મંદિરમાં ચોરી:વડોદરા પાસે મહીસાગર નદીના કિનારે શત્રુગ્ની માતાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું, મુકુટ સહિત 48 હજાર રૂપિયાના આભૂષણોની ચોરી

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાવલી પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર - Divya Bhaskar
સાવલી પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
  • માતાજીના 200 ગ્રામ વજનના ચાંદીના મુકુટ સહિત 48 હજારની મત્તાની ચોરી કરીને તસ્કરો ફરાર

સાવલી તાલુકાના લાંછનપુર ગામ પાસે મહીસાગર નદીના કિનારે આવેલા શત્રુગ્ની માતાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવી મંદિરમાંથી 48 હજાર રૂપિયાના આભૂષણોની ચોરી કરી ગયા હતા. તસ્કરો મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી પ્રવેશ્યા હતા. અને મંદિરમાંથી માતાજીના સોના-ચાંદીના આભુષણો ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગેની ફરિયાદ સાવલી પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડીને મંદિરમાંથી માતાજીના આભૂષણોની ચોરી કરી
લાંછનપુર ગામ પાસે મહીસાગર નદીના કિનારે પ્રસિદ્ધ શત્રુગ્ની માતાનું મંદિર આવેલું છે. આ મંદિરના પુજારી ગણેશપુરી મહેન્દ્રપુરી ગોસ્વામી છે. પૂજારી મંદિર પાસે આવેલા મકાનમાં પરિવાર સાથે રહે છે અને માતાજીની પૂજા-અર્ચના કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મંદિરના પૂજારીએ 9 માર્ચની સાંજે આરતી કરીને મંદિરને તાળું માર્યું હતું. દરમિયાન 9 માર્ચની મોડી રાતથી 10 માર્ચની વહેલી સવાર દરમિયાન કોઇ તસ્કરો મંદિરમાં ત્રાટક્યા હતા અને મંદિરના મુખ્ય દરવાજાનું તાળું કોઇ હથિયાર વડે તોડીને મંદિરમાંથી માતાજીના આભૂષણોની ચોરી કરી ગયા હતા.

મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોતા ચોંકી ઉઠ્યા
સવારે માતાજીની પૂજા કરવા માટે પહોંચેલા પૂજારી ગણેશપુરી ગોસ્વામીએ મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોતા ચોંકી ઉઠ્યા હતા. બાદમાં તેઓ માતાજીના ગર્ભગૃહમાં જઇ તપાસ કરતા માતાજીને ચઢાવેલા આભૂષણો ન જણાતા વધુ ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન મંદિરના પૂજારી ગણેશપુરી ગોસ્વામીએ આ બનાવની જાણ સાવલી પોલીસને કરતા તુરંત જ સિનીયર પી.એસ.આઇ. એ.આર. મહીડા સ્ટાફ સાથે મંદિર ખાતે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.

માતાજીના 200 ગ્રામ વજનના ચાંદીના મુકુટ સહિત 48 હજારની મત્તાની ચોરી
પૂજારીએ પોલીસને જણાવ્યું હતું કે, મોડી રાત દરમિયાન ત્રાટકેલા તસ્કરો મંદિરમાંથી માતાજીને ચઢાવેલો માતાજીનો 200 ગ્રામ વજનનો ચાંદીનો મુકુટ, 15 ગ્રામની સોનાની બંદી, 100 ગ્રામ વજનનો ચાંદીનો હાર, ચાંદીનો ચોટલો, ચાંદીના કાન, 100 ગ્રામ વજનનો ચાંદીનો કંદોરો તેમજ દાનપેટીમાંથી રૂપિયા 1500 મળી કુલ રૂપિયા 48,000નો મુદ્દામાલ ચોરી કરી ગયા છે.

કોઇ જાણભેદુ હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી
સાવલી પોલીસે પૂજારીની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ સિનીયર પી.એસ.આઇ. એ.આર. મહિડા કરી રહ્યા છે. શત્રુગ્ની માતાના મંદિરમાં થયેલી ચોરીના બનાવની જાણ લાંછનપુર ગામમાં થતાં ગામમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસનું માનવું છે કે, ચોરીના આ બનાવમાં કોઇ જાણભેદુ હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. હાલ આ બનાવ અંગે તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...