તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારિવારીક ઝઘડો:વડોદરા જિલ્લા SOG પીઆઇની રહસ્યમય રીતે ગુમ થયેલી પત્નીની 24 દિવસે પણ ભાળ નહીં, SDS ટેસ્ટ માટે પતિ અજય દેસાઇને અમદાવાદ લઈ જવાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુમ થયેલાં સ્વીટીબેન પટેલ. - Divya Bhaskar
ગુમ થયેલાં સ્વીટીબેન પટેલ.
  • અત્યાર સુધીમાં 8 જેટલી અનઆઇડેન્ટીફાઇ મહિલાઓની ડેડ બોડીની પણ તપાસ કરવામાં આવી

વડોદરા જિલ્લાના SOG PI અજય દેસાઇની પત્ની સ્વીટીબેન રહસ્યમય ગુમ થતા જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઘનિષ્ઠ શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ પી.આઇ. અજય દેસાઇનો પોલીગ્રાફી ટેસ્ટ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, વડોદરા જિલ્લા SOG પીઆઇ અજય દેસાઇ અને તેમના પત્ની સ્વીટીબેન મહેન્દ્રભાઇ પટેલ કરજણમાં રહે છે. સ્વીટીબેન (ઉં.37) ગત 6 જુનના રોજ પુત્રને મુકીને કોઇને પણ જાણ કર્યા વગર નિકળી ગયાં હતાં. સ્વીટીબેનની ઘર તથા આસાપાસ ભાળ નહિ મળતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પરંતુ 24 દિવસે પણ ભાળ મળી નથી. તેમજ પતિ અજય દેસાઈને SDS ટેસ્ટ માટે અમદાવાદ લઇ જવાયા છે.

વધુ તપાસના આદેશો છૂટતા જ તંત્ર હરકતમાં આવ્યું
આ ઘટનાના પાંચ દિવસ બાદ તા.11 જુનના રોજ સ્વીટીબેનના ભાઇ જયદિપ પટેલે (રહે.આણંદ) બપોરે કરજણ પોલીસ મથકમાં બહેન ગુમ થયાની જાણ કરી હતી. કરજણ પોલીસે બપોરે 3.50 કલાકે જયદીપ પટેલની ફરિયાદને આધારે જાણવા જોગ નોંધ દાખલ કરી હતી. કરજણ પોલીસને 24 દિવસથી સ્વીટીબેનનો કોઈ પત્તો મળી રહ્યો નથી. ઘટનાની જાણ થતા ગતરોજ ઉચ્ચ કક્ષાએથી મામલાની વધુ તપાસના આદેશો છૂટતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું.

અજય દેસાઇનો પોલીગ્રાફી ટેસ્ટ કરાવવાની સાથે વધુ કાર્યવાહી
સોમવારે પોલીસ દ્વારા SOG PI અજય દેસાઇનો પોલીગ્રાફી ટેસ્ટ કરાવવાની સાથે વધુ કાર્યવાહી કરવાની તેજ કરી દેવામાં આવી છે. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઇએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કરજણ ખાતે અજય દેસાઇના પત્ની 5 જુનના રોજ ગાયબ થયા હતા. ત્યારબાદ તેમના ભાઇએ પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપી હતી. સીસીટીવી તથા સંબંધિઓની તપાસ કરવામાં આવી રહી છે. તેની સાથે ગુજરાતમાં વણ ઉકેલાયેલી લાશોને ઉકેલવાની તજવીજ તેજ કરી દેવામાં આવી હતી. હાલમાં તમામ ટેક્નિકલ અને સર્વેલન્સની બાબતોની ઝીણવટભરી રીતે તપાસમાં આવી રહી છે. કરજણ સહિત આજુબાજુના વિસ્તારમાં ફિઝીકલ તપાસ તથા સોશિયલ મીડિયા પર સ્વીટીબેનની ભાળ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સત્યતા ચકાસવા માટે એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી
વધુમાં જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઇએ ઉમેર્યુ હતું કે, અજય દેસાઇએ આ મામલે આપેલા નિવેદનની સત્યતા ચકાસવા માટે એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી રહી છે. એસડીએસ ટેસ્ટ માટે અજય દેસાઇને અમદાવાદ ખાતે લઇ જવામાં આવ્યા છે. હાલના તબક્કે આ મામલે એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કવોડ કરજણ પોલીસ અને ડભોઇ ડીવીઝનના ડી સ્ટાફની વિવિધ ટીમો દ્વારા બનાવની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ અજય દેસાઇને લીવ રીઝર્વ પર મુકી દેવામાં આવ્યા છે.

અજય દેસાઇના વર્ષ 2015માં સ્વીટીબેન સાથે પ્રેમલગ્ન થયાં હતા
આ બનાવની તપાસ કરી રહેલા, ડીવાઇએસપી કલ્પેશ સોંલકીએ જણાવ્યું હતુ કે, કરજણ ખાતે રહેતા પોલીસ ઇન્સપેક્ટર અજય દેસાઇના વર્ષ 2015માં સ્વીટીબેન સાથે પ્રેમલગ્ન થયાં હતા. લગ્નજીવનમાં તેમને બે વર્ષનુ બાળક છે. અજય દેસાઇએ પ્રેમલગ્ન કર્યા હોવાથી ઘરમાંથી નાની-મોટી બાબતે તું તું મેં મેં લાંબા સમયથી ચાલી રહી હતી. દરમિયાન ગત તા. 5 જૂનના રોજ સવારે સાડા આંઠ વાગ્યાના અરસામાં અજય દેસાઇએ ઘરમાં જોયું ત્યારે તેમના પત્ની સ્વીટીબેન જોવા મળ્યાં ન હતા. જેથી તેમણે શોધખોળ કરી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો.

પરિવારના સભ્યોના નિવેદન લેવામાં આવ્યાં હતા.
DYSP કલ્પેશ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, લાંબા સમય સુધી શોધખોળ કર્યા બાદ પરિવારને સ્વીટીબેનનો કોઇ પત્તો ન લાગતા આખરે તેમના ભાઇ દ્વારા ગત રોજ કરજણ પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયા અંગેની જાણવા જોગ અરજી આપવામાં આવી હતી. જેની તપાસ કરતા પોલીસ દ્વારા ઇન્સપેક્ટર અજય દેસાઇ સહિત પરિવારના સભ્યો તેમજ અન્ય લોકોના નિવેદન લેવામાં આવ્યાં હતા.

ઘર નજીક લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવશે
અત્યાર સુધીમાં 8 જેટલી અનઆઇડેન્ટીફાઇ મહિલાઓની ડેડ બોડીની પણ તપાસ કરવામાં આવી છે. તેમજ પોલીસની જુદી જુદી ટીમો દ્વારા અવાવરુ જગ્યા, હાઇવ પરના લારી-ગલ્લા, છકડા, ટ્રક ડ્રાઇવર, ધાર્મિક સ્થાનો પર તેમની તસ્વીર બતાવી તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ કોઇ ભાળ મળી નથી. આગામી દિવસોમાં તપાસ દરમિયાન સ્વીટીબેનના ઘર નજીક લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવશે. તેઓ એમ પણ જણાવ્યું કે, અત્યાર સુધીની તપાસમાં સ્વીટીબેનના ભાઇ તરફથી ઇન્સપેકટર અજય દેસાઇ સામે કોઇ શંકા વ્યક્ત કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...