એજયુકેશન:સેનેટની ચૂંટણી VC-રજિસ્ટ્રારની હાજરીમાં તટસ્થ રીતે ન થઈ શકે

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંકલનના 9 સભ્યોનું રજિસ્ટ્રારને આવેદન
  • ભરતીની તપાસ ચાલુ છે ત્યારે ચૂંટણી રદ કરવા માગ

મ.સ.યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી રદ કરવા સંકલન સમિતિના સભ્યો દ્વારા માગણી કરાઈ છે. સરકારની તપાસ સમિતિ ચાલતી હોય તેવા સમયે વીસી-રજિસ્ટ્રારની આગેવાનીમાં તટસ્થ ચૂંટણી નહિ થઇ શકે તેવું કારણ રજૂ કરીને ચૂંટણી કેન્સલ કરવાની માગણી કરાઇ છે.

મ.સ. યુનિ.માં ભરતી કૌભાંડની મુખ્યમંત્રી-શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરનાર સંકલન સમિતિના આક્ષેપો બાદ યુનિવર્સિટીમાં ભરતી બાબતે તપાસ સમિતિ બનાવવામાં આવી હતી અને તેના દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી. હજુ તપાસ સમિતિનો અહેવાલ આવ્યો નથી ત્યારે ડિસેમ્બર મહિનામાં યોજાનારી સેનેટની ચૂંટણી કેન્સલ કરીને નવા વીસી આવે તે સમયે ચૂંટણી યોજવાની માગણી કરવામાં આવી છે. સંકલન સમિતિના સભ્યો હસમુખ વાઘેલા, સુનીલ કહાર, દિલીપ કટારીયા, સંજય જયસ્વાલ, અશોક પંડ્યા, કલ્પેશ નાયક, ચેતન સોમાણી, સુનીતા શર્મા, વ્રજેશ પટેલે યુનિવર્સિટી રજિસ્ટ્રારને આવેદનપત્ર આપીને માગણી કરી હતી કે, સેનેટની ચૂંટણી મોકૂફ રખાય. વર્તમાન સ્થિતિમાં ચૂંટણી શક્ય ના હોય તેને પરિસ્થિતિ સુધરે ત્યારે કરવા માટેની રજૂઆત કરાઇ હતી.

સેનેટ-સિન્ડિકેટ સભ્યો દ્વારા એવી પણ માગ કરાઇ હતી કે તમામ ચૂંટણી એક સાથે કરવામાં આવે અલગ અલગ તારીખે ચૂંટણી કરવા યોગ્ય નથી. દોઢ મહિના સુધી યુનિવર્સિટીની 46 સીટો માટે ચૂંટણી ચાલ્યા કરે તે યોગ્ય નથી. સંકલન સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું કે વીસી-રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં સેનેટની ચૂંટણીઓ યોજાવાની છે જે યોગ્ય બાબત નથી. કારણ કે તેમની સામે તપાસ ચાલી રહી છે તેવા સમયે તેઓ ચૂંટણી પર પ્રભાવ પાડીને મતદારોને દબાણ લાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...