તસ્કરોનો પોલીસને પડકાર:વડોદરા શહેર અને જિલ્લામાં 7 મકાનમાં તસ્કરો ત્રાટક્યા, સોના-ચાંદીના દાગીના સહિત 7.57 લાખની ચોરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં રોજે રોજ ચોરીઓ થતાં પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે

વડોદરા શહેર-જિલ્લામાં તસ્કરો પોલીસ તંત્રની ઊંઘ હરામ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરના ગોત્રી અને ડભોઇ તાલુકાના પલાસવાડામાં તસ્કરોએ વડોદરા શહેર-જિલ્લામાં તસ્કરો તાટક્યા હતા. વડોદરા શહેરમાં ગોત્રી અને હરણી વિસ્તારમાં તાળાં તોડી રૂપિયા 2.32 લાખ અને ડભોઇ તાલુકાના પલાસવાડા ગામમાં 5 મકાનોના તાળાં તોડી રૂપિયા 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી જતાં ચકચાર મચી ગઇ છે. સબંધિત પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ગોત્રીમાં 2.32 લાખની મત્તા ચોરી
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા મહિનગરમાં રહેતા વાલજીભાઇ સાવરીયા મંગળબજાર વિસ્તારમાં પથારો નાખી વેપાર કરે છે. 10 સપ્ટેમ્બરના રોજ તેઓએ ચાંપાનેર ગેટ પાસે રહેતા પુત્રના ઘરે રોકાણ કર્યું હતું. બીજા દિવસે સંબંધીએ દરવાજાનું તાળું તૂટેલુ હોવાની જાણ કરી હતી. બંધ મકાનનો લાભ ઉઠાવી ત્રાટકેલા અજાણ્યા તસ્કરો ઘરનો સામાન વેરવિખેર કરી તિજોરીમાંથી સોનાની સાંકડી વાળા સોનાના કાપ, સોનાની કડી, સોનાની વિંટી, સોનાની જડ, ચાંદીના છડા, ચાંદીનો ઝૂડો, ચાંદીના સિક્કા ચાંદીનો દોરો અને રોકડા રૂપિયા 50 હજાર મળીને કુલ 2.32 લાખની મત્તા ચોરી નાસી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે ફરિયાદના આધારે ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હરણીની રોઝ લેન્ડ રેસિડેન્સીમાં ચોરી
બીજા બનાવમાં હરણી સમા રોડ ઉપર આવેલા રોઝ લેન્ડ રેસિડેન્સીના મકાન નંબર સી-101માં ત્રાટકેલા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા છે. મકાન માલિક હાલ નાસિક ગયા હોવાથી તેઓના આવ્યા બાદ ચોક્કસ માહિતી બહાર આવશે. હાલ સમા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

પલાસવાડા ગામમાં ચોરી
ડભોઇ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પલાસવાડા ગામમાં રહેતા ચંદુભાઇ બાબુભાઇ પટેલ અને તેમના પત્ની મંજુલાબહેન 11 સપ્ટેમ્બરના રોજ વડોદરાના વાઘોડિયા રોડ ઉપર નિરાંત રેસિડેન્સીમાં રહેતા પુત્ર હિતેષભાઇના ઘરે આવ્યા હતા. દરમિયાન તેમના પાડોશીએ ઘરના તાળાં તૂટેલા હોવાના સામાચાર આપતા તુરંત જ તેઓ પુત્રને લઇ પલાસવાડા આવી પહોંચ્યા હતા. પલાસવાડા પહોંચ્યા બાદ ઘરમાં તપાસ કરતા તિજોરીનો સામાન વેરવિખેર હતો.

3.37 લાખની ચોરી કરીને તસ્કરો ફરાર
તિજોરીમાં વધુ તપાસ કરતા તેમાંથી સવા તોલાની સોનાની ચેઇન, અડધા તોલાની સોનાની બે બુટ્ટી, અઢી તોલાની સોનાની જળ માળા, ચાર સોનાની વીંટી, ચાંદીના 15 સિક્કા તેમજ રોકડ રૂપિયા 97,000 જણાયા ન હતા. દરમિયાન આ બનાવની જાણ ડભોઇ પોલીસને કરતા તુરંત જ પોલીસ દોડી આવી હતી. ચંદુભાઇ પટેલે પોલીસની પૂછપરછમાં તસ્કરો રૂપિયા 3,37,250 નો મુદ્દામાલ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.

કેટલાક મકાનમાંથી મળ્યા
પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. તસ્કરોએ ચંદુભાઇ પટેલના મકાન ઉપરાંત પાડોશી અતુલભાઇ પટેલ, ચિમનભાઇ મણીભાઇ પટેલના બંધ મકાનના તાળાં તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓના મકાનમાંથી તસ્કરોને કંઇ હાથ લાગ્યું ન હતું.

સોના-ચાંદીના દાગીના સહિત 1.88 વાખની ચોરી
આ ઉપરાંત તસ્કરોએ 11 સપ્ટેમ્બરની રાત્રે પલાસવાડા ગામમાં જ રહેતા પારૂલબહેન મહેન્દ્રભાઇ મહંતના મકાનને નિશાન બનાવ્યું હતું. પારૂલબહેન વડોદરા ખાતે હોસ્પિટલમાં દાખલ કરેલા હોવાથી હોસ્પિટલમાં આવ્યા હતા. સવારે ઘરે જતા હતા. તે સમયે તેઓને તેમના ભાભીએ ફોન કરીને મકાનના તાળાં તૂટેલા હોવાનું જણાવ્યું હતું. હાંફળા-ફાંફડા ઘરે પહોંચેલા પારૂલબહેને ઘરે જઇ તપાસ કરતા તસ્કરો સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા 43 હજાર મળી કુલ રૂપિયા 1,88,250 નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આ સાથે તસ્કરોએ તેમના ઘરની નજીકમાં રહેતા હરેશભાઇ બુધ્ધીસાગર પટેલના મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...