છેડતીનો પ્રયાસ:વડોદરામાં દુકાન માલિકે 'તું બહુ સારું કામ કરે છે, બહુ ખૂબસૂરત લાગે છે' કહીને યુવતીનો હાથ પકડી લીધો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવતી ગોત્રી સ્થિત ઇસ્કોન સર્કલ પાસે એમ્બ્રોઇડરીની દુકાનમાં નોકરી કરે છે
  • માલિકનો ઇરાદો પારખી જતા યુવતી ઓફિસની બહાર આવી ગઈ
  • યુવતીએ પરિવારજનો સાથે વાત કર્યાં બાદ પોલીસ ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ઇસ્કોન સર્કલ પાસે એમ્બ્રોઇડરીની દુકાનમાં કામ કરતી યુવતીને પોતાની ઓફિસમાં બોલાવી હાથ પકડીને છેડતીનો પ્રયાસ કરનાર માલિકની ગોત્રી પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે, દુકાનદાર માલિકે મને કહ્યું કે, 'તું બહુ સારું કામ કરે છે, તું બહુ ખૂબસૂરત લાગે છે. તેવી વાત કરી હાથ પકડી લીધો હતો'

યુવતીને હાથ પકડીને છેડતીનો પ્રયાસ કર્યો
ગોત્રી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદ કરનાર યુવતી છેલ્લા 10 મહિનાથી રેસકોર્સ સર્કલ પાસે આવેલી એમ્બ્રોઇડરીની દુકાનમાં કામ કરતી હતી. મંગળવારના રોજ બપોરના સમયે દુકાનના માલિક ધર્મેન્દ્ર ચૌહાણે પોતાની ત્રીજા માળે આવેલી ઓફિસમાં કામ માટે બોલાવી હતી. યુવતી ઓફિસમાં પ્રવેશ થતાં માલિક ધર્મેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, તું ઘણું સારું કામ કરે છે. તું ખૂબ જ ખૂબસૂરત છે. આ પ્રકારની મીઠી મીઠી વાતો કરીને તેનો હાથ પકડી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે દુકાન માલિકની અટકાયત કરી
યુવતી માલિકનો ઇરાદો પારખી જતા તેના ચુંગાલમાંથી છૂટીને ઓફિસ બહાર આવી ગઈ હતી. ગભરાયેલી યુવતી ઘરે આવી ગઈ હતી અને ચોંકાવનારી ઘટનાની પરિવારજનોને વાત કરી હતી. પરિવારજનો સાથે વાતચીત કર્યાં બાદ યુવતીએ ગોત્રી પોલીસમાં દુકાનદાર ધર્મેન્દ્ર ચૌહાણ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે દુકાનના માલિક ધર્મેન્દ્ર ચૌહાણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...