તસ્કરો ત્રાટક્યા:વડોદરામાં દિવાળી પહેલા તસ્કરો સક્રિય થયા, બે મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 3.90 લાખની ચોરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માંજલપુર અને ​​​​​​​કરોડિયા રોડ પર બે મકાનમાં ચોરીથી આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો

વડોદરા શહેરમાં દિવાળી પહેલા ચોરીની ઘટનાનો સિલસિલો શરૂ થાય છે. તસ્કરો બંધ મકાનનો લાભ ઉઠાવી ચોરીની ઘટનાને અંજામ આપી પલાયન થઇ જતાં મકાન માલિકોને લાખો રૂપિયાની મત્તા ગુમાવવાનો વારો આવતો હોય છે. પોલીસ પ્રશાસન પણ આ અંગે સાવચેત રહેવા અપીલ કરતી હોય છે. તેવામાં તસ્કરો બે બંધ મકાનોને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા સહિત લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઇ જવાના બે અલગ અલગ બનાવો સામે આવ્યા છે.

ઘરના દરવાજાનું ઇન્ટરલોક તૂટેલું જણાયું
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી અમીન પાર્ક સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ પટેલ આગડીયા પેઢી ચલાવે છે. તેમની તબિયત નાદુરસ્ત હોવાથી 9 ઓક્ટોબરના રોજ પત્ની સાથે મકાનને તાળું મારીને સારવાર અર્થે ગાંધીનગર ખાતે ગયા હતા. ત્યારબાદ 17 ઓક્ટોબરના રોજ પરત આવતા ઘરના દરવાજાનું ઇન્ટરલોક તૂટેલું જણાઈ આવ્યું હતું અને બેડરૂમમાં સામાન વેરવિખેર નજરે ચડ્યો હતો.

1.95 લાખની કિંમતના ઘરેણાની ચોરી
ઘરમાં તપાસ કરતા અજાણ્યો તસ્કર સોનાના પાટલા, સોનાનું મંગળસૂત્ર અને સોનાની ચેન મળી 1.95 લાખની કિંમતના ઘરેણા ચોરી નાસી છૂટ્યો હોવાની વિગતો સપાટી પર આવી હતી. આ બનાવ સંદર્ભે માંજલપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં પણ 1.95 લાખની મત્તાની ચોરી
જ્યારે બીજા બનાવમાં કરોળિયા રોડ ઉપર આવેલી અંબિકા પાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ ડામોર કડિયા કામ કરે છે. 13 ઓક્ટોબરના રોજ તેઓ દાહોદ ખાતે પોતાના વતન ગયા હતા. દરમિયાન તેમની પત્ની મકાનને તાળું મારી કામ અર્થે ગઈ હતી. તે સમયે બંધ મકાનનો લાભ ઉઠાવી ત્રાટકેલા તસ્કરો મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશી કબાટમાંથી 90 હજાર રોકડા, સોનાની ચેન, સોનાનું મંગળસૂત્ર, સીનાની બુટ્ટી ,ચાંદીનું કડું, ચાંદીના છડા, સોનાની વીંટી અને ચાંદીનો કંદોરો મળી 1.95 લાખની મત્તા ચોરી નાસી છુટયા હોવાનું બહાર આવ્યું હતું. બનાવ સંદર્ભે જવાહરનગર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...