ભાસ્કર એક્સક્લુઝિવ:પુસ્તકોમાં પોત પ્રકાશન: પુસ્તક ખરીદીમાં 5 કરોડના કૌભાંડની તપાસ સમિતિનો યુ ટર્ન ‘કમિટી બની છે, કામ કરશે’

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • MSUના સિન્ડિકેટ સભ્યે હંસા મહેતા લાઇબ્રેરીમાં પુસ્તક ખરીદીમાં કૌભાંડનો આક્ષેપ કર્યો હતો
  • 4 મહિનાથી કમિટી બનાવાઇ, ભ્રષ્ટાચાર ભૂલાવવા રાજકીય દબાણોથી ભીનું સંકેલવાના કારસાની ચર્ચા

આ વર્ષે જુલાઇ મહિનામાં એમએસ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીમાં છેલ્લા પાંચ વર્ષમાં પુસ્તકોની ખરીદીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતા. ફરિયાદ કરનાર સિન્ડિકેટ સભ્યે રૂ.5 કરોડની કટકીનો આક્ષેપ કર્યો હતો. આ પ્રકરણની ઝડપી તપાસ કરીને ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાના મૂડમાં હોય તેમ યુનિવર્સિટીમાં ગણતરીના દિવસોમાં જ ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન, સિન્ડિકેટ સભ્યો અને યુનિવર્સિટીના જોઇન્ટ રજિસ્ટ્રાર સહિતના 11 સભ્યોની કમિટી રચાઇ હતી.

પણ આ ભ્રષ્ટાચારના વળગાડના ઇલાજ માટે કમિટી ધૂણવાનું જ ભૂલી ગઇ હોય તેવો ઘાટ સર્જાયો છે. સાથે જ આ કથિત ભ્રષ્ટાચારને ભૂલાવવા પોલિટિકલ આકાઓનું દબાણ કે મેળાપિપણા જેવા કારણોને પગલે આ પ્રકરણમાં ભીનું સંકેલાવાનો કારસો ઘડાયો હોય તેવી ચર્ચા ચાલી રહી છે.

જાણો, કટકીની તપાસ સમિતિની કામગીરીના જુદા જુદા 5 જવાબો
નેક, પરીક્ષા વેકેશનમાં સમય ના મળ્યો?

કમિટી બની છે, કામ કરશે. નેક બાદ પરીક્ષાઓ અને પછી વેકેશન પડતાં બેઠક મળી નહીં. એકાદ મહિનામાં શરૂ થશે. કામગીરી તો ચોક્કસ થશે જ. - પ્રો. હરિ કટારિયા, કમિટી કન્વિનર

હજુ કમિટીની એક પણ બેઠક મળી નથી : જોઇન્ટ રજિસ્ટ્રાર
આ કમિટીની હજી એકેય બેઠક મળી નથી. હવે શરૂ થશે. કન્વિનર જાણ કરશે. > મયંક વ્યાસ, જોઇન્ટ રજિસ્ટ્રાર

જુલાઇની કમિટીનો મને કેમ સવાલ કરો છો? : રજિસ્ટ્રાર
જુલાઇની કમિટી અંગે મને સવાલ કેમ કરો છો? તપાસ પતે નહીં ત્યાં સુધી કશું કહી શકાય નહીં. એક બેઠક મળી છે. પીઆરઓને પૂછવું જોઇએ. - કે.એમ. ચુડાસમા, રજિસ્ટ્રાર.

હજુ કમિટીને નોટિફાઇ કરવાની બાકી છે : સિન્ડિકેટ સભ્ય
તપાસ કમિટી છે પણ નોટિફાઇ કરાઇ ન હોવાથી બેઠક કે કામનો સવાલ નથી. ફોરેન્સિક ઓડિટરે માંગેલી માહિતી પૂરી પાડી છે. હવે કામ ચાલુ થશે. - મયંક પટેલ, સિન્ડિકેટ સભ્ય

મને સત્તાવાર જાણ કરાઇ જ નથી : લાઇબ્રેરીયન
ઓડિટ થયું છે. કામ યોગ્ય વ્યક્તિને સોંપવા સૂચન કર્યું હતું. તપાસમાં મારુ વ્યક્તિગત નામ નથી. કમિટી પરચેઝિંગ પ્રોસેસ સામે છે. સત્તાવાર જાણ મને હજુ કરાઇ નથી.- મયંક ત્રિવેદી, લાઇબ્રેરિયન.

બેઠક મળી નથી, માહિતી અપાઇ નથી : એક્સપર્ટ
જુલાઇમાં તપાસ કમિટીમાં સર્ટિફાઇડ ફ્રોડ એક્ઝામિનર તરીકે મને લાઇબ્રેરીની બૂક્સની ખરીદીમાં કથિત ગેરરીતિ થઇ કે નહીં તેની કામગીરી સોંપાઇ છે. 4 મહિના થયા પણ સત્તાવાળાઓએ મીટિંગ બોલાવી નથી. મેં ડોક્યુમેન્ટ્સ માગ્યા હતા જે પૈકી એકેય અપાયો નથી. - સંજીવ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ.

અન્ય સમાચારો પણ છે...