એજયુકેશન:નેક સામે બીકોમ વોકેશનલનું પ્રેઝન્ટેશન બતાવી પીલ્લું વાળ્યું, કોર્સ શરૂ નહીં થાય

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી શિક્ષણ નીતિને અનુસરતાં શરૂ કરવામાં આવેલા બીકોમ વોકેશનલ કોર્સનું બાળમરણ
  • 2021માં 11 વિદ્યાર્થી આવતાં કોર્સ શરૂ ન થયો, આ વર્ષે વિદ્યાર્થી નહિ મળે તેમ માની શરૂ જ ન કર્યો

નવી શિક્ષણ નિતીના ભાગરૂપે શરૂ કરાયેલા બીકોમ વોકેશનલ આ વર્ષે શરૂ નહિ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત વર્ષે નેકની રીઝવવા માટે શરૂ કરાયેલા બીકોમ વોકેશનલ કોર્સનું બાળ મરણ થયું છે. 2021માં માત્ર 11 વિદ્યાર્થીઓ હોવાથી કોર્સ શરૂ કરવામાં આવ્યો ના હતો. ગત વર્ષના કડવા અનુભવથી આ વર્ષે વિદ્યાર્થીઓ નહિ મળે તેવું માની કોર્સ નહિ ચલાવાયનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં 2021માં નવી શિક્ષણ નિતીના ભાગરૂપે બીકોમ વોકેશનલ કોર્સની શરૂઆત મોટા ઉપાડે થઇ હતી. 400 બેઠકો સાથેનો આ અભ્યાસક્રમ હાયર પેમેન્ટ ધોરણે ચલાવવામાં આવનાર હતો. વડોદરા અને પાદરા મળીને 400 બેઠકો રાખવામાં આવી હતી. જેની ફી 16 હજાર રૂપિયા હતી. બીકોમ વોકેશનલની જાહેરાત કર્યા પછી 41 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.

જેમાંથી માત્ર 11 વિદ્યાર્થીઓ જ રિપોર્ટીંગ કરવા આવ્યા હતા. જેથી કોર્સ શરૂ નહિ કરવાનો નિર્ણય કરાયો હતો. ચાલુ વર્ષે કોર્સ શરૂ કરવા માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું ના હતું. જેના કારણે આ વખતે તો કોર્સ શરૂ જ નહિ કરવા માટે ફેકલ્ટી સત્તાધીશોએ ફેકલ્ટી બોર્ડની બેઠકમાં નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે બીકોમ વોકેશનલ અભ્યાસક્રમના કોર્સનું બાળમરણ થઇ ગયું છે. હવે આગામી વર્ષે પણ કોર્સ શરૂ થશે કે નહિ તેના પર પ્રશ્ન ઉભો થયો છે.

ઇન્ડ્રસ્ટ્રીઝ સાથે MOU વગર કોર્સ શક્ય નથી
બીકોમ વોકેશનલ કોર્સની ડીઝાઇન એ પ્રકારે કરવામાં આવી છે જેમાં 60 ટકા ઇન્ડ્રસ્ટ્રીઝમાં વિદ્યાર્થીઓને પ્રેકટીકલ ટ્રેનીંગ આપવામાં આવશે અને 40 ટકા કોલેજમાં થીયરી ભણાવવામાં આવશે. પ્રથમ વર્ષ થીયરી બાદ બીજા બે વર્ષો વિદ્યાર્થીઓ ઇન્ડ્રસ્ટ્રીઝમાં અભ્યાસ કરવાનો રહેશે. જોકે કોઇ પણ ઇન્ડ્રસ્ટ્રીઝ સાથે કોમર્સ દ્વારા કરાર કરવામાં આવ્યા જ નથી જેના કારણે પણ કોર્સ શરૂ કરી શકાય તેમ નથી. નેકની કમીટીએ પણ ટકોર કરી હતી કે ઇન્ડ્રસ્ટ્રીઝ સાથે એમઓયુ કરીને વિદ્યાર્થીઓને ટ્રેનીંગ આપવી જોઇએ.

બીકોમ વોકેશનલમાં 400 બેઠકો રખાઇ હતી
બીકોમ વોકેશનલમાં વડોદરામાં 240 બેઠકો અને પાદરા કોલેજ ખાતે 160 બેઠકો ચાલુ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ કોર્સની વિદ્યાર્થી દીઠ હાયર પેમેન્ટની ફી 16 હજાર રખાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...