વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી એમ.ઇ.એસ. બોયઝ હાઇસ્કૂલ સહિત શહેરની 4 સરકારી સ્કૂલોમાં સોલર સિસ્ટમ લગાવવાથી વાર્ષિક રૂપિયા 6 લાખ બચત થશે. આર્ચ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અને એલ.એન્ડ ટી. ટેકનોલોજી સર્વિસીસ દ્વારા ઇકો સ્કૂલ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ચાર સ્કૂલોમાં સોલર સિસ્ટમ મુકવામાં આવી છે. આ સ્કૂલોમાં વીજળીની બચત થશે અને સાથે સાથે સ્કૂલોમાં પર્યાવરણ લક્ષી પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે.
4 સ્કૂલોમાં સોલર પ્રોજક્ટ શરૂ કરાયા આર્ચ ફાઉન્ડેશનના ડાયરેક્ટર નિશાંત શાહે જણાવ્યું હતું કે, વર્ષ-2021થી વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં આવેલી એમ.ઇ.એસ. બોયઝ હાઇસ્કૂલ, પ્રતાપનગર રોડ પર આવેલી સ્વામી વિદ્યાનંદજી વિદ્યા વિહાર, ગીતામંદિર, સુભાનપુરા ખાતે આવેલી સી.એચ. વિદ્યાલય અને ગોત્રી-ભાયલી રોડ ઉપર આવેલી શ્રી પ્રગતિ વિદ્યાલયમાં ઇકો સ્કૂલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવેલ છે. પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શાળાઓની ભાગીદારી અને ખાસ કરીને વિદ્યાર્થીઓ ક્રિયાત્મક, પ્રવૃત્તિલક્ષી અને શીખવાની પદ્ધતિમાં ફેરફાર કરીને પર્યાવરણીય સમસ્યાના ઉકેલ માટે યોગદાન આપવાનો છે.
6 કે.વી.એ.નું ગ્રીડ લાઇન સોલર પેનલ લગાવાઇ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક શાળામાં નિઃશુલ્ક 6 કે.વી.એ.નું ગ્રીડ લાઇન સોલર પેનલ લગાવવામાં આવી છે. આથી દરેક શાળાનું વીજ ભારણ ઓછું થશે તે સાથે સ્કૂલની આવકમાં વધારો થશે. તે સાથે શાળામાં ઉદભવતા ઓર્ગેનિક ઘન કચરાના નિકાલ માટે ઓરબીન બીન યુનિટ મુકવામાં આવ્યું છે. ઓરબીન બીન દ્વારા ઓર્ગેનિક કચરાનું સેન્દ્રીય ખાતરમાં રૂપાંતર કરીને તેનો વપરાશ શાળાના બગીચાઓમાં કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટનું સંચાલન કરવા માટે દરેક શાળામાં ઇકોક્લબ કમિટીની રચના કરવામાં આવી છે.
વર્તમાન પરિસ્થિતિની માગ પર્યાવરણની રક્ષા કરવાની છે સી.ઇ.ઓ. સોનકી શાહે જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિની માગ પર્યાવરણની રક્ષા કરવાની છે. ત્યારે આગામી ટૂંક સમયમાં શાળાઓમાં પેપર બેંક પણ શરૂ કરવામાં આવશે. આવનારા સમયમાં વડોદરા અને તેની આસપાસની શાળાઓને પણ ઇકો સ્કૂલ તરફ લઇ જવાનું આયોજન છે. બાળકોને સ્કૂલમાંથી પર્યાવરણની રક્ષા કરવાનું જ્ઞાન આપવું હવેના સમયમાં ખૂબ જરૂરી થઇ ગયું છે.
સ્કૂલમાં પર્યાવરણલક્ષી કાર્યકર્મો કરવામાં આવશે ઇકો સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત એમ.ઇ.એસ. બોયઝ સ્કૂલના પ્રિન્સીપાલ એમ.એન. મલેક, સ્વામી વિદ્યાનંદજી વિદ્યાવિહાર, ગીતામંદિર સ્કૂલના પ્રિન્સીપાલ દશરથભાઇ એ. પટેલ, ગોત્રી રોડ સી.એચ. વિદ્યાલયના આસિસ્ટન્ટ ટીચર યશસ્વી ગજ્જર અને શ્રી પ્રગતિ વિદ્યાલય, ગોત્રી-ભાયલી રોડના આસિસ્ટન્ટ ટીચર એન.બી. પટેલે જણાવ્યું હતું કે, સોલાર પેનલ લાગવાથી અમારી સ્કૂલોમાં વાર્ષિક રૂપિયા 1.50 લાખની બચત થશે. તે સાથે બચત થયેલી વીજળી જી.ઇ.બી.ને વેચવાથી સ્કૂલની આવકમાં વધારો થશે. બચત થનારી રકમમાંથી સ્કૂલમાં પર્યાવરણલક્ષી કાર્યકર્મો કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.