તસ્કરો ત્રાટક્યા:વડોદરાના ગોરવા-કરોડિયા રોડ પર કારમાં આવેલા તસ્કરો જ્વેલર્સની દુકાનમાંથી 2.50 લાખના દાગીના ચોરી ગયા

વડોદરા2 મહિનો પહેલા
ગોરવા વિસ્તારમાં મધુનગર-કરોડીયા રોડ ઉપર જ્વેલર્સની દુકાનના શટરના તાળાં તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના ચોરી ગયા - Divya Bhaskar
ગોરવા વિસ્તારમાં મધુનગર-કરોડીયા રોડ ઉપર જ્વેલર્સની દુકાનના શટરના તાળાં તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના ચોરી ગયા
  • તસ્કરો 1 લાખનું સોનું અને 1.25 લાખનું 2 કિલો ચાંદી ચોરી કરી ગયા

વડોદરાના ગોરવા વિસ્તારમાં મધુનગર-કરોડીયા રોડ ઉપર એસ.એમ. જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. મોડી રાત્રે આ દુકાનને કારમાં આવેલા તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાનના શટરના તાળાં તોડી તસ્કરો દુકાનમાંથી રૂપિયા 1 લાખની કિંમતના સોનાના દાગીના અને રૂપિયા 1.25 લાખની કિંમતની બે કિલો ચાંદીના દાગીના મળી કુલ્લે રૂપિયા 2.50 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મુકી હતી.

જ્વલર્સની દુકામાંથી તસ્કરો શોકેશમાં મુકેલા દાગીના ચોરી ગયા
જ્વલર્સની દુકામાંથી તસ્કરો શોકેશમાં મુકેલા દાગીના ચોરી ગયા

છેલ્લા પંદર દિવસથી જ્વેલર્સની દુકાન બંધ હતી
મળેલી માહિતી પ્રમાણે સ્માર્ટ સીટી વડોદરામાં હવે તસ્કરો પણ સ્માર્ટ બની ગયા છે. અગાઉ મોટર સાઇકલો ઉપર ચોરી કરવા માટે નીકળતા તસ્કરો હવે કાર લઇને ચોરી કરવા માટે નીકળે છે. મોડી રાત્રે ગોરવા વિસ્તારમાં મધુનગર-કરોડીયા રોડ ઉપર આવેલી એસ.એમ. જ્વેલર્સની નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. આ દુકાન છેલ્લા પંદર દિવસથી બંધ હતી. આ દુકાનના માલિક સાજીદભાઇ મુલતાની છે. વરસાદની મોસમ હોવાથી આ રોડ ઉપર સન્નાટો હોવાથી તસ્કરોને ચોરી કરવામાં મોકડું મેદાન મળી ગયું હતું.

જ્વેલર્સની દુકાન પાસેના કાઉન્ટર પાસેથી તસ્કરો દાગીના ચોરી કરી ગયા
જ્વેલર્સની દુકાન પાસેના કાઉન્ટર પાસેથી તસ્કરો દાગીના ચોરી કરી ગયા

તસ્કરો સોના-ચાંદીના દાગીનાની સાથે સી.સી. ટી.વી.નું ડી.વી.આર. પણ ચોરી ગયા
મોડી રાત્રે કાર લઇને ત્રાટકેલા તસ્કરોએ જ્વેલર્સની દુકાનના તાળાં તોડી અંદર પ્રવેશ્યા હતા. અને દુકાન સ્થિત સોના-ચાદીનાના દાગીના ઉપરાંત, દુકાન સ્થિત સી.સી. ટી.વી.નું ડી.વી.આર. ચોરી કરી ગયા હતા. સવારે ચોરીના બનાવની જાણ દુકાનના માલિક સાજીદભાઇ મુલતાનીને થતાં, તેઓ દુકાને દોડી આવ્યા હતા. અને દુકાનનું શટર અડધું ખૂલેલું જોઇને ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન તેઓએ દુકાનમાં જઇ તપાસ કરતા તસ્કરો સોના-ચાંદીના દાગીના, અને સી.સી. ટી.વી.નું ડી.વી.આર. ચોરી કરી ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ બનાવને પગલે સ્થાનિક લોકો પણ એકઠા થઇ ગયા હતા.

જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીની તપાસ કરી રહેલી પોલીસ
જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીની તપાસ કરી રહેલી પોલીસ

પોલીસ કંટ્રોલ રૂમના સી.સી. ટી.વી.ની તપાસમાં તસ્કરો કાર લઇ આવ્યા હોવાનું જણાયું
દરમિયાન સાજીદભાઇ મુલતાનીએ ગોરવા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને તપાસ શરૂ કરી હતી. પોલીસે તસ્કરોના સગડ મેળવવા માટે પોલીસ કંટ્રોલ રૂમમાં સી.સી. ટી.વી. તપાસ કરાવતા તસ્કરો કાર લઇને આવ્યા હોવાનું જણાઇ આવ્યું હતું. ગોરવા પોલીસે સાજીદભાઇ મુલતાનીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તે સાથે પોલીસે કંટ્રોલ રૂમમાંથી સી.સી. ટી.વી. ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. આ બનાવે મધુનગર-કરોડીયા રોડ ઉપર ચકચાર જગાવી મુકી હતી.