હાઇકોર્ટની ટકોર:શાહરૂખ ખાન વડોદરા રેલવે સ્ટેશન પર 23 લાખના ખર્ચે પાણી માટે RO પ્લાન્ટ નાખશે

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ફિલ્મ પ્રમોશન વેળા એકનું મોત થતાં દાખલ થયેલી ફરિયાદને રદ કરાઈ હતી
  • હાઇકોર્ટની ટકોર ગુડ ફેઇથ માટે કંઈક કરજો...

રઇશ ફિલ્મના પ્રમોશન માટે વડોદરા રેલવે સ્ટેશન પર શાહરૂખ ખાન થોડી મિનિટ માટે રોકાયો હતો. આ સમયે ભાગદોડ થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટના માટે શાહરૂખ ખાન જવાબદાર હોઇ તેની સામે વડોદરા કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી, જે ફરિયાદને એપ્રિલ મહિનામાં હાઇકોર્ટે રદ કરી હતી. જે તે સમયે હાઇકોર્ટે ટકોર કરી હતી કે, તમારે ગુડ ફેઇથમાં કંઇક કરવું જોઇએ.

હાઇકોર્ટની આ ટકોર બાદ શાહરૂખ ખાને વડોદરા રેલવે સ્ટેશન પર આરઓ પ્લાન્ટ માટે રૂા.23 લાખનો ચેક મોકલ્યો હતો, જે ચેક સોમવારે ડીઆરએમને અપાશે. 23 જાન્યુઆરી,2017ના રોજ અગસ્ત ક્રાંતિ ટ્રેન દ્વારા શાહરૂખ મુંબઇથી દિલ્હી જઇ રહ્યો હતો. રઇસ ફિલ્મના પ્રમોશન માટે તે થોડી મિનિટ માટે વડોદરા રોકાવાનો હોવાને કારણે રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં ભીડ એકત્રીત થઇ હતી.

ટ્રેન ઊભી રહેતાં શાહરૂખે ટીશર્ટ અને બોલ ભીડ તરફ ફેંકતાં અફરા-તફરી અને ભાગદોડ સર્જાઇ હતી. પોલીસે ટોળાના વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ બનાવમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટના માટે શાહરૂખ ખાન જવાબદાર હોવાના આક્ષેપ સાથે વડોદરાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામા આવી હતી. જેમાં શાહરૂખ ખાન સામે સમન્સ પણ નીકળ્યું હતું.

દરમિયાન ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં દાદ માગવામાં આવતાં હાઇકોર્ટે એપ્રિલ-2022માં શાહરૂખ ખાન સામેની ફરિયાદ રદ કરી હતી. શાહરૂખ ખાનના એડવોકેટ કૌશિક ભટ્ટે જણાવ્યું હતું કે, જે તે સમયે હાઇકોર્ટે ટકોર કરી હતી કે, તમે સેલિબ્રિટી છો ત્યારે તમારે ગુડ ફેઇથમાં કંઇક કરવું જોઇએ એટલે શાહરૂખ ખાને આરઓ પ્લાન્ટ માટે રૂા.23 લાખનો ચેક મોકલ્યો હતો, જે સોમવારે ડીઆરએમને અપાશે.

રેલવેને પૂછાયું હતું કે, શું જરૂરિયાત છે?
હાઇકોર્ટની ટકોર બાદ શાહરૂખ ખાન તરફે રેલવે તંત્રને પૂછાયું હતું કે, વડોદરામાં શું જરૂરિયાત છે. રેલવે તંત્ર દ્વારા પેસેન્જરોને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટની જરૂર હોવાનું અને તે માટે 23 લાખનો ખર્ચ થશે તેમ કહેવાયું હતું. ત્યારબાદ શાહરૂખ ખાને આરઓ પ્લાન્ટ માટે રૂા.23 લાખનો ચેક તેમના એડવોકેટને મોકલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...