• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Situation Of Homeless People Became Dire As The Municipality Removed Huts In The Scorching Heat, Protesting At Khanderao Market In Vadodara

આક્રોશ:વડોદરામાં પાલિકાએ કાળઝાળ ગરમીમાં ઝૂંપડાઓ હટાવતા બેઘર લોકોની હાલત કફોડી બની, ખંડેરાવ માર્કેટ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
લોકોએ સત્તાધારી ભાજપ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતા - Divya Bhaskar
લોકોએ સત્તાધારી ભાજપ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતા
  • ધનિયાવી બાયપાસ પાસેના અને ન્યુ વીઆઇપી રોડના ઝૂંપડાવાસીઓમાં રોષ
  • આમ આદમી પાર્ટીની આગેવાનીમાં સ્થાનિક લોકોએ વિરોધ કર્યો
  • મ્યુનિસિપલ કમિશનરે મળવાનો સમય ન આપતા ભારે સૂત્રોચ્ચાર કર્યાં

વડોદરા મહાનગર પાલિકા દ્વારા રસ્તા રેષામાં આવતાં અને કોર્પોરેશનની જગ્યા ઉપર ગેરકાયદે બંધાયેલા કાચા પાકા મકાનો તેમજ ઝૂંપડાઓ દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કાળઝાળ ગરમીમાં શરૂ કરવામાં આવેલા દબાણો દૂર કરવાની ઝુંબેશના પગલે બેઘર થયેલા લોકોની હાલત કફોડી બની ગઇ છે, ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેજા હેઠળ ધનિયાવી બાયપાસ પાસેના ઝૂંપડાવાસીઓ તેમજ ન્યુ વીઆઇપી રોડના ઝૂંપડાવાસીઓ ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની કચેરી ખાતે મોરચો લઈને આવી પહોંચ્યા હતા. અને સત્તાધારી ભાજપા વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતા. તે સાથે મ્યુનિસિપલ કમિશનરે મળવાનો સમય ન આપતા તેમની સામે પણ ભારે સૂત્રોચ્ચાર કર્યાં હતા.

આમ આદમી પાર્ટીના નેજા હેઠળ કોર્પોરેશન ખાતે આવી પહોંચેલા ઝુંપડાવાસીઓ મ્યુનિસિપલ કમિશનરના ચેમ્બર તરફ આગળ વધતા સિક્યોરિટી દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે, ઝૂપડાવાસીઓ ગેટ પાસે ધરણાં ઉપર બેસી ગયા હતા અને શાસક પક્ષ ભાજપા અને મ્યુનિસિપલ કમિશનર વિરૂદ્ધ ભારે સુત્રોચ્ચાર કરી કોર્પોરેશનની કચેરીને ગજવી મૂકી હતી. કમિશનર તરફનો ગેટ બંધ કરી દેવામાં આવતા કોર્પોરેશનમાં વિવિધ કામો માટે આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રજૂઆત માટે આવેલા ઝૂપડાવાસીઓએ દરવાજા પાસે અડિંગો જમાવીને બેસી ગયા હતા.

આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન રામીએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર પાલિકા દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પરંતુ, આ દબાણો શહેરની સુવિધાઓ માટે નહીં પરંતુ બિલ્ડરોના ઇશારે દૂર કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા એક તરફ કાળઝાળ ગરમીમાં લોકોને ઘરની બહાર ન નીકળવા માટે તાકીદ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કાળઝાળ ગરમીમાં ગરીબ લોકોને બેઘર કરવામાં આવી રહ્યા છે.

તેઓએ એવો પણ આક્ષેપ કર્યા હતો કે, ભાજપની સરકાર માત્ર વોટ લેવાની જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે જ ગરીબોને યાદ કરે છે. બાકી વિકાસના નામે તેઓ ગરીબોને બેઘર કરવામાં કોઇ પાછી પાની કરતા નથી. વડોદરા મહાનગર પાલિકા દ્વારા માત્ર ગરીબોના ઝૂંપડાઓજ દૂર કરવામાં આવી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે વડોદરાના વિકાસમાં આમ આદમી પાર્ટી સાથે છે. પરંતુ, જ્યારે કોઈના ઈશારે ગરીબોના દબાણ હટાવવાની વાત કરવામાં આવશે, તો અમે તેનો વિરોધ કરતા રહીશું અને આવનારા દિવસોમાં પણ કરીશું.

હાલમાં જે ન્યુ વીઆઇપી રોડ અને ધનિયાવી રોડ ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા છે અને જે લોકોને બેઘર કરવામાં આવ્યા છે તેવા લોકોને તાત્કાલિક મકાનો ફાળવવામાં આવે તેવી અમારી માંગણી છે. જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરતાં પણ ખચકાઈશું નહીં.

અન્ય સમાચારો પણ છે...