ક્રાઇમ:પુત્રવધૂને તેડી લાવવાની તકરારમાં પિતાએ લાકડી મારતાં પુત્રનું મોત

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વરણામાના સલાડમાં લાકડીની ખીલી માથામાં ઘૂસી ગઈ, પિતાની ધરપકડ

વરણામાના સલાડ ગામ ખાતે રહેતા પિતા અને પુત્રનો પુત્રવધૂને ઘરે લઈ આવવા બાબતે ઝઘડો થતાં પિતાએ પુત્રની હત્યા કરી દીધી હતી. બીજા પુત્રે પિતા વિરુદ્ધ ભાઈની હત્યા અંગે ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પિતાની ધરપકડ કરી છે.વરણામાના સલાડમાં રહેતા જયંતીભાઈ જોષી ખેતીવાડી કરે છે. તેમનાં સંતાનો પૈકી બ્રિજેશભાઈ પરીણિત છે. જોકે પત્ની સાથે ખટરાગ થતાં 3 વર્ષ પહેલાં તે પુત્રીને લઈ પિયર જતી રહી હતી. આ બાબતે બ્રિજેશ અને જયંતીભાઈનો વારંવાર ઝઘડો થતો હતો. બ્રિજેશ પિતાને કહેતો કે, પત્ની અને દીકરીને કેમ લઈ આવતા નથી.

જોકે પુત્રવધૂ જાતે જતી રહી હોવાથી જયંતીભાઈ તેડવા જતા નહોતા. બુધવારે આ અંગે તકરાર થતાં બ્રિજેશે પિતાને છુટ્ટો ફોન માર્યો હતો. જેથી પિતાએ સ્વબચાવ માટે લાકડી લીધી હતી. બ્રિજેશ લાકડી મેળવવા પ્રયત્નો કરતો હોવાથી જો લાકડી તેની પાસે આવી જશે તો તે મારશે તેવું જયંતીભાઈને લાગતાં તેમણે 4 વાર બ્રિજેશને માથામાં લાકડી મારી હતી. લાકડીમાં ખિલ્લી હોવાથી તે બ્રિજેશના માથામાં ઘૂસી જતાં લોહીનો ફુવારો છૂટ્યો હતો અને તે ઢળી પડ્યો હતો. થોડા સમયમાં વિજય આવી જતાં બ્રિજેશને હોસ્પિટલમાં ખસેડાયો હતો,જ્યાં તેને મૃત જાહેર કર્યો હતો.

બ્રિજેશ કોઈ કામ-ધંધો કરતો નહોતો
બ્રિજેશ કોઈ કામકાજ કરતો નહોતો અને આખો દિવસ ઘરે રહેતો હતો. જેને કારણે પિતા-પુત્ર વચ્ચે નાની-નાની બાબતોમાં પણ તકરાર થતી હતી, જેના કારણે બંને વચ્ચે તણાવ રહેતો હતો.

અન્ય સમાચારો પણ છે...