હુમલો:વડોદરાના કોયલીમાં 10 લાખ રૂપિયા માટે મકાન વેચવાની માંગ ન સ્વીકારતા પુત્રએ માતા-પિતા સહિત 3 લોકો સાથે મારામારી કરી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જવાહરનગર પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર) - Divya Bhaskar
જવાહરનગર પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)
  • ઘરમાં એ.સી., આર.ઓ. સહિના સામાનની તોડફોડ કરી
  • બંને પક્ષે સામસામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી

વડોદરા શહેરના કોયલી ગામ ખાતે 10 લાખ રૂપિયા માટે માતા-પિતાને મકાન વેચવા દબાણ કરતા પુત્રની માંગ ન સ્વીકારતા પુત્રએ માતા-પિતા સહિત 3 લોકો ઉપર હુમલો કરી ઘરમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. માતાની ફરિયાદના આધારે પોલીસે પુત્ર તથા વહુ વિરૂદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં હતા. તો પુત્રએ પણ પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તે દિશામાં પણ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પુત્રએ મકાન વેચીને 10 લાખ રૂપિયાની માંગણી કરી
વડોદરા શહેરના છેવાડે આવેલા કોયલી ગામ ખાતે રહેતા 62 વર્ષીય લીલાબેન ગવડા રહે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, મારા પતિ આઈપીસીએલ કંપનીમાંથી નિવૃત્ત થયા બાદ નિવૃત્ત જીવન ગુજારે છે, જ્યારે ખેતી કામ કરતો મારો દીકરો મહેશ તેની પત્ની જ્યોત્સના સાથે નજીકમાં અલગ રહે છે. મહેશ તથા તેની પત્ની અવારનવાર અમારા ઘરે આવી ઝઘડો કરે છે અને મકાન વેચી 10 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યો છે.

ઘરમાં એ.સી., આર.ઓ. સહિના સામાનની તોડફોડ કરી
ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, અગાઉ અનેક વખત તકરાર થઇ હતી. પરંતુ, પુત્ર તથા વહુના કારણે ફરિયાદ કરી ન હતી. 4 માર્ચના રોજ મારો પુત્ર અને વહુ અમારા ઘરે આવ્યા હતા અને મકાન વેચી 10 લાખ રૂપિયાની માંગણી કરી અપશબ્દો કહ્યા હતા. આ દરમિયાન અપશબ્દો બોલવાની ના પાડતાં પુત્રએ ઉશ્કેરાઈ જઈ માતા-પિતા સહિત ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. અને ઘરમાં એ.સી., આર.ઓ અને બારીના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું. અને જો પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

દીકરાએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી
સામા પક્ષે મહેશે ફરિયાદ નોંધાવી હતી કે, મારા દીકરાને માતા-પિતાના ઘરે હાથ ઉછીના ઘર ખર્ચ માટે નાણાં લેવા મોકલ્યો હતો. પરંતુ, મારા પિતાએ મારા દીકરાને રૂપિયા નહીં આપી અપમાન કર્યું હતું. જેથી મારા હકની મિલકતના હિસ્સા માટે વાત કરતા પિતા ગુસ્સે ભરાયા હતા અને અપશબ્દો બોલી ડંડા વડે માર માર્યો હતો. આ બનાવ અંગેની ફરિયાદ જવાહરનગર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.