હવે ચોર પણ કારમાં આવે છે:વડોદરાના સાવલીમાં તસ્કરો કાર લઇને ચોરી કરવા પહોંચ્યા, દુકાનનું શટર તોડી 46 હજારની ચોરી કરી

વડોદરાએક મહિનો પહેલા
ચોરીની ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી
  • પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી

વડોદરા શહેર-જિલ્લામાં પોલીસ તંત્રના ધજાગરા ઉડાવી રહેલા તસ્કરો હવે બાઇકના બદલે કાર લઇને ચોરી કરવા માટે જઇ રહ્યા છે. વડોદરા જિલ્લા સાવલી ભાદરવા ચોકડી પાસે આવેલી એક દુકાનમાં ચોરી કરવા માટે 4 તસ્કરો કાર લઇને ગયા હતા. તસ્કરોએ દુકાનનું શટર તોડી દુકાનના ગલ્લામાંથી રૂપિયા 46 હજારની રોકડ ચોરી કરી ગયા હતા. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

તસ્કરોએ દુકાનને નિશાન બનાવી
સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સાવલી ભાદરવા ચોકડી પાસે ભાથીજી મંદિર પાછળ દિનેશભાઇ ઇશ્વરભાઇ ભોઇ રહે છે અને ભાદરવા ચોકડી પાસે શ્રી ખોડીયાર નામની અનાજ કરીયાણાની દુકાન ચલાવે છે. તેઓ ગત રાત્રે રાબેતા મુજબ પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. દરમિયાન મોડી રાત્રે તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ દુકાનનું શટર તોડી દુકાનના ગલ્લામાંથી રૂપિયા 46,000 રોકડા ચોરી કરી ગયા હતા.

CCTVની તપાસ કરતા તસ્કરો કારમાં આવ્યા હોવાનું જણાયું
સવારે દુકાને આવેલા દિનેશભાઇ ભોઇએ શટરના તાળાં તૂટેલા જોતા ચોંકી ઉઠ્યા હતા. ત્યાર બાદ દુકાનમાં જઇ ગલ્લામાં તપાસ કરતા ગલ્લામાં વકરાના મુકેલા રૂપિયા 46,000 રોકડ જણાઇ આવ્યા ન હતા. દરમિયાન આ બનાવની જાણ આસપાસના વિસ્તારમાં થતાં લોકો દોડી આવ્યા હતા. તે સાથે આ બનાવની જાણ સાવલી પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી. અને CCTV ફૂટેજ મેળવી તપાસ કરતા ચાર તસ્કરો નંબર પ્લેટ વગરની કાર લઇને ચોરી કરવા માટે આવ્યા હોવાનું જણાઇ આવ્યું હતું. તસ્કરો કાર લઇને આવ્યા હોવાની જાણ વિસ્તારમાં પ્રસરતા ચર્યાનો વિષય બન્યો હતો.

તસ્કરો પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે
નોંધનીય બાબત એ છે કે, 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી હોવાના કારણે પોલીસ બંદોબસ્તમાં હોવાથી કારમાં ચોરી કરવા માટે નીકળતી તસ્કર ટોળકીએ લાભ ઉઠાવ્યો હતો. જોકે, વડોદરા શહેર-જિલ્લામાં ચોરીના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. તસ્કરો પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે. સાવલીના ભાદરવા ચોકડી પાસે અનાજ કરીયાણાની દુકાનમાં થયેલી ચોરી અંગે સાવલી પોલીસે CCTV ફૂટેજના આધારે કારમાં ચોરી કરવા માટે આવેલા અજાણ્યા ચાર તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ સાવલી પોલીસ મથકના પીએસઆઇ એસ.જે. રાઠવા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...