોકોને લાગે છે કોઈ તેને બોલાવે છે, કોઈ તેને કંઈક કહે છે, કોઈ તેના પર બૂમો પડે છે વગેરે...
-ફક્ત અવાજ જ નહીં, આવી વ્યક્તિને ભ્રમમાં લોકો દેખાય પણ છે, જે ત્યાં ન હોય પણ તેમને દેખાતા હોય. રાત્રે સૂતી વખતે સપનામાં નહીં, પરંતુ દિવસે જાગતી હોય ત્યારે વ્યક્તિ પૂરી ભાનમાં હોય ત્યારે તેની સાથે આવું બને છે.
-આવી વ્યક્તિ તેની આ કાલ્પનિક દુનિયાથી ડરતી હોય છે. કોઇ તેને મારી દેશે કે કોઈ તેને પકડી લેશે કે કાલે દુનિયા સમાપ્ત થઈ જશે, જેવા અલગ-અલગ ડર તેને સતાવતો હોય છે. તે બહાર જાય તો તેને લાગે છે કે બધા તેને જ જુએ છે. એને કારણે તે બહાર જતી નથી અને ઘરમાં બંધ રહે છે. ક્યાંક પોલીસ જુએ તો તેને લાગે કે તે તેને જ પકડવા આવી છે.
-ભ્રામક, કાલ્પનિક ઘણીબધી વાતો એ વ્યક્તિ કરતી હોય છે, કારણ કે તેણે પોતાની અંદર જ એક બીજી દુનિયા બનાવી હોય છે, જે વાસ્તવિક દુનિયાથી પર હોય છે.
સ્કિઝોફ્રેનિયાના દર્દીમાં જોવા મળતાં ચિહનો
-સામજિક સંબંધો ત્યજી દેવા
-શત્રુતા અથવા વહેમી
-વ્યક્તિગત સ્વચ્છતામાં બગાડ
-તાકીને કે ભાવ વિના સીધા જ જોવું
-બિનજરૂરી હાસ્ય અથવા રુદન
-ઉદાસીનતા
-વિચિત્ર અથવા અસંગત વિધાનો
-શબ્દોનો વિચિત્ર ઉપયોગ અથવા બોલવાની વિચિત્ર રીત
-ઊંઘ ના આવવી
-પોતાની જાત સાથે વાત કરવી અથવા પોતાની જાત સાથે જ હસવું
દારૂ પીવા બાબતે ઝઘડો થતાં પુત્રએ માતાની હત્યા કરી હતી
વડોદરાના ગોત્રી વિસ્તારના અંબિકાનગરની પાછળ આવેલા જય અંબેનગરમાં માતા-પુત્ર એકલાં રહેતાં હતાં. 27 વર્ષીય પુત્ર દિવ્યેશ સરદારસિંહ બારિયા છૂટક ડ્રાઇવિંગ કરતો હતો અને 50 વર્ષીય માતા ભીખીબેન બારિયા ઘરકામ કરતી હતી. સોમવારે રાત્રે માતા અને પુત્ર વચ્ચે દારૂ પીવા બાબતે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પુત્રએ માતાના છાતીથી પેટ સુધી કાચનો ટુકડાથી હુમલો કરી દીધો હતો, જેમાં માતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતું, ત્યાર બાદ ઘટના પાછળ ઢાંકપિછોડો કરવા પુત્રએ ઘરના પાછળના ભાગે આવેલા ખુલ્લા મેદાનમાં માતાની લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાર બાદ માતાની લાશ પાસે જ ઊભો રહી ગયો હતો અને ઓમ નમઃ શિવાયના જાપ કર્યા હતા.
આરોપી મેન્ટલી ડિસ્ટર્બ હોવાનું લાગી રહ્યું છેઃ પીઆઇ
ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.વી.ચૌધરીએ જણાવ્યું હતું કે દિવ્યેશને દારૂનો નશો કરવાની ટેવ છે, એ બાબતે માતા સાથેના ઝઘડામાં તેણે હત્યા કરી હતી. હત્યામાં ઉપયોગમાં લેવાયેલા કાચના ટુકડા પણ મળ્યા છે અને તેના હાથ ઉપરથી લોહીના નિશાન પણ મળ્યા છે. તે મેન્ટલી ડિસ્ટર્બ હોવાનું લાગી રહ્યું છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.