હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરામાં ભરબપોરે પવન અને ગાજવીજ સાથે બરફના કરા સાથેનું માવઠું પડતા લોકોમાં દોડધામ થઇ હતી. 1 કલાકના માવઠામાં 12 મીમી પાણી ખાબક્યું હતું. શહેરના અલકાપુરી, દીવાળીપુરા, કારેલીબાગ સહિતના વિવિધ વિસ્તારોમાં 14 ઝાડ પડ્યાં હતા. જ્યારે બે સ્થળોએ ઝાડ પડતા વાહનો દબાયા હતા. વરસાદના પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા પીક અવર્સમાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી અને ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. ગોરવા-સુભાનપુરા અને અકોટા વાસણામાં મિનિટો સુધી વીજપુરવઠો ખોરવાયો હતો. હવામાન શાસ્ત્રીના મતે હજી શનિ-રવિએ સાંજે પણ વરસાદ પડી શકે છે.
શુક્રવારે બપોરે સવા બે વાગ્યે માવઠું શરૂ થયું હતું. કમાટીબાગ, છાણી, મકરંદ દેસાઇ રોડ, સેવાસી-ભીમપુરા રોડ સહિતના વિસ્તારોમાં કરા પડતાં આશ્ચર્ય ફેલાયું હતું. અડધો કલાક સુધી મેઘરાજાએ બેટિંગ કર્યા બાદ થોડી મિનિટો ઝરમર વરસાદ પડ્યો હતો. વરસાદ બાદ પવનના હળવા ઝાપટાંથી ઠંડક પ્રસરી ગઇ હતી. વરસાદના પગલે સાંજે બગીચાઓમાં પાંખી હાજરી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, દક્ષિણ ગુજરાતથી તમિલનાડુ સુધીના અસ્તવ્યસ્ત પવનો અને બંગાળની ખાડીના પવનોને લીધે બે દાયકા બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે.
રોગચાળો : મલેરિયા-ડેન્ગ્યૂ જેવા રોગો વકરવાની પરિસ્થિતિ
શહેરના નીચાણવાળા વિસ્તારોના રસ્તાઓ પર પાણીના ખાબોચિયા ભરાયા હતા. જેથી વાહનચાલકો હેરાન થયા હતા. તાંદલજાના કિસ્મત સર્કલ-દારૂલ ઉલુમ, ગોરવા દશામા ચોક, વડસર બ્રિજ, દીવાળીપુરા કોર્ટ સામે અને સયાજીગંજ પંચમુખી મહાદેવ મંદિર અને વિવિધ વિસ્તારોમાં સોસાયટીઓના રસ્તમાં પાણી ભરાયા હતા. જેનો નીકાલ નહીં થાય અને વાદળિયું રહેશે તો મેલેરિયા-ડેંગ્યૂ જેવા રોગો વકરે તેવી શક્યતા છે.
વીજળી: વીજ પુરવઠો ખોરવાતાં 30 હજાર નાગરિકો હેરાન
માવઠાને લીધે અકોટા-વાસણા, ગોરવા-સુભાનપુરા સબસ્ટેશનોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. જેથી ગોરવા-સુભાનપુરાના 30 હજાર લોકોને પોણો કલાક હેરાન થવું પડ્યું હતું. વીજ વિભાગને એક કલાકમાં 300 ફરિયાદો મળી હતી. કર્મીઓએ પહોંચી કામગીરી કરીને વીજપુરવઠો યથાવત કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
નુકસાન : 12 સ્થળોએ ઝાડ પડ્યાં, બે સ્થળે વાહન દબાયાં
કારેલીબાગના બુદ્ધદેવ ક્વાટર્સ, જૂના પાદરા રોડના ચરોતરપાર્કમાં ઝાડ પડતા કાર અને ટુ વ્હીલર્સ દબાયા હતા. સલાટવાડાના સરકારી સ્ટાફ ક્વાટર્સ, ઊંડેરા પેટ્રોલપંપ પાસેના સન રેસિડેન્સી, અલકાપુરી સીએચ જ્વેલરની ગલી, આર.સી.દત્ત રોડ, અરુણાચલ રોડ, સહયોગ, દીવાળીપુરા, આરાધના ડુપ્લેક્સ, લક્ષ્મીપુરા રોડ પર ઝાડ અને મીરા ચાર રસ્તે હોર્ડિંગ પડી ગયું હતું.
ઊંચાઇએ ઠંડા પવનથી પાણીનો બરફ બન્યો
હવામાન તજજ્ઞોના મતે જ્યારે નીચી ઊંચાઇએ આકાશમાં અતિશય ઠંડા પવનો ફૂંકાય ત્યારે વાદળોમાં જામેલું પાણી બરફ બને છે. આ જેનું વજન વધતાં ગુરુત્વાકર્ષણ બળથી તે ધરતી ઉપર કરા સ્વરૂપે પડે છે. હવામાનશાસ્ત્રી અંકિત પટેલ મુજબ બંગાળની ખાડીના, અરબ સાગરના ભેજવાળા પવનો અને રાજસ્થાનની પશ્ચિમેથી કચ્છ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે. જેથી આ વિસ્તારો વચ્ચે 9 કિમી ઊંચાઇએ વાદળોનો બ્લોક ફેલાઇ ગયો હતો. જેના પગલે આ માવઠું પડ્યું છે. જ્યાં સુધી આ સિસ્ટમ તૂટે નહીં ત્યાં સુધી આવો માહોલ રહેશે. અઠવાડિયા સુધી આ સમય લંબાય તેવી શક્યતાઓ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.