વિદ્યાર્થીઓની વતન વાપસી:યુક્રેનથી 6 વિદ્યાર્થી આજે વડોદરા પહોંચ્યા, રોનિકે કહ્યું: '6 દિવસ ભૂખ્યા રહીને વિતાવ્યા, યુક્રેનના સૈનિકો ખરાબ વ્યવહાર કરતા'

વડોદરા5 મહિનો પહેલા
વડોદરાના બે વિદ્યાર્થી આજે દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા
  • વિદ્યાર્થી કહે છે કે, ટ્રાફિકજામના કારણે 30 કિમી ચાલીને અમે પોલેન્ડ બોર્ડર પહોંચ્યા હતાં

વડોદરાના આજવા રોડ ખાતે રહેતો વિદ્યાર્થી રોનિક ભટ્ટ અને અન્ય એક વિદ્યાર્થી ઋત્વિક ડોબરિયા યુક્રેનથી વડોદરા આવી પહોંચ્યા હતાં. વડોદરા એરપોર્ટ પર રોનિકે દિવ્યભાસ્કર સાથેની વાતમાં કહ્યું હતું કે, યુક્રેનમાં 6 દિવસ ભૂખ્યા રહેવું પડ્યું. ભારત યુદ્ધમાં યુક્રેનને સપોર્ટ નહીં કરે તેવા મેસેજથી યુક્રેની આર્મી પણ ભારતીય વિદ્યાર્થીઓ સાથે ખરાબ વ્યવહાર કરતા હતી.

બોર્ડર પર ખાવા-પીવાની કોઇ સુવિધા ન હતી
યુક્રેનથી પોલેન્ડ અને ત્યાંથી વિમાન માર્ગે દિલ્હી થઇને વડોદરા એરપોર્ટ પર આજે બે વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતાં. બંને મેડિકલનો અભ્યાસ કરવા માટે વિદેશ ગયા હતાં. પરંતુ રશિયાએ યુક્રેન પર હુમલો કરતા ભારતીય વિદ્યાર્થીઓ અટવાઇ પડ્યા હતાં. સ્વદેશ પરત આવેલ રોનિક ભટ્ટએ જણાવ્યું હતું કે, યુક્રેનથી પોલેન્ડ બોર્ડર પહોંચવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ત્યાં ખાવા-પીવાની કોઇ સુવિધા ન હતી. તાપમાન પણ માઇનસ 10 ડિગ્રીથી નીચે રહેતું હતું. 6 દિવસ જમ્યા વિના પસાર કરવા પડ્યા. ભારત સરકારે યુક્રેનને યુદ્ધમાં મદદ કરવાનો ઇન્કાર કરતા યુક્રેન આર્મી પર નેગેટિવ ઇમ્પેક્ટ પડી હતી તેના જવાનો ભારતના વિદ્યાર્થીઓને હેરાન કરતા હતા. યુક્રેનથી પોલેન્ડ પહોંચ્યા બાદ ભારતની એમ્બેસીએ ઘણી મદદ કરી. જો યુક્રેનમાં સ્થિતિ થાળે પડશે તો ફરી અભ્યાસ માટે જઇશું.

વિદ્યાર્થીઓનું પરિવાર સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા
વિદ્યાર્થીઓનું પરિવાર સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા
રોનિક ભટ્ટ અને ઋત્વિક ડોબરિયા
રોનિક ભટ્ટ અને ઋત્વિક ડોબરિયા

અમે 30 કિમી ચાલીને પોલેન્ડ બોર્ડર પહોંચ્યા હતાં
યુક્રેનથી વડોદરા એરપોર્ટ પહોંચેલા વિદ્યાર્થી ઋત્વિક ડોબરિયાએ કહ્યું હતું કે, યુક્રેનના ટર્નોબિલથી પોલેન્ડ પહોંચ્યો હતો. યુદ્ધના કારણે પરિસ્થિતિ કથળતા સાતથી આઠ દિવસ થયા હતા. યુક્રેનથી બસમાં નિકળ્યા હતા. યુક્રેનના લોકો પણ પોલેન્ડ આવી રહ્યા હતાં તેથી 30 કિલોમીટર સુધી ટ્રાફિકજામ હતો. જેથી અમે 30 કિલોમીટર સુધી ચાલ્યા અને પોલેન્ડ બોર્ડર પહોંચ્યા હતાં. બોર્ડર પર બે દિવસ સુધી જમવાની તકલીફ પડી. જો કે અમને પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે નાસ્તો સાથે રાખવો. જેથી અમે નાસ્તો સાથે રાખ્યો હતો. હાલ ઓનલાઇન ક્લાસમાં અભ્યાસ કરવાનું કહ્યું છે આગળ જઇને હવે શુ થાય છે એ જોવું રહ્યું.

વિદ્યાર્થીઓને લેવા વડોદરા એરપોર્ટ પર પહોંચેલા પરિવારજનો
વિદ્યાર્થીઓને લેવા વડોદરા એરપોર્ટ પર પહોંચેલા પરિવારજનો

વડોદરાના અન્ય 4 વિદ્યાર્થીઓ પણ આવ્યા
આજે વડોદરા શહેર અને જિલ્લાના ચાર વિદ્યાર્થી દિવ્યા મહાડિક, અમિત પ્રજાપતિ, કેયુર પટેલ અને નીરવ બારોટ પણ દિલ્હીથી ગાંધીનગર ખાતે પહોંચ્યા હતાં. જ્યાં તેમના પરિવારજનો મળવા માટે પહોંચ્યા હતા અને તેઓ ઘરે પરત ફર્યા હતા.

ભારતીય વિદ્યાર્થીને પોલેન્ડની હોટેલમાં આશરો આપવામાં આવ્યો હતો.
ભારતીય વિદ્યાર્થીને પોલેન્ડની હોટેલમાં આશરો આપવામાં આવ્યો હતો.

પોલેન્ડમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા 500થી વધુ બેડની વ્યવસ્થા કરાઈ
યુક્રેનમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે શ્રી શ્રી રવિશંકરની સંસ્થા આર્ટ ઓફ લિવિંગ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વ્હારે આવી છે. સંસ્થા ખાવા-પીવા જેવી મૂળભૂત જરૂરિયાતોના અભાવમાં ફસાયેલા લોકો માટે મદદે પહોંચી છે. જ્યારે પોલેન્ડમાં 500 કરતાં વધારે બેડની વ્યવસ્થા શરણાર્થીઓ માટે કરવામાં આવી છે. આર્ટ ઓફ લિવિંગના હંગેરી, રોમાનિયા, સ્લોવાકિયા, બલ્ગેરિયા તેમજ જર્મની સહિત પશ્ચિમ યુરોપનાં કેન્દ્રો મૂળભૂત જરૂરિયાતો સાથે શરણાર્થીઓ માટે ખુલ્લાં મૂકી દેવાયાં છે.

અન્ય સમાચારો પણ છે...