શ્રાવણ માસની પૂર્ણિમાએ રક્ષાબંધને બહેન ભાઈને રાખડી બાંધીને તેના લાંબા જીવનની પ્રાર્થના કરે છે અને ભાઇ પોતાની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે. દેશની સરહદ પર દેશવાસીઓની રક્ષામાં ખડેપગે રહેતા જવાનોનો આભાર માનવા તેમજ દેશમાં રહેતી તેમની બહેનોની રક્ષા કરવાનો મેસેજ આપવા તેમને રાખડી મોકલવાનું અભિયાન શહેરના શિક્ષક સંજય બચ્છાવે 6 વર્ષ પહેલા 75 રાખડીઓથી શરૂ કર્યું હતું. આ અભિયાન આજે 30 હજાર રાખડીઓ સુધી પહોંચ્યું છે.
વિદ્યાર્થીઓની સહાયથી શિક્ષકે અભિયાન શરૂ કર્યું
ભારતીય સરહદ પર તૈનાત જવાનો ઠંડી-તડકો અને વરસાદ જોયા વગર 24 કલાક આપણી રક્ષા કરવા પોતાના પરિવારથી દૂર આપણી સુરક્ષા માટે ફરજ બજાવી રહ્યા છે, ત્યારે તેમને તહેવારોમાં પરિવારોની યાદ આવે તે સ્વાભાવિક છે. વડોદરાના એક શિક્ષક દ્વારા 6 વર્ષ પહેલા વિદ્યાર્થીઓની સહાયથી સરહદના જવાનો માટે રક્ષાબંધનના પર્વ પર રાખડીઓ મોકલી તેમના પ્રત્યે આભાર પ્રદર્શિત કરવાની શરૂઆત કરી હતી. આજે સાતમાં વર્ષે પણ આ ઉપક્રમ યથાવત છે અને આ વર્ષે 30,000થી વધુ રાખડીઓ મળી છે.
અભિયાનમાં 15 જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે
આ 30 હજાર રાખડીઓ સરહદ પર 4 સ્થળોએ ફરજ બજાવતા જવાનોને મોકલવામાં આવી છે. તેમના આ અભિયાનમાં કે.વી. વિધિ જોષી, વૃંદા ગાંધી,અદિતિ બાળ, મનસ્વી દેવાસ્કર તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હીમાલી પટેલ અને પ્રાચી ફડણીસ સહિત 15 જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. આ વર્ષે વધુ કારગીલ, સિયાચીન, ગલવાન ઘાટી અરુણાચલ પ્રદેશની ભારત ચીનની સરહદ પર તૈનાન સૈનિકોને મોકલવામાં આવશે. ઓસ્ટ્રેલીયા, દુબઇ, જર્મની, યુએસએ અને કેનેડા મળીને કુલ 12 દેશ તથા ભારતના 5 રાજ્યોના 25 શહેરોમાંથી સૈનિકો માટે રાખડી મોકલવામાં આવી રહી છે.
રાખડી પાછળ મોકલનારનું નામ અને મોબાઇલ નંબર લખાય છે
પહેલા વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા હાથે બનાવેલી 75 રાખડીઓ મોકલી હતી. બીજા વર્ષે 2200, ત્રીજા વર્ષે 5,500 જેટલી રાખડીઓ મોકલી હતી. ત્યાર બાદ અન્ય રાજ્યો સહિત વિદેશથી વધુ લોકો જોડાતા ચોથા વર્ષે 10,000, પાંચમા વર્ષે 14,000 અને છઠ્ઠા વર્ષ કોરોના સંક્રમણને પગલે 12,000 રાખડીઓ જ મળી હતી. આ વર્ષ 30,000થી વધુ રાખડીઓ મળી છે. રાખડી પાછળ મોકલનારનું નામ અને મોબાઇલ નંબર લખાય છે. જેથી જવાનને કોણે રાખડી મોકલી તે ખબર પડે. કેટલાક જવાનો દ્વારા રાખડી બાંધ્યા બાદ રાખડી મોકલનારને ફોન કરીને આભાર પ્રદર્શિત કરવામાં આવે છે. આ ઉપરાંત કેલાક જવાનો સહિતના અધિકારીઓએ બહેનોને ગિફ્ટ પણ મોકલે છે.
જવાનોને રાખડી મોકલવાનો મોકો ચૂકવો જોઇએ નહીં
વિદ્યાર્થિની વૃંદા ગાંધીએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 4 વર્ષથી જવાનોને રાખડી મોકલવાના અભિયાન સાથે જોડાયેલી છું. હું દરેક લોકોને અપીલ કરૂ છું કે, દેશના જવાનોને રાખડી મોકલવાનો આ મોકો ચૂકવો જોઇએ નહીં.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.