વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલા સરકારી આવાસો પૈકીના એક મકાનના છતનો એક ભાગ સિલિંગ ફેન સાથે તૂટી પડતા એક મહિલાને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આ બનાવને પગલે સરકારી આવાસ યોજનાના મકાનોમાં રહેતા રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો છે.
તંત્ર પણ ગંભીરતા દાખવતુ નથી
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં સરકારી આવાસ યોજનાના મકાનોમાં આવેલા છે. વર્ષો જૂના મકાનોમાં તંત્ર દ્વારા કે, મકાનોમાં રહેતા માલિકો દ્વારા સમારકામ કરવામાં આવતું ન હોવાના કારણે અવારનવાર જર્જરિત મકાનના કાંગરા તૂટી જવાની અથવા પેરાફીટ તૂટી જવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આજે સવારે વધુ એક મકાનનો સ્લેબ તૂટી જવાની ઘટના બની હતી. સવારે બનેલી આ ઘટનામાં છત ઉપર લટકાવેલા સિલિંગ ફેન સાથે સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો. તે દરમિયાન સિલિંગ ફેનની નીચે બેઠેલી મકાન માલિક મહિલાને માથામાં અને પગમાં ઇજાઓ પહોંચી હતી.
મહિલાનો આબાદ બચાવ
સ્લેબ પડવાનો અવાજ આવતાની સાથે જ આવાસમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ થઈ ગયેલી ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પરંતુ, આ બનાવે જર્જરિત થઈ ગયેલા સરકારી આવાસોમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાવી દીધો હતો.
પરિવારજનો માટે જીવલેણ
ઉલ્લેખનીય બાબત એ છે કે, વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સરકારી આવાસો આવેલા છે. વર્ષો જૂના આ સરકારી આવાસોમાં તંત્ર દ્વારા તેમજ આવાસોમાં રહેતા લોકો દ્વારા સમયાંતરે સમારકામ કરવામાં આવતું ન હોવાના કારણે જર્જરીત થઈ ગયેલા આવાસોના પરિવારજનો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ત્યારે તંત્ર અને આવાસોમાં રહેતા લોકો દ્વારા આ બાબતે ગંભીરતા દાખવવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
મકાન માલિકો ખર્ચ કરતા નથી
આજે બનેલી ઘટના અંગે સ્થાનિક લોકો અને આવાસોમાં રહેતા લોકો દ્વારા તંત્ર સામે દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો હતો. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે, વર્ષોથી આવાસોમાં રહેતા લોકો દ્વારા પણ પોતાના અને પરિવારજનોની સેફટી માટે કોઈપણ પ્રકારનો મકાનમાં ખર્ચો કરાવતા નથી અને સતત ભયના ઓથાર નીચે સરકારી આવાસોમાં જીવન ગુજારી રહ્યા છે.
મકાનોમાં મોટી તિરાડો પડી છે
સ્થાનિક લોકોમાંથી મળેલી માહિતી પ્રમાણે આ આવાસ યોજનાઓના મકાનોમાં અનેક મકાનો જર્જરિત થઈ ગયા છે સ્લેબના સળિયા પણ દેખાઈ રહ્યા છે અને મકાનોમાં મોટી તિરાડો પણ પડેલી છે. કેટલાક મકાનોની પેરાફીટ પણ તૂટી ગયેલી હોવા છતાં પણ મકાનોમાં રહેતા લોકો દ્વારા સમારકામ કરાવવામાં આવતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.