ભાસ્કર એક્સલુક્ઝિવ:સોશિયલ મીડિયા વોર ભાજપની હરીફોની પોસ્ટ પર નજર,કોંગ્રેસની સ્થાનિક મુદ્દાઓને પ્રાધાન્યતા

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બંને પક્ષો દ્વારા પ્રચાર અને વિરોધીઓને જવાબ આપવા માટે ડિજિટલ ટીમ સક્રિય કરાઈ

શહેરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું રાજનૈતિક યુદ્ધ હવે હાઈટેક બન્યું છે. જેમાં બંને પક્ષો વચ્ચે સોશિયલ મીડિયા પર વોર શરૂ થયું છે. ભાજપે પ્રચાર અને હરીફ પાર્ટીઓના આક્ષેપનો જવાબ આપવા 30 સભ્યોને ટીમ તૈયાર કરી છે. બીજી તરફ કોંગ્રેસના પણ સ્થાનિક મુદ્દાઓ સાથે પ્રચારમાં ઝંપલાવ્યું છે.

જમીન પર લડાતું રાજનૈતિક યુદ્ધ હાઈટેક બન્યું
શહેરમાં 5મી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જેના પગલે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જોકે હવે જમીન પર લડાતું રાજનૈતિક યુદ્ધ હાઈટેક બન્યું છે. શહેર ભાજપે સોશિયલ મીડિયામાં હરીફ પક્ષો સામેની વોરમાં 30 સભ્યોની ટીમ ઉતારી છે. જે પ્રદેશ સ્તરેથી આવતા સ્ટીકર, રિલ વીડિયો, ફોટા વગેરેને વોર્ડની ટીમોને મોકલે છે. ત્યાંથી આ મટિરિયલ બૂથની ટીમને મોકલાય છે. જેઓ તેમના સોશિયલ મીડિયા ગ્રૂપમાં મોકલી વધુમાં વધુ મતદારો અને કાર્યકર્તાઓને મોકલે છે.

સોશિયલ મીડિયા ટીમ બનાવી
જ્યારે કોંગ્રેસના વિધાનસભા વાઇઝ ઉમેદવારની આઇટી ટીમ છે. જેમાં સયાજીગંજના ઉમેદવારે પોતાની ઓફિસમાં 5 સભ્યોની ટીમ બનાવી છે. જ્યારે અકોટા અને માંજલપુરના ઉમેદવારોની સંયુક્ત ટીમે પ્રચાર, ઢંઢેરા અને સ્થાનિક સમસ્યા લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું છે. બીજી તરફ રાવપુરાના ઉમેદવારે પોતાની સોશિયલ મીડિયા ટીમ બનાવી છે. વાડીના ઉમેદવાર હજી પ્લાનિંગ કરી રહ્યા છે.

ભાજપે હરીફ પર ત્રાટકવા ટીમ બનાવી, કોંગ્રેસની અલગ સ્ટ્રેટેજી
ભાજપની સોશિયલ વોર માટે 30 સભ્યોની ટીમ ઉપરાંત વિધાનસભા સ્તરે 10-10 સભ્યોની ટીમો કાર્યરત છે. આ ટીમમાં 5 સભ્યો એવા છે કે જેઓ હરીફ પાર્ટી તરફથી ફેલાવાતી અફવા, ગંદી ભાષા સહિતના કન્ટેન્ટ પર નજર રાખી કમેન્ટ કરે છે. જ્યારે કોંગ્રેસે આવી સ્ટ્રેટેજી બનાવી નથી. કોંગ્રેસની ટીમો દ્વારા જરૂર જણાય ત્યારે જ એટેક કરે છે. કોંગ્રેસે નેટવર્ક એવું બનાવ્યું છે કે જે સમસ્યા જે વિસ્તારની હોઈ ત્યાંના લોકો સુધી પોસ્ટ પહોંચે.

ટીમ છેલ્લાં 2 વર્ષથી કાર્યરત છે, હવે તેમની પરીક્ષા છે
છેલ્લાં બે વર્ષથી આ જ રીતે હાયરચી નેટવર્કથી કામગીરી થઈ રહી છે. જેમાં દર ત્રણ દિવસે નવા કેમ્પેઇન આવે છે. દર ત્રણ દિવસે રૂમ મિટિંગ થાય છે અને નવા આઈડિયા આવે છે. બે વર્ષની કામગીરી બાદ હવે 12 થી 15 જેટલા દિવસો બાકી છે ત્યારે આ ટીમની પરીક્ષા છે, જેમાં ટીમ 12 થી 15 કલાક કામ કરે છે. -સુમિત શાહ, કન્વીનર, મધ્ય ગુજરાત

કોંગ્રેસ હેસ ટેગનો ઉપયોગ કરી,રિલ-સ્ટોરી પણ મૂકે છે
કોંગ્રેસની અલગ-અલગ ઉમેદવારની ટીમો હાલમાં ચાલતા હેસ ટેગનો ઉપયોગ કરી પ્રચાર કરે છે. સામાન્ય રીતે વધુ પોસ્ટ કરતા અલગ-અલગ ગ્રાફિક, વીડિયો, રિલ અને સ્ટોરી વગેરેને સોશિયલ મીડિયા પર મૂકે છે. કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં વોટ્સએપ મારફતે પ્રચાર શરૂ કરવામાં આવશે. -અનુજ નગરશેઠ, મીડિયા પેનલિસ્ટ, કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...