વડોદરા શહેર પોલીસ તંત્રની ઊંઘ હરામ કરી રહેલા તસ્કરોએ વાઘોડિયા રોડ પર પ્રણવ બંગલોમાં રહેતા ડોક્ટર પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી રોકડ 5.50 લાખ રૂપિયા મળી કુલ 7.38 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ ચોરી થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. વડોદરા શહેરમાં ચોરીના વધી રહેલા બનાવોને પગલે પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગ ઉપર હવે સવાલો ઉઠી રહ્યા છે.
તબીબ બોડેલીમાં ડેન્ટીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે
બાપોદ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર સી-15 પ્રણવ બંગલોઝમાં 70 વર્ષિય ડો. અરવિંદલાલ ડાહ્યાલાલ ટેલર પરિવાર સાથે રહે છે. તેઓ બોડેલી ખાતે ડેન્ટીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. 6 ઓગસ્ટના રોજ સવારે મકાનના મુખ્ય દરવાજાને તાળું મારી પુત્ર રોહનકુમાર સાથે બોડેલી ખાતે ગયા હતા. જ્યાંથી રોહન સુરત ગયો હતો. ડોક્ટરનું બીજુ મકાન બોડેલીમાં પણ હોવાથી તેઓ બોડેલીમાં રોકાઇ ગયા હતા.
તબીબના ઘરમાંથી ચોરી થતાં પોલીસ દોડી ગઇ
દરમિયાન ડો. અરવિંદલાલ ટેલરને તેમના ભત્રીજા મુકેશ ટેલરે(બી-25, પ્રણવ બંગલોઝ, વાઘોડિયા રોડ) ફોન કરીને જણાવ્યું હતું કે, તમારા મકાનના તાળા તૂટેલા છે. ઘરમાં ચોરી થઇ હોવાનું જણાઇ છે. તેમ કામવાળી શકુબહેન પંચોલીએ કહ્યું છે. ભત્રીજાએ ડોક્ટરને ઘરમાં ચોરી અંગેનો મેસેજ આપતા જ તેઓ વડોદરા દોડી આવ્યા હતા. ઘરમાં આવીને જોતા મકાન સ્થિત તિજોરીઓની અંદરનો સામાન વેરવિખેર જોતા ચોંકી ઉઠ્યા હતા. ડોક્ટરે ઘરમાં વધુ તપાસ કરતા તસ્કરો મકાનની તિજોરીમાંથી રોકડ રૂપિયા 5,50,000 ઉપરાંત સોના-ચાંદીના દાગીના ચોરી કરી ગયા હોવાનું જણાતા તુરંત જ તેઓએ બાપોદ પોલીસને જાણ કરતા પીઆઇ જિગ્નેશ પટેલ સ્ટાફ સાથે દોડી ગયા હતા.
તસ્કરોએ 7,38,500ના મુદ્દામાલની ચોરી કરી
ડો. અરવિંદકુમાર ટેલરે બાપોદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તસ્કરો મકાન સ્થિત તિજોરીમાંથી રોકડ રૂપિયા 5,50,000 તેમજ બેડરૂમમાં મુકેલા લોખંડના લોકરનું તાળું તોડી ડોક્ટરની પત્ની કૈલાશબહેનનો 3 તોલાનો સેટ, 3 તોલા સોનાના પાટલાની 1 જોડ, અડધા તોલાની સોનાની 1 વીંટી, દોઢ તોલાનું સોનાનું ડોકીયું, પુત્ર રોહનકુમારની અડધા તોલાની સોનાની લકી, પુત્ર વધૂ કિંજલબહેનનો સોનાનો હિરા જડીત 3 તોલાનો સેટ, દોઢ તોલાનું સોનાનું મંગળ સુત્ર, અડધા તોલોની સોનાની 1 જોડ બુટ્ટી, અને 150 ગ્રામના ચાંદીના છડા મળીને કુલ રૂપિયા 7,38,500નો મુદ્દામાલ ચોરી કરી ગયા છે.
પોલીસે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોની મદદ લીધી
બાપોદ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તે સાથે પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોની મદદ લઇ તપાસનો દોર શરૂ કર્યો છે. જોકે, પોલીસને તસ્કરો અંગેના કોઇ સગડ મળ્યા નથી. ડેન્ટીસ્ટ અરવિંદકુમાર ટેલરના મકાનમાંથી રૂપિયા 7.38 લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી થતાં પ્રણવ બંગલોઝ સહિત વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો બીજી બાજુ શહેરમાં વધી રહેલા ચોરીના બનાવોએ લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.