હાથાપાઈ:શ્રીજી વિસર્જનમાં ફટાકડાથી કારનો કાચ તૂટતાં મારામારી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડભોઇ રોડની મહાનગર સોસાયટીનો બનાવ
  • ભીડ ભેગી કરી હોવાથી જાહેરનામા ભંગનો પણ ગુનો નોંધાયો

ડભોઈ રોડ મહાનગર સોસાયટીમાં ગણેશ વિસર્જનમાં ફટાકડો ફૂટતાં કારનો કાચ તૂટી જવા મામલે મારામારી થઇ હતી. વાડી પોલીસે આ મામલે વિસર્જનમાં લોકોની ભીડ ભેગી કરી જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો પણ નોંધ્યો હતો. મહાનગર સોસાયટીમાં રહેતા અનિલ કૈલાશચંદ્ર જયસ્વાલે વાડી પોલીસમાં ત્યાં રહેતા ધર્મેશ ગોપાલભાઈ સપકાળ, રામ પરશુરામ જગતાપ અને અન્ય બે મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી કે, સોસાયટીમાં રહેતા ધર્મેશના ઘરે ગણપતિની સ્થાપના કરી હતી. ગુરુવારે સાંજે 7:30 વાગે ધર્મેશ સહિતના લોકો ગણપતિ વિસર્જન કરવા નીકળ્યા હતા.

ત્યારે ફટાકડા ફોડતા હોવાથી એક ફટાકડો તેમના ઘર સામે પાર્ક કરેલી તેમની સ્વિફ્ટ કાર પર પડતાં તેનો કાચ તૂટી ગયો હતો. જેથી તેઓ ધર્મેશને કહેવા જતાં તેણે ઉશ્કેરાઈ ઝઘડો કર્યો હતો. ત્યારબાદ તેની પત્ની અને તેના મામા રામ સહિતના 4 જણા પણ ત્યાં આવ્યાં હતાં અને ઝઘડાનું ઉપરાણું લઈ તેની સાથે ઝપાઝપી કરી તેમની પુત્રીને પણ લાફો માર્યો હતો અને તમને અહીંયાં રહેવા દઇશું નહીં, તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે 4 જણા સામે ગુનો નોંધ્યો હતો. ધર્મેશ ગોપાલભાઈ સપકાળ સામે જાહેરનામા ભંગ કરવાનો ગુનો પણ નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...