દેહદાન:છોટાઉદેપુરમાં પિતાની ઈચ્છા દીકરાએ પૂર્ણ કરી, 84 વર્ષે નિધન થતાં મૃતદેહ મેડિકલ કોલેજને દાન કરાયો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિક્ષક તરીકે આજીવન માર્ગદર્શન આપનારના દેહદાને નવી જનજાગૃતિ ફેલાવી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
શિક્ષક તરીકે આજીવન માર્ગદર્શન આપનારના દેહદાને નવી જનજાગૃતિ ફેલાવી છે.(ફાઈલ તસવીર)
  • 2019માં જ દેહદાન માટે ફોર્મ ભરવામાં આવ્યું હતું

શહેર બાદ દેહદાન પ્રત્યે હવે ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ધીમે ધીમે જાગૃતિ આવી રહી હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી દેહદાન કરવામાં આવ્યું હોવાનો પ્રથમ કિસ્સો છોટાઉદેપુર ખાતે બનવા પામ્યો હતો. નિવૃત શિક્ષક પિતાનું અવસાન થતાં તેમની દેહદાન કરવાની અંતિમ ઈચ્છા પુત્રએ પૂર્ણ કરી હતી. સયાજી હોસ્પિટલના સંલગ્ન મેડિકલ કોલેજમાં દાન કરી પુત્રએ પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી છે.

પરિવારની પહેલને બિરદાવાઈ
છોટાઉદેપુર ખાતેના મણિયાર ફળિયું ખાતે રહેતા નિવૃત શિક્ષક ઉ.વ.84નું કુદરતી મોત થતા તેમના દેહને સયાજી હોસ્પિટલના સંલગ્ન મેડિકલ કોલેજમાં દાન કરી પુત્રએ પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી છે.આ વેળાએ મેડિકલ કોલેજના એનેટોમી વિભાગના વડા તેમજ વિદ્યાર્થીઓએ ભેગા થઈ બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે સાથે પરિવારના સભ્યોની આ પહેલને બિરદાવી હતી.

બે વર્ષ અગાઉ જ તૈયારી દર્શાવેલી
છોટાઉદેપુર ખાતેના મણિયાર ફળિયામાં રહેતા 84 વર્ષીય નાનુભાઈ ભાઈલાલભાઈ બારીયા તાલુકા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. સેવા નિવૃત થયા બાદ નિવૃત્તમય જીવન પસાર કરતા હતા.તેમને સંતાનમાં ત્રણ પરણિત પુત્ર છે. આ અંગે માહિતી આપતા તેમના પુત્ર હર્ષદભાઈ એ જણાવ્યું હતું કે મારા પિતા નાનુંભાઈ પહેલેથી જ સાદગીભર્યું જીવન ગુજારતા હતા. વર્ષ 2015માં તેમણે કોઈ જગ્યાએ છાપામાં દેહદાન વિશે વાંચ્યું હોવાથી તેમને પણ અવસાન બાદ પોતાનો દેહ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઉપયોગી થાય તે માટે દેહદાન કરવાની તૈયારી દર્શાવી હતી અને આ વાત પરિવારમાં ખાલી મને જ કરી હતી.અને તારે જ કરવાનું છે મારા અવસાન પછી તેમ જણાવ્યું હતું.જેથી વર્ષ 2019માં દેહદાન માટે સયાજી હોસ્પિટલના મેડિકલ કોલેજમાં દેહદાન કરવા માટે ફોર્મ ભર્યું હતું.

પિતાની ઈચ્છા પૂર્ણ કરી
આજે મારા પિતાનું અવસાન થતાં તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે અમે તેમના મૃતદેહને અમે ડોનેટ કરવા માટે સયાજી હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબો દેહદાનની પ્રક્રિયા હાથધરી હતી.જ્યારે એનેટોમી વિભાગના વડા ડોક્ટર વી.એચ.વાણીયા સહિત તબીબો અને વિદ્યાર્થીઓએ ભેગા મળી બે મિનીટનું મૌન પાડી મારા પિતા સ્વ: નાનુભાઈને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી.જ્યારે દેહદાન આપી ઘણું જ ઉમદા અને અનમોલ કાર્ય બદલ મેડિકલ કોલેજના એનેટોમી વિભાગના વડાએ પરિવારજનોની આ પહેલને બિરદાવી હતી.અત્રે નોંધનીય છે કે અત્યારસુધી અનેક પ્રકારના દાન કરવાના કિસ્સાઓમાં શહેરમાંથી દાન કરવામાં આવ્યું છે.પરંતુ સર્વ પ્રથમ વખત ગ્રામ્ય વિસ્તારમાંથી દેહદાન કરવામાં આવ્યું હોવાનો પ્રથમ કિસ્સો વડોદરામાં બનવા પામ્યો હતો.