માંજલપુરમાં તૈયાર થનાર 250 મીટરની વરસાદી ગટરના એક કામનું બે છેડે 2 વાર ખાતમુહૂર્ત કરાતાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ બે છેડે કામગીરી શરૂ કર્યા બાદ વચ્ચે કામ કરવાનું નથી તવી વાતે રહીશોએ કામગીરી રોકાવતાં વિવાદ થયો હતો.
માંજલપુર લક્ષ્મીનારાયણ મંદિર નજીક શિવદર્શન સોસાયટીથી કાલભૈરવ મંદિર સુધી રૂા. 8.27 લાખના ખર્ચે વરસાદી ગટર બનાવવાના કામમાં 23 એપ્રિલે શિવદર્શન સોસાયટી નજીકના છેડે ધારાસભ્ય યોગેશ પટેલ અને ઈલેક્શન વોર્ડ 18ના કાઉન્સિલરો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ જ દિવસે બીજા છેડે કાલભૈરવ મંદિર પાસે પણ ધારાસભ્ય યોગેશ પટેલ અને વોર્ડ 18ના કાઉન્સિલરો તેમજ સ્થાનિક લોકોએ ખાતમુહૂર્ત કર્યું હતું.
જોકે શિવદર્શન સોસાયટી તરફથી અને કાલભૈરવ મંદિર તરફથી માત્ર 50-50 મીટર જ લાઈન નાખવાની હોવાનું જાણવા મળતાં રહીશોએ ગુરુવારે વિરોધ કરી કામ અટકાવ્યું હતું. તેમજ શુક્રવારે પાલિકાની વડી કચેરીમાં મોરચો કાઢી સિટી એન્જિનિયરને રજૂઆત કરી હતી. સ્થાનિક રહીશ વિજય પટેલના જણાવ્યા અનુસાર અધિકારીઓ દ્વારા વચ્ચેના ભાગમાં ગટર લાઈન નાખવામાં નહીં આવે તેમ જણાવાયું છે, જેથીે રહીશોએ કામ બંધ કરાવ્યું છે. દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ત્યાં વરસાદી ગટરની પૂરેપૂરી કામગીરી કરવાની છે અને સોસાયટીના આંતરિક ઝઘડાના કારણે આ સમસ્યા ઉદભવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.