વડોદરા શહેરના સુભાનપુરામાં રહેતી શમા બિંદુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી છે કે, તેના ઘરે કોઇ મીડિયાકર્મીઓએ આવવું નહીં. સાથે જ તેણે વીડિયો શેર કરીને કહ્યું છે કે, સોસાયટીમાં તેને ભાડાનું ઘર ખાલી કરવું પડે ત્યા સુધી વાત પહોંચી છે. જે કોઇ મીડિયાકર્મીઓને મારો ઇન્ટર્વ્યુ લેવો હોય ફોન પર કે ઓનલાઇન જ વાત કરે. રૂબરૂમાં ન આવે. સાથે જ તેણે કહ્યું છે કે હું કોઇ પબ્લિસિટી મેળવવા માંગતી નથી.
આત્મવિવાહનો વિરોધ થયો
વડોદરાના સુભાનપુરા રોડ પર આવેલા એક ભાડાના ફ્લેટમાં રહેતી શમા બિંદુએ આત્મવિવાહ એટલે કે, પોતે જ પોતાની સાથે લગ્ન કરવાની જાહેરાત કરતા વિવાદ ઉભો થયો છે. શમાએ પહેલા જાહેરાત કરી હતી કે, હું મારી જાત સાથે જ મંદિરમાં હિન્દુ વિધિથી લગ્ન કરીશ. જેનો વડોદરાના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લએ વિરોધ કર્યો હતો. જેથી શમાએ મંદિરમાં લગ્ન કરવાનું માંડી વાળ્યું હતું. ત્યાર બાદ પણ તેના લગ્નને લઇને વિવાદ જારી છે.
શમાએ પોસ્ટ મૂકીઃ No Media Allowed
હવે શમા બિંદુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી છે કે, No Media Allowed (મીડિયાકર્મીઓએ આવવું નહીં). સાથે જ તેણે વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે, કોઇપણ મીડિયાકર્મી મારા ઘર કે સોસાયટી આસપાસ ન આવે. જે લોકોને લાગે છે કે હું આ બધું (આત્મવિવાહ) પ્રસિદ્ધિ માટે કરુ છું, તો એવું બિલકુલ નથી. મેં તો જેવું હંમેશાથી વિચાર્યું હતું તેવા મારે તો માત્ર સાદગીથી મારા લગ્ન કરવા હતા. પરંતુ, હવે હું મારા લગ્નની વચ્ચે રાજકારણ અને મીડિયાને લાવવા માંગતી નથી. જો કોઇ મીડિયા મારો ઇન્ટરવ્યું કે ડિબેટ કરવા માંગે છે તો પહેલા ફોન કે સોશિયલ મીડિયાથી મારો સંપર્ક કરે. હું તેમની સાથે ઓનલાઇન વાતચીત કરીશ.
સોસાયટીમાં મારા પ્રત્યે નારાજગી છે
તેણે કહ્યું હતું કે, મારા સમાચાર વાઇરલ થતાં ઘણા બધા મીડિયાવાળા મારા ઘરે આવતા હતા તેથી મારી સોસાયટીવાળાઓએ મને કહ્યું કે, ઘરે મીડિયાકર્મીઓ એલાઉ નથી. સોસાયટીમાં મારા પ્રત્યે નારાજગી છે અને મારે ઘર ખાલી કરી દેવું પડે ત્યાં સુધી વાત પહોંચી છે. ઘર ખાલી કરવું પડે તે હું ઇચ્છતી નથી. મેં ન્હોતુ વિચાર્યું કે વાત આટલે સુધી આગળ વધી જશે. હું મીડિયા સાથે ઓનલાઇન વાત કરીશ પણ રૂબરૂમાં નહીં મળું.
શું છે સમગ્ર મામલો
વડોદરા શહેરની 24 વર્ષની શમા બિંદુ આગામી 11 જૂને લગ્ન કરવા જઇ રહી છે, પરંતુ તેમના આ લગ્ન હાલ ખૂબ જ ચર્ચામાં છે. હકીકત એવી છે કે શમા પોતાની સાથે જ લગ્ન કરવા જઇ રહી છે. તેના આ લગ્ન રીતિ-વાજ અને ફેરાથી લઈને ભારતીય પરંપરા પ્રમાણે જ થશે, પરંતુ એમાં બસ વરરાજા નહીં હોય. આ લગ્ન ગુજરાતના પહેલા આત્મ-વિવાહ કહેવામાં આવી રહ્યા છે. શમા બિંદુએ જણાવ્યું હતું કે હું ક્યારેય લગ્ન કરવા માગતી નહોતી, પણ હું દુલ્હન બનવા માગતી હતી, જેથી મેં પોતાની જાત સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. કદાચ હું આપણા દેશમાં સેલ્ફ લવનું એક ઉદાહરણ પૂરું પાડવાવાળી પહેલી છોકરી છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.