શંકાસ્પદ મહિલાની પૂછપરછ:વડોદરાની સયાજી હોસ્પિટલના પ્રસૂતિ ગૃહમાં ચાકુ લઇને ઘૂસેલી મહિલાને સિક્યોરિટી ગાર્ડે પકડીને પોલીસને સોંપી

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિલા પાસેથી ચાકુ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી - Divya Bhaskar
મહિલા પાસેથી ચાકુ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી
  • મહિલાની ઘનિષ્ઠ પૂછપરછ થાય તો ચોંકાવનારું કારણ બહાર આવી શકે

વડોદરાની સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં મંગળવારે મોડી રાત્રે એક મહિલા ચાકુ સાથે આવી પહોંચતા સિક્યોરીટી ગાર્ડે તેને ઝડપી પાડી રાવપુરા પોલીસના હવાલે કરી હતી. આ મહિલા સબંધીએ બાળકને જન્મ આપ્યો હોવાનું જણાવી પ્રસુતિ ગૃહમાં જવા માંગતી હતી. પરંતુ, મહિલાની હિલચાલ શંકાસ્પદ જણાતા અને તેની પાસેથી ચાકુ મળી આવતા સિક્યોરીટી ગાર્ડે તેની અટકાયત કરી હતી.

મહિલા પર શંકા જતા પૂછપરછ કરી
વડોદરાની સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસુતિ ગૃહમાં મોડી રાત્રે 12 વાગ્યાના સુમારે એક શંકાસ્પદ મહિલા આવી પહોંચી હતી. ફરજ ઉપરના સિક્યોરીટી જવાન અતિક મન્સુરીને મહિલા ઉપર શંકા જતાં રોકી પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું હતું કે, પ્રસુતિ ગૃહના ત્રીજા માળે અમારા સબંધીએ બાળકને જન્મ આપ્યો છે અને તેઓને મળવા જવું છે. તેમ જણાવી પ્રસૂતિગૃહમાં જવા માટે પ્રયાસ કર્યો હતો.

મહિલા પાસેથી ચાકુ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી
જોકે, સિક્યોરીટી જવાનને મહિલા ઉપર શંકા જતા તેણે પ્રસૂતિ ગૃહને જવા દીધી ન હતી અને મહિલા અંગેની જાણ સયાજી હોસ્પિટલની પોલીસ ચોકીમાં કરતા પોલીસ દોડી આવી હતી. પોલીસે મહિલાની અગજડતી કરતા તેની પાસેથી ચાકુ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે મહિલાની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. જોકે, મહિલાએ પોલીસને ગોળગોળ જવાબો આપ્યા હતા.

મહિલા કેસ પ્રસૂતિ ગૃહમાં આવી તે તપાસનો વિષય
ઉલ્લેખનિય છે કે, સયાજી હોસ્પિટલમાં આવેલા પ્રસૂતિ ગૃહમાં અગાઉ નવજાત બાળક ચોરી, બાળક બદલાઇ જવાના અનેક કિસ્સાઓ બન્યા છે, ત્યારે મોડી રાત્રે 12 વાગે પ્રસૂતિ ગૃહમાં જવાનો પ્રયાસ કરનાર મહિલા ખરેખર તેના સબંધીની ખબર જોવા માટે આવી હતી. કે પછી કોઇ બદ ઇરાદાથી પ્રસૂતિ ગૃહમાં જવા માંગતી હતી. તે તપાસનો વિષય છે. મોડી રાત્રે મહિલા ચાકુ સાથે ઝડપાતા પ્રસૂતિ ગૃહમાં દાખલ મહિલાઓ અને કર્મચારીઓમાં ચકચાર મચી ગઇ હતી.

મહિલાની ઘનિષ્ઠ પૂછપરછ થાય તો ચોંકાવનારું કારણ બહાર આવી શકે
આ બનાવ અંગે સયાજી હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ મહિલાની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવે તો ચોંકાવનારું કારણ બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...