વડોદરા સ્માર્ટ સિટીના શાસકો શિક્ષણ સમિતિની સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ બનાવી વાહ વાહી મેળવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, શિક્ષણ સમિતિની સ્કૂલ બોર્ડનું કરોડો રૂપિયાનું બજેટ મંજૂર થતું હોવા છતાં સ્કૂલોની હાલત દયનીય છે. એતો ઠીક કહેવાતી સ્માર્ટ સ્કૂલોમાં પુરતા સ્માર્ટ શિક્ષકો નથી. સમિતિની સ્કૂલોમાં આજની તારીખે 180 શિક્ષકોની ઘટ છે. આ શિક્ષકોની ઘટ કોન્ટ્રાક્ટ હેઠળ લેવામાં આવેલા શિક્ષકો પૂરી કરી રહ્યા છે. જે શિક્ષકોને પ્રવાસી શિક્ષકોનું નામ આપવામાં આવ્યું છે.
ધોરણ 1થી 8માં 34400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
સમિતિમાંથી મળેલી માહિતી મુજબ વડોદરા કોર્પોરેશન સંચાલીત શિક્ષણ સમિતિની 120 સ્કૂલો છે, જેમાં ધોરણ 1થી 8માં 34400 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે 972 જેટલા શિક્ષકો કાયમી છે. જે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. જ્યારે 180 જેટલા શિક્ષકોની ઘટ છે, જે ઘટ પ્રવાસી અને ઉચ્ચક પગાર પર રાખેલા શિક્ષકો પૂરી કરે છે. મહત્વની વાત છે કે, શિક્ષણ સમિતિના શાસકો અને અધિકારીઓ દ્વારા વારંવાર શિક્ષકોની ઘટ પૂરવા કોર્પોરેશન અને સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, આજદિન સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
બજેટની પુરી રકમ વપરાતી નથી
એટલું જ નહીં શિક્ષણ સમિતિની 120 સ્કૂલોમાંથી 9 સ્કૂલો જર્જરિત છે, જેથી સ્કૂલો ખાલી કરાવી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નજીકની શાળામાં મર્જ કરી દેવાયા છે. પણ જર્જરિત સ્કૂલો ઉતારી નવી સ્કૂલો બનાવવામાં આવતી નથી. સમિતિના વહીવટી માટે દર વર્ષે રૂપિયા 170થી 180 કરોડનું બજેટ ફાળવવામાં આવે છે. જે બજેટની રકમ અણઘડ વહીવટના કારણે પૂરી વપરાતી નથી. પરિણામે બાળકોને સ્કૂલોમાં પુરતી સુવિધાઓ મળતી નથી.
શિક્ષણ સમિતિની કઈ સ્કૂલો જર્જરિત
ગત વર્ષે રૂપિયા 4 કરોડની ગ્રાન્ટ લેપ્સ થઈ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના પૂર્વ સભ્ય નરેન્દ્ર જયશ્વાલે સમિતીના વહિવટ ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે શિક્ષણ સમિતિની સ્કૂલ બોર્ડનું બજેટ રૂપિયા 180 કરોડનું મંજૂર કરાયું છે. ગત વર્ષે રૂપિયા 4 કરોડની ગ્રાન્ટ લેપ્સ થઈ છે, છતાં એ ગ્રાન્ટનો ઉપયોગ જર્જરિત સ્કૂલ ઉતારી નવી સ્કૂલ બનાવવા કરવામાં આવ્યો નથી. સ્માર્ટ ક્લાસના બદલે શાળાના શિક્ષકોની કાયમી ભરતી કરવા મારી માંગ છે. તે સાથે જ નવી સ્કૂલ વહેલીતકે બનાવવા અને સમિતિ દ્વારા બનાવવામાં આવેલી સ્માર્ટ સ્કૂલો માટે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ છે.
નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યા સહાયકોની ફાળવણી થશે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હિતેશ પટણીએ જણાવ્યું હતું કે, કાયમી ભરતીનો વિષય અમારો નથી. રાજ્ય સરકારનો છે. સરકાર દ્વારા 3300 વિદ્યા સહાયકોને ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યા સહાયકોની ફાળવણી કરવામાં આવનાર છે. જેમાં વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પણ શિક્ષકો ફાળવવામાં સમાવેશ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.